શેરબજાર ભોંય પર પટકાયા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો, મૂડીમાં 6 લાખ કરોડનું ગાબડું
Stock Market Closing Down: શેરબજારમાં ભારે વોલેટિલિટી સાથે મંદીના વાદળો ઘેરા બની રહ્યા છે. વૈશ્વિક શેરબજારોના સથવારે આજે સેન્સેક્સ ઈન્ટ્રા ડે 1273.14 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 820.97 પોઈન્ટના કડાકા સાથે 78675.18 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 257.85 પોઈન્ટના ગાબડાં સાથે 23883.45 પર બંધ થયો છે. દેશનો વોલેટિલિટી ઈન્ડેક્સ 2.24 ટકા ઉછળી 14.59 થયો હતો. જે વોલેટિલિટી રહેવાનો સંકેત આપે છે.
રોકાણકારોએ 6 લાખ કરોડ ગુમાવ્યા
શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલના પગલે રોકાણકારોએ આજે વધુ 5.94 લાખ કરોડ ગુમાવ્યા છે. બીએસઈ માર્કેટ કેપ 436.60 લાખ કરોડ થયું હતું. જે ગઈકાલે 442.54 લાખ કરોડ હતું. બીએસઈ ખાતે આજે 363 શેર્સમાં 5થી 20 ટકા સુધીની લોઅર સર્કિટ વાગી હતી. 71 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ ભારતીય રૂપિયો આ દેશોની કરન્સી સામે 500 ગણો મજબૂત, જ્યાં ફરવાનો ખર્ચ બજેટ નહીં ખોરવે
માર્કેટ બ્રેડ્થ સાવચેતીની
મેટલ, પીએસયુ, ઓઈલ એન્ડ ગેસ, પાવર શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા હતા. સેન્સેક્સ પેકમાં 30 પૈકી માત્ર 5 શેર્સમાં 0.28 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. અન્ય 25 શેર્સ 0.19 ટકાથી 3.16 ટકા સુધી તૂટ્યા હતા. એશિયન પેઈન્ટ આજે વધુ 2.65 ટકા તૂટ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.
કડાકાનું કારણ
શેરબજારમાં કડાકા પાછળ જવાબદાર પરિબળ વિદેશી રોકાણકારોની સતત વેચવાલી છે. બીજી તરફ ટ્રમ્પની ફુગાવાતરફી નીતિઓના પગલે ડોલર પણ મજબૂત બની રહ્યો છે. જેની અસર શેરબજાર પર જોવા મળી છે. નબળો રૂપિયો અને તહેવારોના કારણે ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિની ભીતિ સાથે રોકાણકારો હાલ સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે. આગામી થોડા દિવસ મંદીનું જોર રહેવાનો અંદાજ જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરે આપ્યો છે.