NSEના એક્ટિવ ક્લાયન્ટ ઓગસ્ટમાં 2.5 ટકા વધીને 3.27 કરોડ થયા

- NSEના કુલ યુઝર બેઝમાં ટોચના ૫ ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો ઘટીને ૬૦.૮ ટકા થયો

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
NSEના એક્ટિવ ક્લાયન્ટ ઓગસ્ટમાં 2.5  ટકા વધીને 3.27 કરોડ થયા 1 - image


અમદાવાદ : ભારતીય શેરબજારમાં એપ્રિલ મહિનાથી શરૂ થયેલ તેજી જુલાઈના અંતે અટક્યા બાદ ફરી ઓગસ્ટમાં બજારમાં નવા ઓલટાઈમ વટાવવાની સાથે નિફટીમાં ૨૦,૦૦૦નું ઐતિહાસિક લેવલ પ્રથમ વખત જોવા મળતા બજારમાં રોકાણકારોનો ઘસારો વધ્યો છે. ઓગસ્ટમાં સતત બીજા મહિને નેશનલ સ્ટોક એક્સચેન્જના એક્ટિવ ક્લાઇન્ટ બેઝમાં વધારો થયો છે.

ડેટા અનુસાર એનએસઈએ ઓગસ્ટમાં ૮ લાખથી વધુ સક્રિય વપરાશકર્તાઓ ઉમેર્યા છે. આ સાથે પ્લેટફોર્મ પર યુઝર્સની કુલ સંખ્યા ૩.૨૭ કરોડ થઈ ગઈ છે. એક્સચેન્જ દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ ઓગસ્ટમાં એક્ટિવ યુઝર્સની સંખ્યા ૩.૨૭ કરોડ હતી, જે જુલાઈના ૩.૧૯ કરોડ યુઝર્સના આંકડા કરતા ૨.૫ ટકા વધુ છે. આમ ગત મહિને ૮.૦૨ લાખ યુઝર્સ વધ્યા છે. 

એક વર્ષના ઘટાડા પછી એનએસઈના એક્ટિવ ક્લાઇન્ટની સંખ્યામાં સતત બીજા મહિને વધારો નોંધાયો છે. જુલાઈ ૨૦૨૩માં એનએસઈએ ૧૦ લાખથી વધુ યુઝર્સ ઉમેર્યા હતા. હાલમાં એનએસઈના કુલ યુઝર બેઝમાં ટોચના ૫ ડિસ્કાઉન્ટ બ્રોકરોનો હિસ્સો ૬૦.૮ ટકા છે, એક મહિના અગાઉ આ હિસ્સો ૬૧.૨ ટકા હતો.

માર્કેટ એક્સપર્ટ અનુસાર સ્થાનિક બજારોમાં આશાવાદ યથાવત્ છે. જુલાઈ ૨૦૨૩માં ૨૦,૦૦૦ના લેવલ બાદ આગામી સમયમાં દિવાળી અને બાદમાં ૨૦૨૪ની ચૂંટણીને પગલે સરકાર દ્વારા સપોર્ટની આશાએ અર્થતંત્ર વધુ વેગવંતુ બનવાની સંભાવનાએ શેરબજારમાં વધુ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. મિડ અને સ્મોલ-કેપ શેરની રેલી રિટેલ રોકાણકારોને આકર્ષી રહી. આ સિવાય વધી રહેલ આઈપીઓ અને નાના આઈપીઓના બમ્પર રિટર્ન પણ યુઝર બેઝના વધારામાં મહત્વના આભારી છે

ભારતની સૌથી મોટી સ્ટોક બ્રોકર ઝેરોધાના ગ્રાહકોની સંખ્યામાં ૦.૫ ટકાનો વધારો થયો છે અને કુલ આંકડો ૬૪ લાખ પહોંચ્યો છે. એન્જલ વનના ગ્રાહકોની સંખ્યા ૨.૪ ટકાના વધારે ૪૭ લાખ સુધી પહોંચી છે. 

ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા અને વધારાના ડીમેટ ધોરણે સીડીએસએલનો બજારહિસ્સો સતત વધતો જાય છે. વાર્ષિક ધોરણે એનએસડીએલએ કુલ/વૃદ્ધિવાળા ડીમેટ ખાતાઓમાં ૨.૬૦ ટકા/૮.૧૦ ટકા માર્કેટ શેર ગુમાવ્યો છે.


Google NewsGoogle News