બજેટ 2025: પેટ્રોલના ભાવમાં ઘટાડો, ઈન્કમ ટેક્સમાં રાહત સહિત ત્રણ મોટી જાહેરાતની શક્યતા
Budget 2025: દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી શનિવારે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવાના છે. જેમાં વિવિધ ઉદ્યોગ સંગઠનો દ્વારા મધ્યમવર્ગને અનુલક્ષી ઈન્કમ ટેક્સમાં સુધારો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો તેમજ સરકારી લાભોમાં વધારો કરે તેવી ભલામણો કરવામાં આવી છે. જો કે, બીજી તરફ સામાન્ય પ્રજા બજેટમાં કોઈ ખાસ ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આવો જાણીએ નિર્મલા સીતારમણ બજેટમાં કેવા સુધારા કરી શકે છે?
ઈન્કમ ટેક્સ માટે નવો બ્રેકેટ રજૂ થશે
કેન્દ્ર સરકાર નવી ટેક્સ રિજિમને પ્રોત્સાહન આપવા અનેક સુધારાઓ કરી શકે છે. હાલ ઘણા કરદાતાઓ જૂની ટેક્સ રિજિમને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતાં સરકાર નવી ટેક્સ રિજિમ હેઠળ ઘણા લાભો સમાવિષ્ટ કરી શકે છે. તદુપરાંત નવો 25 ટકાનો બ્રેકેટ રજૂ કરી શકે છે. હાલ 3થી 7 લાખની આવક પર 5 ટકા, 7થી 10 લાખની આવક પર 10 ટકા, 10થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ વસૂલે છે. જેમાં તે 15થી 20 લાખની આવક પર 25 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાગુ કરી શકે છે.
આ પણ વાંચોઃ આઠમા પગાર પંચમાં પગાર 186 ટકા નહીં પણ આટલો વધશે, આ રીતે પૂર્વ નાણા સચિવે ગણતરી સમજાવી
પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે
ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીએ સામાન્ય લોકોને હેરાન કર્યા છે. તેમાં ક્રૂડના ભાવો વૈશ્વિક સ્તરે ઘટ્યા હોવા છતાં, રૂપિયો નબળો પડતાં ઓએમસીએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાનો લાભ આપ્યો નથી. જેને ધ્યાનમાં રાખી સરકાર ફોસિલ ફ્યુલમાં લાગતી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. હાલ પેટ્રોલ પર 21 ટકા અને ડિઝલ પર 18 ટકાના દરે ડ્યૂટી વસૂલાય છે. ગત બજેટમાં સરકારે સોના પર આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડી 6 ટકા કરી હતી. જેના પગલે સોનાની આયાત 2024માં 104 ટકા વધી 10.06 અબજ ડોલર થતાં આ વર્ષે બજેટમાં સરકાર સોનાની આયાત ડ્યૂટીમાં ફરી વધારો કરી શકે છે.
ખેડૂતોને ધ્યાનમાં રાખી જાહેરાત
આ બજેટમાં સીતારમણ સરકારી સહાય યોજનાઓમાં વધારો કરી શકે છે. જેમાં સંસદની સ્થાયી સમિતિએ કિસાન સન્માન નિધિ વધારી ર. 12 હજાર કરવા ભલામણ કરી હતી. હાલ રૂ. 6000 છે. વધુમાં આયુષ્માન ભારત યોજનામાં વધુ સુવિધાઓ આપતા બજેટ ફાળવણી વધારવામાં આવી શકે છે. વર્ષ 2015માં શરૂ થયેલી અટલ પેન્શન યોજનામાં ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકાર તેમાં પણ સુધારો-વધારો કરી શકે છે.