ડીમેટ ખાતાની સંખ્યા 17 કરોડને પાર, 2024માં મહિને સરેરાશ 40 લાખનો ઉમેરો
- પ્રાઈમરી માર્કેટમાં આકર્ષણ વધતા ડીમેટ ખાતા ખોલવા ધસારો
મુંબઈ : સમાપ્ત થયેલા ઓગસ્ટમાં ડીમેટ ખાતાની સંખ્યા ૪૨ લાખ વધી ૧૭.૧૧ કરોડ પર પહોંચી ગઈ છે. વર્તમાન વર્ષમાં મહિને સરેરાશ ૪૦ લાખ ડીમેટ ખાતાનો ઉમેરો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
સેકન્ડરી ઉપરાતં પ્રાઈમરી ઈક્વિટી માર્કટસમાં તેજીને કારણે ડીમેટ ખાતા માટેની માગ વધી રહી છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં ૫૬ આઈપીઓ મારફત વિવિધ ક્ષેત્રની કંપનીઓએ રૂપિયા ૬૫૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરી લીધી છે. આગામી દિવસોમાં પણ નોંધપાત્ર જાહેર ભરણાં આવી રહ્યા છે.
લિસ્ટિંગમાં ઊંચા લાભને કારણે રિટેલ રોકાણકારોનો પ્રાઈમરી માર્કેટ તરફ ધસારો જોવા મળી રહ્યો છે.
જાહેર ભરણાંમાં શેરોની ફાળવણીની તકો વધારવા એક જ પરિવારના મોટાભાગના સભ્યો પોતાના નામે અલગ ડીમેટ ખાતા ખોલાવી રહ્યા છે. વર્તમાન વર્ષના પ્રથમ આઠ મહિનામાં ૩.૨૦ કરોડ ડીમેટ ખાતા ખૂલ્યા હોવાનું સીડીએસએલ તથા એનએસડીએલના ડેટા જણાવે છે.
વિશ્વના અન્ય શેરબજારોની સરખામણીએ ભારતીય બજારમાં સ્થિરતા જોવા મળી રહી છે, જેને કારણે રિટેલ રોકાણકારોનો દેશના બજારો માટેનો વિશ્વાસ વધી ગયો હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
પરંપરાગત રોકાણ સાધનોની સરખામણીએ ઈક્વિટીસમાં રોકાણ પર વધુ વળતર મળી રહેતું હોવાથી પરિવારો પોતાની બચત ઈક્વિટીસ તરફ વાળી રહ્યાનું સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના એક અભ્યાસ પરથી જણાયું હતું.
નાણાં વર્ષ ૨૦૨૪માં સ્થાનિક પરિવારોનો ઈક્વિટીસમાં ઈન્વેસ્ટમેન્ટસ આંક રૂપિયા ૧૨૮ ટ્રિલિયન રહ્યો હતો, જે નાણાં વર્ષ ૨૦૨૩માં રૂપિયા ૮૪ ટ્રિલિયન હતો.
સરળ ઓનલાઈન પદ્ધતિ ઉપરાંત ઈક્વિટીસ પ્રત્યે વધી રહેલી જાગૃતિ પણ ડીમેટ ખાતાની સંખ્યામાં વધારા માટે કારણભૂત હોવાનું વિશ્લેષકે ઉમેર્યું હતું.