Get The App

ફ્રોડ એપ્લિકેશનમાં ફસાયા ભારતીયો, 800 કરોડની છેતરપિંડી, રશિયન કંપનીનું કારસ્તાન

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
OctaFX Trading Scam


OctaFX Trading Scam : ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ OctaFX છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં જાણીતું નામ બની ગયું છે. IPL ટીમોને સ્પોન્સર કરવાથી લઈને સોશિયલ મીડિયા અને જાહેરાતોમાં એની હાજરી સતત જોવા મળતી હતી. ભરોસાપાત્ર જણાતી OctaFX હકીકતમાં તો એક પોન્ઝી સ્કીમ હતી, જેનો હેતુ ભારતીય નાગરિકોના નાણાં ઓહિયાં કરી જવાનો હતો. તપાસ એજન્સી EDએ તાજેતરમાં OctaFX India, તેની વિદેશી ઓપરેટિંગ કંપની OctaMarkets, તેના સ્થાપક પાવેલ પ્રોઝોરોવ, OctaFXની ભારતમાં કામગીરી સંભાળનાર અન્ના રૂદૈયા અને બીજી 9 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરીને આ સમગ્ર ગેંગને સાણસામાં લીધી છે.

આ કારણસર ED એ સપાટો બોલાવો

રોકેલા નાણાં પાંચ મહિનામાં બમણા અને આઠ મહિનામાં ત્રણ ગણા કરી આપવાનું ગાજર લટકીને OctaFX એ લોકોને લપેટ્યા હતા. રોકાણકારોએ આ સ્કીમમાં કરોડોની રકમ ગુમાવી હતી. 2021માં OctaFX ના બે થી ત્રણ બ્રોકર્સ અને એજન્ટો સામે FIR દાખલ કરવામાં આવી હતી, જેના આધારે EDએ તપાસ શરૂ કરી છે. 

ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયાને સહારે બિછાવી જાળ

OctaFX ની જાળમાં લોકોને લપેટવા માટે હિન્દી ફિલ્મોના અને ટીવીના ટોચના કલાકારો પાસે જાહેરાત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પાસે પણ ધૂમ પ્રચાર કરાવાયો હતો. જાહેરાતોનો એવો તો મારો ચલાવાયો હતો કે મોટી સંખ્યામાં રોકાણકારો આકર્ષાઈ ગયા. IPL ટીમને સ્પોન્સર કરીને પણ OctaFX એ પોતાની વિશ્વસનીયતા ઊભી કરવામાં સફળતા મેળવી હતી.  

9 મહિનામાં 800 કરોડનો ચૂનો લગાવાયો 

જુલાઈ 2022 થી એપ્રિલ 2023 સુધીના માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં OctaFX એ ભારતીય રોકાણકારો પાસેથી 800 કરોડ રૂપિયા ઉસેડી લીધા હતા. એ પછી છેતરપિંડીનો ખેલ શરૂ કરાયો. મેટ્રો શહેરોને બદલે ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોના લોકોને વધુ નિશાન બનાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ દેશના 28 રાજ્યો સાયબર ક્રાઈમના સકંજામાં, બે વર્ષમાં 1.67 લાખ કેસ, માત્ર 2706 આરોપી પકડાયા, જુઓ NCRBનો ડેટા

આ રીતે છેતરપિંડી કરવામાં આવી

આ ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે રેફરલ-આધારિત પ્રોત્સાહન મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુઝર્સ પાસેથી આવતું ફંડ મુખ્યત્વે UPI અથવા સ્થાનિક બેંક ટ્રાન્સફર દ્વારા એકત્ર કરવામાં આવતું. ફોરેક્સ ટ્રેડિંગની સુવિધાના નામે ભંડોળ ઊભું કરવા માટે OctaFX ટ્રેડિંગ એપ પર રોકાણકારોને વિવિધ ભારતીય બેંકોના બહુવિધ એકાઉન્ટ્સ બતાવવામાં આવતા. પછી એ ભંડોળ અલગ-અલગ બનાવટી સંસ્થાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવતું. 

આ રીતે વિદેશમાં પૈસા મોકલવામાં આવ્યા હતા

ભેગું કરાયેલું નાણું ઈ-વોલેટ્સ અને નકલી સંસ્થાઓના ખાતાઓમાં નાંખી દેવાતું. ફિનટેક (fintech - ફાઇનાન્શિયલ ટેક્નોલોજી) કર્મચારીઓનો ઉપયોગ નકલી ઈ-કોમર્સ વેબસાઈટ્સ સાથે જોડાયેલા નકલી એકાઉન્ટ બનાવવા માટે કરાયો હતો. રોકાણકારોના ભંડોળને કાયદેસરની ખરીદી તરીકે છુપાવીને પેમેન્ટ ગેટવે એક્સેસ મેળવવા માટે આવા એકમોની રચના કરવામાં આવી હતી. એ પછી નકલી આયાત અને માલવાહક સેવાઓના બહાના હેઠળ નાણાં વિદેશ મોકલવામાં આવતા હતા.

ડમી ડિરેક્ટરોની મદદથી મની લોન્ડરિંગ

OctaFX India ઘણા નકલી એકાઉન્ટ દ્વારા સંચાલિત થતું હતું. આ ખાતાઓ અમુક એવી સંસ્થાઓના હતા, જેના ડિરેક્ટર ભારતીય હતા. જ્યારે પણ જરૂર પડે ત્યારે KYC ચકાસવા માટે OctaFX એક્ઝિક્યુટિવ્સ દ્વારા ભારતીય ડિરેક્ટરોને તાલીમ આપવામાં આવી હતી. વ્યવહારોને કાયદેસર બનાવવા માટે આ ખાતાઓમાંથી SEBI રજિસ્ટર્ડ ફંડ્સમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નાણાં વિદેશમાં મોકલવા માટે આયાત સેવાઓની આડ લેવામાં આવી હતી, હકીકતમાં તો એવી કોઈ સેવાઓ પૂરી પાડવામાં આવી જ નહોતી. લૂંટનો માલ છેવટે વિવિધ ટેક્સ હેવન દેશોમાં મોકલી દેવાતો હતો. 

દલાલોને બખ્ખાં કરાવી દેવાયા

લોકોને ફોસલાવી-પતાવી-ભરમાવીને એમના નાણાં ગજવે ઘાલી લેવામાં સાથ આપનાર એજન્ટો અને દલાલોને OctaFX દ્વારા બખ્ખાં કરાવી દેવાયા હતા. ગોવાની ફાઈવ સ્ટાર હોટેલોમાં કંપનીની ઈવેન્ટ્સનું આયોજન કરીને એજન્ટો અને દલાલોને ત્યાં આમંત્રિત કરવામાં આવતા અને છેતરપિંડીના બદલામાં તેમને લક્ઝરી કાર, બાઈક, સોનાના સિક્કા અને સોનાના બિસ્કિટ જેવા બોનસ ચૂકવવામાં આવતા હતા. 

આ પણ વાંચોઃ ઉબર, ઓલા અને અન્ય એપ્સમાં એન્ડ્રોઇડ અને આઇફોનમાં કિંમતનો તફાવત જોવા મળ્યો, યુનિયન મિનિસ્ટર દ્વારા આપવામાં આવ્યો તપાસનો આદેશ

OctaFX ગ્રુપનો કરુબાજ એક રશિયન છે

‘OctaFX ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ નામની બદમાશ કંપનીનો કરુબાજ છે રશિયન નાગરિક પાવેલ પ્રોઝોરોવ. નાણાં ઉઘરાવવા, ગેરકાયદેસર ભંડોળના મૂળને છુપાવવા અને નકલી કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગ કરવાની બનાવટનો આ સમગ્ર ખેલ એના ભેજાની પેદાશ છે. નાણાંના વ્યવહારોને તેણે સાવચેતીપૂર્વક ‘લેયરિંગ’ અને ‘પ્લેસમેન્ટ’ના વાઘા પહેરાવ્યા હતા. ED તરફથી મળેલા વારંવારના સમન્સને પણ તે ઘોળીને પી ગયો હતો. 

OctaFX ઈન્ડિયાના ભારતીય CEO અન્ના રૂદૈયા થઈ ગયા ઉડનછૂ

‘OctaFX પ્રાઈવેટ લિમિટેડ’ના ભારત ખાતેના CEO હતા અન્ના રૂદૈયા. તેઓ પણ રશિયન નાગરિક છે. ED દ્વારા તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પણ અન્નાનો પત્તો નથી. તેઓ ભારતની જમીની સરહદ પાર કરીને ભાગી ગયા છે, એવી ચચા ચાલી રહી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, ભારતની બહાર રહીને પણ અન્નાએ OctaFXની ભારતની કામગીરી પર નજર રાખી હતી. તેમના નામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. 

ED એ પાવેલની કરોડોની સંપત્તિ જપ્ત કરી  

1 ઑક્ટોબર, 2024ના રોજ ED ની મુંબઈ શાખાએ ‘પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA) અંતર્ગત મુંબઈની વિશેષ અદાલત સમક્ષ OctaFX અને તેની સાથે સંકળાયેલ એકમો વિરુદ્ધ પ્રોસિક્યુશન ફરિયાદ (PC) દાખલ કરી હતી. કોર્ટ દ્વારા તપાસના આદેશ મળતા EDએ વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં EDએ ‘મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ ટ્રીટી’ (MLAT) દ્વારા સ્પેનમાં પાવેલ પ્રોઝોરોવની માલિકીની અંદાજે રૂપિયા 165 કરોડની 19 સ્થાવર મિલકતો જપ્ત કરી છે.

OctaFXના પ્રવક્તાએ આરોપો નકારી કાઢ્યા 

OctaFXના પ્રવક્તાએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ‘2011 થી અમારી કંપનીએ નાણાકીય ઉદ્યોગમાં નક્કર પ્રતિષ્ઠા સ્થાપિત કરી છે, વિશ્વભરના હજારો સંતુષ્ટ ગ્રાહકો અમારી સેવાઓની ગુણવત્તા અને વિશ્વસનીયતાની સાક્ષી આપે છે. અમે મની લોન્ડરિંગમાં સામેલ થવાના કોઈપણ દાવાઓ, ઝડપી વળતરના ખોટા વચનો અને વેપારીઓને નુકસાન પહોંચાડતા આરોપોનું ખંડન કરીએ છીએ. ફોરેક્સ ટ્રેડિંગ માટે ગ્રાહકોના સભાન અભિગમ અને જોખમોની જાણકારીની જરૂરત બાબતે અમે ભાર આપીએ છીએ. એની સમગ્ર જાણકારી અમે અમારી વેબસાઈટ, YouTube ચૅનલ અને ઑક્ટા ઍપ પર સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરાવી છે. અમારા પર લાગેલા તમામ પાયાવિહોણા આરોપોને અમે નકારી કાઢીએ છીએ. અમારી પ્રતિષ્ઠાને કલંકિત કરવાના કોઈપણ પ્રયાસો સામે અમે નિર્ણાયક પગલાં લઈશું.’


Google NewsGoogle News