63 વર્ષ જૂનો ઇન્કમ ટેક્સ કાયદો બદલાશે, આવતા સપ્તાહે નવું બિલ લાવશે સરકાર
Budget 2025: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઇન્કમ ટેક્સ માટે બજેટમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, સરકાર નવું ઇન્કમ ટેક્સ બિલ લાવી રહી છે. જેની જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. કરદાતાઓની સુવિધા માટે નવું બિલ રજૂ કરવાની યોજના થઈ છે. કરદાતાઓને અનુકૂળતા અને સરળતા પ્રદાન કરતાં ફેસલેસ અસેસમેન્ટ સહિત અનેક સુધારાઓ લાગુ કરાશે. આ બિલમાં સેલ્ફ-અસેસમેન્ટના આધારે 99 ટકા રિટર્ન સાથે આઇટી રિટર્નની પ્રક્રિયાને ઝડપી બનાવાશે.
બજેટમાં સૌથી વધુ રાહ જોવાતી અને ખાસ કરીને મધ્યમવર્ગ માટે મહત્ત્વની ગણાતી ઇન્કમ ટેક્સ સંબંધિત મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે. નવી ટેક્સ રિજિમ હેઠળ રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે. ટીસીએસ મર્યાદા પણ 7 લાખથી વધારી 12 લાખ કરવામાં આવી છે. ટીડીએસ મર્યાદા પણ વધારામાં આવી.
નવા ઇન્કમ ટેક્સ બિલમાં આ ફેરફારો સંભવ
- ઇન્કમ ટેક્સ સંબંધિત કાયદાઓ અને નીતિ-નિયમોને સરળતાથી સમજવા સરળ ભાષા
- બિનજરૂરી અને વધારાની જોગવાઈઓ દૂર થશે
- ટેક્સ સંબંધિત લિટિગેશનમાં ઘટાડો થશે
- કરદાતાઓ સરળતાથી અનુપાલન કરી શકશે
- આઇટી રિટર્ન પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવાશે.
કરદાતાઓને આ હતી અપેક્ષા
કરદાતાઓ અને વિવિધ નિષ્ણાતો દ્વારા બજેટમાં નવી ટેક્સ પ્રણાલીમાં અનેક સુધારા થવાની અપેક્ષા હતી. જેમાં નવો 25 ટકાનો ટેક્સ સ્લેબ ઉમેરે તેવી ભલામણો પણ થઈ હતી. 15થી 20 લાખની આવક પર 30 ટકાને બદલે 25 ટકા ટેક્સ સ્લેબ લાગુ કરવાની માગ હતી.