સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ ઉછળ્યો, રિયાલ્ટી-આઇટી સહિત તમામ શેર્સમાં આકર્ષક ઉછાળો
Stock Market Today: શેરબજારમાં છેલ્લા સળંગ સાત દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા નીચા મથાળે ખરીદીનું પ્રમાણ વધતાં આજે સેન્સેક્સ 1112.64 પોઇન્ટ ઉછળ્યો છે. રિયાલ્ટી અને ટૅક્નોલૉજી શેર્સમાં પણ લેવાલી વધતાં ઇન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 265.30 પોઇન્ટના ઉછાળે ટ્રેડેડ છે.
10.45 વાગ્યે નિફ્ટી 258.95 પોઇન્ટ ઉછળી 23712.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિષ્ણાતોના મતે તેજી માટે નિફ્ટી 23600નું લેવલ જાળવે તે જરૂરી છે. સેન્સેક્સ 922.59 પોઇન્ટના ઉછાળા સાથે 78261.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે 12.01 વાગ્યે સેન્સેક્સ 1015.40 પોઇન્ટ ઉછળી 78354.41 અને નિફ્ટી 299.65 પોઇન્ટ ઉછાળે 23753.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સ્મોલકેપ ઇન્ડેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો
સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઓવરઓલ માહોલ સુધારા તરફી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મંદીનો સામનો કરી રહેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ 1000 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. રિયાલ્ટી, પીએસયુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, પાવર, કેપિટલ ગુડ્સ, આઇટી ઇન્ડેક્સ 1.50 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ હવે ફ્લાઇટમાં પણ મળશે હાઇસ્પીડ ઈન્ટરનેટ, મસ્કની મદદથી ISROની સેટેલાઈટ લોન્ચ
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ
એશિયન શેરબજારોના સથવારે સ્થાનિક શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. આજે બીએસઈ ખાતે ટ્રેડેડ 3791 શેર્સ પૈકી 2870માં સુધારો અને 782માં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 267 શેર્સમાં અપર સર્કિટ અને 256 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. સેન્સેક્સ પેકમાં પણ 30 પૈકી માત્ર ચાર શેર્સ 0.57 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે અન્ય 26માં 3 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.
શું કહે છે નિષ્ણાતો?
માર્કેટ નિષ્ણાતોના મતે, આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ટ્રમ્પ સત્તાની કમાન સંભાળે અને નવી નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે. હાલ, ફોરેન હેજ ફંડ મેનેજર્સ પ્રોફિટ બુક કરી નવા વર્ષે નવું રોકાણ કરવાની રણનીતિ ઘડી રહ્યા છે.