ઓનલાઈન પેમેન્ટ કરવાની ટેવ હોય તો જાણી લેજો નવો નિયમ, UPIમાં થયા બદલાવ
UPI New Rules : વર્તમાન સમયમાં UPI એ નાણાકીય વ્યવહાર માટે મોટા પ્રમાણે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી છે. હવે પહેલી નવેમ્બરથી UPIમાં બે નવા ફેરફાર કરવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ નાના ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવા માટે ઓટો ટોપ-અપ સુવિધા રજૂ કરી છે. આ સાથે UPI લાઇટ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ પણ વધારી દેવામાં આવી છે. ચાલો આ બે ફેરફાર વિશે વિગતવાર જાણીએ.
ટ્રાન્ઝેક્શન મર્યાદા
નવા સુધારા મુજબ, યુપીઆઇ યુઝર્સ હવે પિન દાખલ કર્યા વિના રૂ. 1,000 સુધીના વ્યવહારો કરી શકશે. પહેલા આ મર્યાદા 500 રૂપિયા હતી. વોલેટમાં બેલેન્સ જાળવવાની મહત્તમ મર્યાદા પણ 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. જો કે, દૈનિક વ્યવહારની મર્યાદા માત્ર 4 હજાર રૂપિયા જ છે.
ઓટો ટોપ-અપ ફીચર શું છે?
જ્યારે યુપીઆઇ લાઇટ એકાઉન્ટનો બેલેન્સ નિર્ધારિત મર્યાદાથી નીચે આવી જાય ત્યારે ઓટો ટોપ-અપ સુવિધા યુઝરના એકાઉન્ટને આપમેળે રિચાર્જ કરે છે. હવે યુઝર તેની UPI એપ દ્વારા દરરોજ પાંચ ઓટોમેટિક ટોપ-અપ રિચાર્જ સેટ કરી શકે છે. NPCI એ આ અંગે જણાવ્યું કે, 'ઓટો ટોપ-અપ ફિચર રૂપિયા 500 સુધીના પેમેન્ટ માટે પિન લેસ ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરશે.'
યુઝર્સ માટે સુવિધા
ઓટો ટોપ-અપ સુવિધાનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે તેમની UPI એપ્લિકેશન દ્વારા ઓટો ટોપ-અપ સેટ કરવાની જરૂર છે, યુઝર્સ ગમે ત્યારે આ સુવિધાને કેન્સલ પણ કરી શકે છે. આ સુવિધાઓ સાથે યુપીઆઈ લાઇટ દૈનિક ઓછા ખર્ચના વ્યવહારો માટે વધુ અનુકૂળ બનશે. ઑક્ટોબર 2024માં, NPCIએ 16.58 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન્સ નોંધ્યા હતા, જે કુલ કિંમત રૂ. 23.5 ટ્રિલિયન હતી.
આ પણ વાંચોઃ ખાનગી અને સરકારી બેન્કની બહારથી ધિરાણ લેવાનું વધી રહેલું જોખમી વલણ