NPS વાત્સલ્ય કે PPF... કઈ યોજનામાં જલદી બનશો કરોડપતિ? જાણો સંપૂર્ણ ગણતરી
NPS Vatsalya Scheme : કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ એક યોજના શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ તમે તમારા બાળકો માટે પૈસા જમા કરાવી શકો છો. આ યોજના NPS વાત્સલ્ય છે, જે હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ખાતું ખોલાવી શકાય છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી જ્યારે તમારા બાળકો મોટા થશે ત્યારે તેમના નામે સારુ એવું મોટું ફંડ જમા થઈ જશે. એટલે કે આ બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી યોજના છે.
બાળકની ઉંમર જ્યારે 18 વર્ષ થાય ત્યારે રુપિયા ઉપાડી શકો છો
NPS વાત્સલ્ય યોજના હેઠળ કોઈપણ ભારતીય નાગરિક તેમના બાળકના નામે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ શરૂ કરી શકે છે. તેમજ મહત્તમ રોકાણ પર કોઈ મર્યાદા નથી. બાળકની ઉંમર જ્યારે 18 વર્ષનું થાય, ત્યારે તમે જમા થયેલા રુપિયા ઉપાડી શકો છો. જો કે, જો તમે ઇચ્છો તો તમે તેને 60 વર્ષ માટે પણ રાખી શકો છો. તો તમને એક સાથે મોટી રકમ મળી શકે છે.
NPS વાત્સલ્યમાંથી ક્યારે અને કેટલા પૈસા ઉપાડી શકાય?
આ યોજનામાં બાળકનું ખાતું ઓછામાં ઓછું 3 વર્ષ જૂનું હોવું જોઈએ. બાળકની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા પછી આ ખાતામાંથી 25 ટકા રકમ શિક્ષણ તેમજ આરોગ્ય સારવાર માટે ઉપાડી શકો છો. 18 વર્ષની ઉંમર પછી તમે જમા થયેલી રકમના 20 ટકા ઉપાડી શકો છો. 80 ટકા રકમ તમે વાર્ષિક જમા રાખી શકો છો, જેમાંથી તમારા બાળકનું પેન્શન બનશે. જે 60 વર્ષ પછી મળવાનું શરૂ થશે.
શું છે પોસ્ટ ઓફિસની પીપીએફ યોજના
સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) યોજના ચલાવવામાં આવી રહી છે, જે નાની બચત યોજના હેઠળ આવે છે. કોઈપણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકે છે. મોટાભાગના લોકો બાળકો માટે આ યોજનામાં રોકાણ કરતાં હોય છે, કારણ કે તે લાંબા ગાળાની યોજના છે, જેની પાકતી મુદત 15 વર્ષ પછી પૂરી થાય છે. જો કે, તમે તેને બે વાર 5 વર્ષ સુધી વધારી શકો છો. આ યોજના હેઠળ વાર્ષિક વળતર 7.1 ટકા છે.
PPF અને NPS વ્યાજ વચ્ચેનો તફાવત
- PPF પર વાર્ષિક 7.1 ટકા પ્રમાણે વ્યાજ મળે છે, જે એક ગેરેન્ટેડ આવક આપે છે. જ્યારે NPSમાં ફિક્સ રિટર્ન નથી મળતું. તેમાં અંદાજિત 10 ટકા વાર્ષિક વળતર મેળવી શકાય છે, કારણ કે તે બજાર સાથે જોડાયેલી યોજના છે.
- PPF યોજના હેઠળ તમે 500 રૂપિયામાં પણ ખાતું ખોલાવી શકો છો, જ્યારે NPS વાત્સલ્યમાં તમે 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.
- પીપીએફ યોજના એ રોકાણનો વિકલ્પ છે, જ્યારે એનપીએસ એ સ્વૈચ્છિક પેન્શન યોજના છે. તમે NPS વાત્સલ્યમાં પરિપક્વતા પર 20 ટકા રકમ ઉપાડી શકશો. બાકીના પેન્શન માટે એન્યુટી ખરીદવી પડશે.
કઈ યોજના તમને ઝડપથી કરોડપતિ બનાવશે?
NPS વાત્સલ્યમાં 10 હજારમાંથી 11 કરોડ રૂપિયા જમા થશે.
એક ગણતરી પ્રમાણે જો તમે NPS વાત્સલ્ય યોજના હેઠળ વાર્ષિક 10,000 રૂપિયા જમા કરાવો છો તો, તમારે આ રકમ 18 વર્ષ સુધી જમા કરાવવી પડશે. 18 વર્ષે તમારુ કુલ રોકાણ 5 લાખ રૂપિયા થઈ જશે. જેમાં વાર્ષિક ધોરણે 10 ટકા રિટર્ન ઉમેરવામાં આવશે.
- જો તમે 60 વર્ષ સુધી આ રકમ રાખો અને 10 ટકા વાર્ષિક વળતર ઉમેરવામાં આવશે તો કુલ કોર્પસ રૂ. 2.75 કરોડ થશે.
- 11.59 ટકા વાર્ષિક રિટર્નના આધારે, 60 વર્ષની ઉંમર સુધીમાં આ કોર્પસની કિંમત રૂ. 5.97 કરોડ થશે.
- એ જ પ્રમાણે 12.86 ટકા વાર્ષિક રિટર્નના આધારે 60 વર્ષની ઉંમરે કુલ કોર્પસ રૂ. 11.05 કરોડ થશે.
PPFમાં કેટલા વર્ષમાં બની શકાય છે કરોડપતિ
જો તમે PPFની આ યોજનામાં વાર્ષિક રૂ. 1.5 લાખનું રોકાણ કરો છો અને 15 વર્ષની પાકતી મુદત પછી તેને વધુ 10 વર્ષ માટે એટલે કે કુલ 25 વર્ષ માટે લંબાવો છો, તો તમને 7.1 ટકા વ્યાજના આધારે તમને કુલ રૂ. 1,03,08,015 મળશે.