શેરબજાર ફ્લેટ ખૂલ્યા બાદ વધ્યા, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં તેજી
Stock Market Today: ભારતીય શેરબજાર છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી મંદ રહ્યા બાદ હવે ઉછળ્યા છે. આજે પણ માર્કેટની શરૂઆત ફ્લેટ રહી હતી. પરંતુ બાદમાં આઈટી-ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા હતા. 11.05 વાગ્યે સેન્સેક્સ 437 પોઈન્ટ ઉછળી 79923.92 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 132 પોઈન્ટ ઉછળી 24380.20 પર ટ્રેડ થઈ રહ્યો હતાં. 313 શેર્સમાં અપર સર્કિટ અને 199 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. બીજી તરફ 230 શેર્સમાં લોઅર સર્કિટ અને 45 શેર્સ વર્ષના તળિયે નોંધાયા હતા.
સ્મોલકેપ-મીડકેપમાં ગાબડું
શેરબજારમાં હજી મંદીના વાદળો હટ્યા નથી. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ Open AI ની ચર્ચાસ્પદ ડીલ, ભારતવંશી ધર્મેશ શાહ પાસેથી chat.com ડોમેઇન કરોડોમાં ખરીદયું
આઈટી ટેક્નોલોજી શેર્સમાં બુમ તેજી
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે ડોલર ઈન્ડેક્સમાં આકર્ષક તેજી નોંધાતા આઈટી અને ટેક્નોલોજી શેર્સ ઉછળ્યા છે. બીએસઈ આઈટી ઈન્ડેક્સ 2965.63ની ઓલટાઈમ હાઈ સપાટી નજીક 2858.66 પર ટ્રેડ થઈ રહ્યો છે. ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રાના શેર્સ 1.50 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થવા સાથે સેન્સેક્સ પેકના ટોપ ગેનર્સ રહ્યા છે. પાવરગ્રીડ 4.08 ટકા ઉછળ્યો છે.
નિરાશાજનક પરિણામોએ માર્કેટમાં મંદી
વૈશ્વિક પડકારો અને નિરાશાજનક કમાણીના પગલે શેરબજારમાં મંદીનુ જોર વધ્યું છે. એફઆઈઆઈ પણ સતત વેચવાલી નોંધાવી રહ્યું છે. એશિયન પેઈન્ટે અપેક્ષા કરતાં અત્યંત નબળા પરિણામ જાહેર કરતાં જ આજે શેર 9 ટકા તૂટ્યો હતો. નિફ્ટી ખાતે લિસ્ટેડ 50 ટકાથી વધુ કંપનીઓએ અપેક્ષા કરતાં નબળો અને ઓછો નફો નોંધાવ્યો હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. શેરબજારમાં આજે ઉછાળા પાછળનું કારણ ચીનના નબળા આર્થિક ડેટા છે. ચીને જીડીપીના રિકવરી માટે આર્થિક પેેકેજ જાહેર કર્યુ હોવા છતાં ગ્રોથ નબળો જોવા મળ્યો છે.