મહિલાઓનાં ઘરેણાં વેચવા પર હવે વધુ ટેક્સ, કરમાં રાહતના બદલે બજેટ ખોરવી નાખતી જોગવાઈઓ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
jewellery


Union Budget 2024: કરવેરાની 2023-24માં પારણા કરતા વધારે આવક, સરકારી સાહસોએ રળેલા જંગી નફાના કારણે ડિવીડન્ડ અને રિઝર્વ બેંકે ટ્રાન્સફર કરેલી જંગી આવકના લીધે મોંઘવારીથી પીસાતા મધ્યમવર્ગ અને બાંધેલો પગાર મેળવતા વ્યક્તિગત કરદાતાઓને બજેટમાં રાહતો મળશે એવી આશા હતી. સ્થાનિક પ્રજાને ફાયદો મળવાના બદલે બજેટમાં નુકસાન વધારે થયું હોય, કરમાં રાહત મળવાના બદલે કરનો બોજ વધે એવી જોગવાઈઓ હોય એવું લાગી રહ્યું છે. 

રોકાણ સામે કોઈપણ પ્રકારની રિબેટ કે છૂટછાટ નહી

નાણામંત્રીએ રોકાણ સામે કોઈપણ પ્રકારની રિબેટ કે છૂટછાટ નહી આપતી નવી ટેક્સ પ્રણાલીમાં વધારે રાહત આપી છે જ્યારે જૂની કર પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડકશન વધારી રૂ.75,000 કર્યું છે જેનાથી કરનું ભારણ વર્ષે રૂ.2500 કે 5000(મહીને રૂ.208 કે રૂ.419) જેટલું મહત્તમ ઘટશે. નવી પ્રણાલીમાં ટેક્સના દર ઘટાડયા છે પણ તેનાથી વાર્ષિક રૂ. 17,500 એટલે મહીને રૂ. 1458નો ફાયદો થશે. 

લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ પર ટેક્સ વધારી 12.5 ટકા કર્યો 

નવી કર પ્રણાલીમાં રાહત મેળવવા માટે સૌથી પહેલા વીમા, પેન્શન સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડીપોઝીટ જેવી બચત ઉપર કરનો લાભ છોડવો પડશે એ ઉલ્લેખનીય છે. એટલે કે કરની રાહત માટે બચત કરવાનું બંધ થાય એવું જોખમ છે. બીજી તરફ, સોનના જૂના દાગીના વેચી કોઈ મિલકત ખરીદવાનો ઈરાદો પરાવતા પરિવારને કે વારસાઈ મિલકત વેચી નવી ખરીદવાનો પ્લાન ધરાવતા લોકોને મોટો આંચકો આપ્યો છે. 

કેન્દ્રના બજેટમાં સોનું, અનલીસ્ટેડ શેર કે બોન્ડ કે રિયલ એસ્ટેટના વેચાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ વધારી 12.5 ટકા કરવામાં આવ્યો છે. એટલું જ નહી, મિલકતના વધતા ભાવ અને મોંઘવારી સામે રક્ષણ આપતો ઈન્ડેક્સેશનની લાભ નાબૂદ કરી નાખવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: રહેઠાણ ભાડાની આવકને બિઝનેસ ઈનકમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ

નાના રોકાણકારો પણ આવકવેરામાંથી બાકાત નહી 

શેરબજારમાં વર્તમાન તેજી રિટેલ રોકાણકારોને આભારી છે એવું સરકાર સ્વીકારે છે. પરંતુ, આ નાના રોકાણકારોને પણ નાણામંત્રીએ છોડ્યા નથી. શોર્ટ ટર્મ (એટલે કે એક વર્ષથી ઓછી મુદ્દત) કે લોન્ગ ટર્મ (એક વર્ષથી વધારાની મુદ્દત)ના લીસ્ટેડ શેર, બોન્ડ, ડિબેન્ચર કે મ્યુચુયુઅલ ફંડના રોકાણ ઉપરના કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. નાના રોકાણકાર માટે ફટકા સમાન આ પગલાંનો લાભ ગાંધીનગર ગીફ્ટ સિટીમાં નોંધાયેલી ઓફીસ ધરાવતી મોટી કંપનીઓને થશે. ગીફ્ટ સિટીમાં કોઇપણ પ્રકારનો કેપિટલ ગેઈન્સ ટેક્સ નથી અને 10 વર્ષ સુધી આવકવેરામાંથી મુક્તિ પણ મળે છે. 

નવી સરકારે ટેક્સનું માળખું બદલ્યું 

વર્ષ 2009-10 ના બજેટમાં ઈન્કમ ટેક્સ એક્ટ સરળ બનાવવા માટે કવાયત શરૂ થયેલી. આ પછી ઈન્કમ ટેક્સ કોડ બન્યો, સંસદની સમિતિએ તેને મંજૂર કર્યો પણ 2014 માં સરકાર બદલાઈ ગઈ. નવી સરકારે ઈન્કમ ટેક્સ કોડને અભેરાઈએ ચડાવી દીધો. નવી સરકારે ટેક્સનું માળખું સરળ બનાવવાના બદલે વધુને વધુ લોકો ટેક્સ ભરે, વધુને વધુ વ્યવહારો ટેક્સની જાળમાં આવે એવી નીતિ અપનાવી. 

નાણામંત્રીની ઈન્કમ ટેક્સ કાયદો આગામી છ વર્ષમાં સરળ બનાવવાની જાહેરાત 

આ બજેટમાં ફરી એકવાર નાણામંત્રીએ ઈન્કમ ટેક્સ કાયદો આગામી છ વર્ષમાં સરળ બનાવવાની જાહેરાત કરી છે. જોકે, આ વખતે નવી ઈન્કમ ટેક્સ પ્રણાલીના કારણે સરકાર એવું ઈચ્છી રહી છે કે આગમી વર્ષોમાં જૂની પ્રણાલી જ ખતમ કરી નાખવી જેથી બધા બચત સામે કરની રાહત મેળવતા બંધ થઈ જાય. જો આ ટેક્સનો કાયદો સરળ ગણાતો હોય તો નોંધી લો કે આ બજેટમાં વિદેશી કંપનીઓ ઉપરનો ટેક્સ પાંચ ટકા ઘટાડી 35 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જીએસટીના કરદાતા આનંદો!! પહેલા ત્રણ વર્ષનો માત્ર વેરો ભરવાથી વ્યાજ અને દંડ માંથી મુક્તિ

ટેક્સ વિભાગની નોટીસ સામે ટ્રીબ્યુનલ કે કોર્ટમાં અપીલ ઓછી થાય અને કરદાતા તરત જ ટેક્સ ભરપાઈ કરી આપે એના માટે થઈ બજેટમાં અપીલની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર ઈચ્છે કે કે એક વખત નોટીસ કે એસેસમેન્ટ મળે એટલે કરદાતાએ ટેક્સ ભરી દેવાનો ભલે પછી ડીપાર્ટમેન્ટનું કાયદાનું અર્થઘટન ખોટું હોય. અપીલની મર્યાદા વધવાથી કેસ ઘટશે પણ તેનાથી કરદાતાએ તો ગુમાવવાનું જ છે.

મહિલાઓનાં ઘરેણાં વેચવા પર હવે વધુ ટેક્સ, કરમાં રાહતના બદલે બજેટ ખોરવી નાખતી જોગવાઈઓ 2 - image


Google NewsGoogle News