NSE આ મહિને નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરશે, જાણો શું છે અને કેવી રીતે લાભ લઈ શકાય
NSE Nifty50 Index Launch Derivatives: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી નિફટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ પર ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવા મંજૂરી મળી છે, જેના આધારે 24 એપ્રિલ, 2024થી આ કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવશે.
એક્સચેન્જ 3 સીરિયલ માસિક ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈન્ડેક્સ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ સાયકલ ઓફર કરશે. રોકડમાં સેટલ થનારા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની એક્સપાયરી મહિનાના છેલ્લા શુક્રવારે થશે. નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ, નિફ્ટી 50ની કંપનીઓને બાદ કરતાં નિફ્ટી 100ની 50 કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ઈન્ડેક્સમાં સૌથી વધુ વર્ચસ્વ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોનું
માર્ચ 2024 સુધીમાં, ઇન્ડેક્સમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરનું પ્રતિનિધિત્વ સૌથી વધુ 2૩.76% રહ્યું હતું. ત્યારબાદ 11.91% સાથે કેપિટલ ગુડ્સ સેક્ટર અને 11.57% પ્રતિનિધિત્વ સાથે કન્ઝ્યુમર સર્વિસિઝનું હતું. આ ઇન્ડેક્સ 1 જાન્યુઆરી, 1997ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો, જેના બેઝ ડેટ અને બેઝ વેલ્યુ અનુક્રમે ૩ નવેમ્બર 1996 અને 1000 હતા.
વિતેલા વર્ષોમાં, ઈન્ડેક્સની પદ્ધતિમાં સુધારો થતો રહ્યો છે. 4 મે, 2009થી ઈન્ડેક્સ કોમ્પ્યુટેશન પદ્ધતિને ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઈઝેશન વેઈટેડ મેથડમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્યારબાદ, ઘટક શેરો માટે વેઈટ કેપિંગની રજૂઆત કરવામાં આવી હતી, જેના પર ડેરિવેટિવ્સ ઉપલબ્ધ ન હતા.
ડેરિવેટિવ્ઝ શું છે?
ડેરિવેટિવ્ઝ એ બે પાર્ટી કે કંપની વચ્ચે થતો ફાઈનાન્સિયલ કોન્ટ્રાક્ટ છે. જેની કિંમત સ્ટોક્સ, બોન્ડ, કરન્સી, કોમોડિટી અને માર્કેટ ઈન્ડાઈસિસ સહિતની એસેટ્સના સમૂહ કે સંબંધિત એસેટ્સની કિંમત દ્વારા નિર્ધારિત થાય છે. સંબંધિત એસેટ્સની કિંમત માર્કેટની સ્થિતિને આધારે વધે-ઘટે છે. જેથી રોકાણકાર પાર્ટી કે કંપની જે-તે એસેટ્સની ભાવિ કિંમતનો અંદાજ લગાવી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટમાં રોકાણ કરે છે. જે શેરબજારમાં નુકસાન સામે હેજિંગ માટે ઓળખાય છે. ડેરિવેટિવ્ઝમાં ઓપ્શન, ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ થતાં હોય છે.
ઉદાહરણ તરીકે આગામી સમયમાં ક્રૂડનો ભાવ વધી 100 ડોલર થવાનો છે, તેવા અંદાજ સાથે રોકાણકાર ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ સાથે જે-તે નિશ્ચિત એક્સપાયરી ડેટ માટે વર્તમાન 90 ડોલરની કિંમતે ક્રૂડ ખરીદવાનો સોદો કરે છે. જે તેને ભવિષ્યમાં થનારા વધારાથી બચાવે છે. અને જો કંપનીને ક્રૂડની જરૂર ન હોય તો તેને સેટલમેન્ટ પહેલાં વેચી નફો મેળવી શકે છે.