ભારતીય શેરબજારના નામે મોટી સિદ્ધી નોંધાઈ, ડેરિવેટિવ સેગમેન્ટમાં સતત 5માં વર્ષે NSE ટોચના ક્રમે
2023 માં NSE વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ એક્સચેન્જ તરીકે ઉભરી આવ્યું
image : Wikipedia |
NSE Derivative Segment: છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય શેરબજારોનું વર્ચસ્વ ઝડપથી વધ્યું છે. માત્ર દોઢ મહિના પહેલા જ ભારતના મુખ્ય શેરબજારો BSE અને NSEએ 4-4 ટ્રિલિયન ડૉલરની વેલ્યૂ પ્રાપ્ત કરી મોટી સિદ્ધી મેળવી હતી અને હવે એનએસઈના નામે વધુ એક મોટી સિદ્ધી નોંધાઈ છે.
NSEના નામે નોંધાઈ આ સિદ્ધી
ગત વર્ષે NSE એ ડેરિવેટિવ સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. 2023 માં NSE વિશ્વના સૌથી મોટા ડેરિવેટિવ એક્સચેન્જ તરીકે ઉભરી આવ્યું. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે તે ડેરિવેટિવ સેગમેન્ટમાં વિશ્વભરમાં નંબર વન બન્યું છે. ઇક્વિટી સેગમેન્ટમાં NSE હવે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે એટલે કે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઇક્વિટી એક્સચેન્જ બની ગયું છે.
NSEએ આ નિવેદન બહાર પાડ્યું
NSEએ ગુરુવારે મોડી સાંજે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં જણાવ્યું કે ટ્રેડ કરાયેલા કોન્ટ્રાક્ટની સંખ્યાના હિસાબે તે 2023 માં સતત પાંચમા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ એક્સચેન્જ બની ગયું છે. એવી જ રીતે ઇલેક્ટ્રોનિક બુક ઓર્ડરની સંખ્યા મામલે તે 2023 માં ઇક્વિટી સેગમેન્ટમાં ત્રીજા સ્થાને છે. NSE એ તેના નિવેદનમાં ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા પ્રકાશિત કરાયેલા ડેટાનો હવાલો આપ્યો હતો.
NSE પર કુલ લિસ્ટેડ કંપનીઓ કેટલી?
હાલમાં NSE પર કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 7000ની નજીક પહોંચી ગઈ છે. જે ઝડપે નવી કંપનીઓ સતત IPO લઈને આવી રહી છે અને શેરબજારોમાં લિસ્ટેડ થઈ રહી છે તે જોતાં આ વર્ષે લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા 7000ને પાર થઈ શકે છે. આ સાથે દેશના મુખ્ય શેરબજારો પૈકીના એક NSEનું કુલ મૂલ્ય અને વેપાર વોલ્યુમ સતત વધતું રહેશે.