NSEએ તેના ટ્રેડિંગ પરિમાણોમાં ફેરફાર કર્યા, રૂ. 250થી ઓછી કિંમતના શેરો માટે ટિક સાઈઝ બદલી
NSE Changed Tick Size For Stocks: નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) તેના ટ્રેડિંગ પરિમાણોમાં નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે. 10 જૂન, 2024ના રોજથી, NSE શેર દીઠ ₹250 થી ઓછી કિંમતના તમામ શેરો માટે એક પૈસાની ટિક સાઈઝ રજૂ કરશે. આ નિર્ણય 24 મે, 2024ના રોજ જારી સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યો છે.
બજારમાં પ્રાઈસ ડિસ્કવરીમાં સુધારો કરવા સંદર્ભે આ વ્યૂહાત્મક પગલું લેવામાં આવ્યું છે. કેટલાક બજાર સહભાગીઓના મતે, આ માપ NSE અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) વચ્ચે બજારના વર્ચસ્વ માટે તીવ્ર સ્પર્ધાને પ્રતિબિંબિત કરે છે.
શું છે ટિક સાઈઝ અને તેનો લાભ
ટિક સાઈઝ એ બે બિડ અને ઓફર પ્રાઈસ વચ્ચેની લઘુત્તમ કિંમતમાં તફાવત દર્શાવે છે. એક્સચેન્જ દ્વારા ટિક સાઈઝ નિર્ધારિત કરવાથી નાની સકારાત્મક અને નકારાત્મક ઘટનાઓના લીધે શેરમાં થતી મોટી વધ-ઘટ પર લગામ મૂકે છે. ઉંચી વોલેટિલિટી ઘટે છે. જો ટિક સાઈઝ વધુ હોય તો ટ્રેડિંગ ખર્ચાળ બને છે, અને ઓછી ટિક સાઈઝ રોકાણકારોને ફાયદો કરાવે છે.
આ શેરો પર નવી ટિક સાઈઝ લાગૂ થશે
નવી ટિક સાઈઝ ઈટીએફ તેમજ EQ, BE, BZ, BO, RL, અને AF સિરિઝ સિવાય તમામ સિક્યુરિટીઝ પણ લાગૂ થશે. અગાઉ આ આ સિક્યુરિટીઝ પર 5 પૈસાની ટિક સાઈઝ લાગૂ હતી. T+1 અને T+0 સેટલમેન્ટ પર પણ ટિક સાઈઝ લાગૂ થશે. વધુમાં કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં ફેરફારો કરતાં એનએસઈએ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં રિવિઝન્સની જાહેરાત પણ કરી છે. સ્ટોક ફ્યુચર્સ માટે ટિક સાઈઝ હવે CM સેગમેન્ટમાં અંતર્ગત કિંમત સાથે લિંક કરવામાં આવશે. આ ફેરફારની માસિક ધોરણે સમીક્ષા કરવામાં આવશે, મહિનાના અંતિમ ટ્રેડિંગ દિવસે બંધ ભાવની મદદથી ટિક સાઈઝ નક્કી કરવામાં આવશે.
સુધારેલ ટિક સાઈઝ તમામ સ્ટોક ફ્યુચર્સ એક્સપાયરી પર લાગુ થશે, જેમાં નિઅર-મંથ, મીડ-મંથ અને ફાર-મન્થ કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે. CM સેગમેન્ટ અને તેના અનુરૂપ સ્ટોક ફ્યુચર્સમાં અંતર્ગત સિક્યુરિટીઝની ટિક સાઈઝમાં કોઈપણ ફેરફારને કારણે સ્ટોક ઓપ્શન્સની ટિક સાઈઝમાં કોઈ ફેરફાર થશે નહીં. NSEએ જણાવ્યુ હતું કે, "ટ્રેડિંગ સભ્યો નોંધ લે કે સિક્યુરિટીઝ માટે ટ્રેડિંગ માટે લાગુ ટિક સાઈઝ કોન્ટ્રાક્ટ/સ્પ્રેડ માસ્ટર ફાઇલોમાં ઉપલબ્ધ હશે."
આ ફેરફારનો ઉદ્દેશ ટ્રેડિંગની કાર્યક્ષમતા અને શેરની કિંમતનો અંદાજ કાઢવામાં ચોકસાઈ વધારવાનો છે. CM સેગમેન્ટમાં અંતર્ગત સિક્યુરિટીઝ સાથે ટિક સાઈઝને સંરેખિત કરવાનો અને સ્ટોક ફ્યુચર્સમાં આ ફેરફારો લાગુ કરવાનો નિર્ણય છે. જે સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ ટ્રેડિંગ માહોલ જાળવવા માટે NSEની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.