બજેટના લીધે શનિવારે પણ શેરબજારમાં થશે ટ્રેડિંગ, વાયદા બજારમાં પણ સ્પેશિયલ સેશનનું આયોજન
Union Budget 2025: નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી શનિવારના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. જેને ધ્યાનમાં રાખતાં સ્ટોક માર્કેટમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. બીએસઈ અને એનએસઈએ આપેલી માહિતી અનુસાર, બજેટના દિવસે શનિવાર હોવા છતાં શેરબજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. સ્ટોક એક્સચેન્જીસે પારદર્શકતા અને અસરકારકતા જાળવતા બજેટના દિવસે માર્કેટ ચાલુ રાખવા નિર્ણય લીધો છે.
વાયદા બજાર પણ ચાલુ
એમસીએક્સ દ્વારા પણ 1 ફેબ્રુઆરીના રોજ એક વિશેષ લાઇવ ટ્રેડિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કેન્દ્રીય બજેટની જાહેરાતના પગલે ટ્રેડર્સ અને રોકાણકારો તેમના રિયલ-ટાઇમ જોખમનું સંચાલન અને હેજિંગની સુવિધા પૂરી પાડવા માટે ટ્રેડિંગ પ્લેટફોર્મ ચાલુ રહેશે. એમસીએક્સ એક્સચેન્જ સવારે 9 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી નોર્મલ ટ્રેડ માટે ખુલ્લું રહેશે. તદુપરાંત સવારે 8.45થી 8.59 વાગ્યે સ્પેશિયલ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ UPI યુઝર્સ માટે મોટા સમાચાર: પહેલી ફેબ્રુઆરીથી બ્લોક થઈ જશે આવા ટ્રાન્ઝેક્શન
બજેટના લીધે રજાના દિવસે પણ ખુલ્લા રહે છે બજાર
કેન્દ્રીય બજેટની જાહેરાતના દિવસે મોટાભાગે શેરબજાર, નાણાકીય બજાર ખુલ્લા રહે છે. જો કે, હોલિડેના કારણે ટી0 સેટલમેન્ટનો લાભ મળી શકશે નહીં. રોકાણકાર અને ટ્રેડર્સ માત્ર ઇન્ટ્રા ડે ખરીદી-વેચાણ કે રોકાણ કરી શકશે.