Get The App

નવા સપ્તાહમાં નિફટી 23922 થી 23222 અને સેન્સેક્સ 79022થી 76622 વચ્ચે અથડાતાં જોવાશે

Updated: Feb 9th, 2025


Google News
Google News
નવા સપ્તાહમાં નિફટી 23922 થી 23222 અને સેન્સેક્સ 79022થી 76622 વચ્ચે અથડાતાં જોવાશે 1 - image


- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12-13 ફેબ્રુઆરીના અમેરિકા મુલાકાત પર નજર

- GENESYS INTERNATIONAL CORPORATION LTD., મીનિ ગુગલ મેપ જેવી ગણાતી કંપની, પૂર્ણ વર્ષ 2025-26ની અપેક્ષિત ઈપીએસ 17.60 સામે શેર 862.55 ભાવે 49ના પી/ઈએ  ટ્રેડ થઈ રહ્યો છે

કેન્દ્રિય બજેટમાં આવકવેરામાં મોટી રાહત આપીને લોકોની ખર્ચપાત્ર આવકમાં વધારો કરવાની જોગવાઈ અને હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનીટરી પોલીસી રિવ્યુમાં રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને સિસ્ટમમાં લિક્વિડીટી વધારવાના અને એના થકી લોકોને મોંઘવારી સામે રાહત આપવાના સાવચેતીભર્યા લીધેલા પગલાંની બજારોમાં પોઝિટીવ અસર અપેક્ષિત હતી. પરંતુ રાષ્ટ્રીય પરિબળોથી વિશેષ અત્યારે વૈશ્વિક પરિબળો પૈકી ખાસ ટ્રમ્પ ફેક્ટર બજારોમાં ફંડો, ઈન્વેસ્ટરોની મૂંઝવણ બની રહ્યું છે. મેક્સિકો, કેનેડા પર ૨૫ ટકા ટેરિફ લાદ્યા બાદ આ બન્ને દેશોને શરણાગતિની સ્થિતિમાં લાવી બિઝનેસમેન ટ્રમ્પે ટેરિફ એક મહિનો મોકૂફ રાખ્યા છે. પરંતુ ચાઈના પર ૧૦ ટકા લાગુ કરીને અમેરિકાએ ચાઈનીઝ અર્થતંત્રને વધુ ભીંસમાં લાવવાનો સંકેત આપ્યો છે. અલબત ચાઈનાએ વળતા પગલાંમાં અમેરિકા પર ટેરિફ અને ગુગલ સામે તપાસનું શસ્ત્ર ઉગામી ઘૂરકવાનો પ્રયાસ કર્યો છે.

કિટ્ટા થશે કે બિલ્લા ? ટેરિફ મામલે ટ્રમ્પનું હવે ટાર્ગેટ ભારત બની શકે છે : 

મેક્સિકો, કેનેડા અને ચાઈના પછી અમેરિકાનું ટાર્ગેટ ભારત પણ હોઈ શકે છે. ટ્રમ્પે આવતાંની ગેરકાયદે અમેરિકામાં વસતાં અન્ય દેશોના લોકોને દેશનિકાલ કરવાના આપેલા કડક સંદેશનો અમલ કરાવી ભારતને ૧૦૦થી વધુ લોકોને ડિપોર્ટ કર્યા છે. હવે  વધુ લોકોને ડિપોર્ટ કરવાની તૈયારી થઈ રહી છે એ અહેવાલ અને ટ્રમ્પનું હવે નિશાન ભારત હોવાનું ટેરિફના આકરાં નિર્ણય લેતાં પૂર્વે બિઝનેસમેન ટ્રમ્પ જાણે કે ભારતને ડિલ ટેબલ પર આવવા ફરજ પાડી રહ્યા હોય એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીની અમેરિકા વિઝિટને નિષ્ણાંતો જોઈ રહ્યા છે. અમેરિકા-ભારત વચ્ચેની આ મીટિંગ કિટ્ટ કરવી કે બિલ્લા કરવી એ માટે તાબડતોબ યોજાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. અમેરિકાને ભારતની રશીયા સાથેની દોસ્તી કણા માફક ખૂંચી રહી છે. અમેરિકા ઈચ્છતું નથી કે, ભારત તેની ક્રુડ ઓઈલની આયાત રશીયા પાસેથી કરે, અને એ પણ રૂપિયા-રૂબલમાં આ આયાત થાય. જેથી વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન આ સંભવત: દબાણ ભારત પર લાવવામાં આવશે. જો આ મુલાકાતમાં ભારત અને અમેરિકા વચ્ચે બિલ્લા કે મૈત્રીના સંબંધ થશે તો ભારતીય શેર બજારોનું સેન્ટીમન્ટ સુધરતું જોવાશે, અન્યથા કિટ્ટા એટલે કે સંબંધો વણસવાના સંજોગોમાં સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે. જેથી વડાપ્રધાન મોદીની ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના મુલાકાત પર સૌની  નજર રહેશે. આ મુલાકાતમાં વડાપ્રધાન નરેદ્ર મોદીની ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ સરકારમાં પ્રભુત્વ ધરાવતા ટેસ્લા, સ્ટારલિંક ફેઈમ ઈલોન મસ્ક સાથે પણ મીટિંગ યોજશે.  જેમાં જોવું રહ્યું કે બન્ને દેશો વચ્ચે શું ડિલ થાય છે. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૯૨૨થી ૨૩૨૨૨ વચ્ચે અને સેન્સેક્સ ૭૯૦૨૨થી ૭૬૬૨૨ વચ્ચે અથડાતજોવાઈ શકે છે.

અર્જુનની આંખે : GENESYS INTERNATIONAL LTD.

બીએસઈ(૫૦૬૧૦૯), એનએસઈ (GENESYS)લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, જેનેસિસ ઈન્ટરનેશનલ કોર્પોરેશનલિમિટેડ(GENESYS INTERNATIONAL CORPORATION LTD.), વર્ષ ૧૯૯૫માં સ્થાપીત, કંપની અદ્યતન મેપિંગ, સર્વેક્ષણ અને ભૂ-સ્થાનિક સર્વિસિઝમાં અગ્રેસર છે. કંપની ૨૦૦૦થી વધુ પ્રોફેશનલ્સની ટીમ અને સમૃધ્ધ અનુભવ સાથે જીઓગ્રાફિકલ ઈન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઈએસ) અને જીઓસ્પેશ્યલ એન્જિનિયરીંગ ડોમેઈનમાં નિષ્ણાંત સર્વિસિઝ પ્રદાન કરે છે.

કંપની પાસે મેપિંગ ટેકનોલોજી માટેની ઉભરતી કન્ઝયુમર એપ્લિકેશન્સને સમજવાની વિશિષ્ટ નિપૂણતા અને અત્યાધુનિક રિમોટ સેન્સિંગ સાથે લિડાર, એરિયલ સર્વે, ફોટોગ્રામેટ્રી અને આઈસીટી આધારિત ઈ-ગવર્નન્સ સોલ્યુશન્સ, એન્ટરપ્રાઈઝ સોલ્યુશન ઓફર કરવાની ક્ષમતા છે. કંપની સૌથી મોટી લિડાર એક્વિઝિશન કરનારી કંપનીઓમાં એક ચે અને વિશ્વમાં પ્રોસેસીંગની ક્ષમતામાં નિપૂણતા ધરાવે છે. કંપની વિશ્વમાં કેટલાક સૌથી પડકારજનક પ્રોજેક્ટોને સફળતાપૂર્વક ડિલિવર કરી શકી છે.

મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી જેનેસિસ ભારતમાં ઘણા જીઓસ્પેટીયલ પ્રોડકશન અને એપ્લિકેશન ડેવલપમેન્ટ સેન્ટરોનું સંચાલન કરે છે. અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ અને ફોર્ચ્યુન ૫૦૦ તેમ જ એસએમઈ ક્લાયન્ટ્સની વધતી જતી યાદી સાથે જેનેસિસ વૈશ્વિક જીઆઈએસ (જીઆઈએસ) અને જીઓસ્પેશ્યલ સર્વિસિઝ ઉદ્યોગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે સારી સ્થિતિમાં છે. એન્ટરપ્રાઈસીઝ-સાહસોના કાર્યક્ષ્મ ઓપ્ટિમાઈઝેશન માટે અને સરેરાશ નાગરિકના વધુ સારા માટે મેપિંગ ટેકનોલોજીની સક્ષમતામાં માનતી જેનેસિસ છેલ્લા ૨૩ વર્ષોથી વિશ્વભરના ગ્રાહકોને સર્વિસિઝ પૂરી પાડે છે, તેના મોટાભાગના ગ્રાહકો સાથે સંબંધ ઘણા વર્ષોથી છે.

પ્રોડક્ટસ :

(૧) વોનોબો : કંપનીની ઓ પ્રોડક્ટસ ૫૪ ભારતીય શહેરો અને નગરોની શેરીઓનો ૩૬૦ ડિગ્રી દ્રશ્ય આપે છે.

(૨) એચડી મેપ્સ/એડીએએસ : બેસ્ટ ઈન ક્લાસ એક્યુરેસી : ૫ સેમીની પ્રભાવશાળી સચોટતા સાથે હાઈ-ડેફિનેશન નકશા, જે કંપનીની એડીએએસ ટેકનોલોજી માટે નિર્ણાયક એસેટ છે. જે ચોકસાઈપૂર્વક ડ્રાઈવિંગના અનુભવો અને માર્ગ સલામતીને વધારવા માટે સુરક્ષિત અને વિશ્વસનીય ઉકેલો પ્રદાન કરવાની કંપનીની પ્રતિબદ્વતાને રેખાંકિત કરે છે.

(૩) થ્રીડી ડિજિટલ ટ્વિન : ડિજિટલ ટ્વિન્સ એ વાસ્તવિક ઓબ્જેક્ટસ, પ્રવૃતિઓ અથવા સિસ્ટમ્સની વર્ચ્યુઅલ રજૂઆત છે, જે રિયલ ટાઈમ પર્ફોર્મન્સ ઓપ્ટિમાઈઝેશન અને સિમ્યુલેશનને સક્ષમ કરે છે. જે   ઔદ્યોગિક ક્રાંતિની પાયાની ટેકનોલોજીઓમાં એક છે, જે ઓટોમેશન, ડિજિટલાઈઝેશન અને ડેટા સંચાલિત ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.

સર્વિસિઝ :

(એ) જીઓસ્પેશ્યલ મેપિંગ :  કંપનીએ ૫૫૦ લાખથી વધુ ટેક્સ પાર્સલ મેપિંગ. સમગ્ર વિશ્વમાં  ૪૫,૦૦૦ ચોરસ કિલો મીટરથી વધુ માટે સિટી મેપિંગ, ઓટોનોમસ ડ્રાઈવિંગ માટે એચડીે મેપિંગનું લગભગ ૧૨૦૦ કિલોમીટર, એક નામાંકિત મોબાઈલ કંપની મમાટે વિશ્વમાં વિવિધ શહેરો માટે ૨૩,૨૯,૫૮૩ કિલોમીટરને આવરી લેતી નેવિગેશન કન્ટેન્ટનું નિર્માણ કરવાની સિદ્વી હાંસલ કરી છે.

(બી) લિડાર એન્જિનિયરીંગ : માઈનીંગ, યુટીલિટીઝ અને અર્બન પ્લાનીંગ જેવા ઘણા ઉદ્યોગો માટે નકશા, એપ્લિકેશન્સ, સોલ્યુશન્સ  જરૂરી એક્યુરેસી  સ્ટાન્ડર્ડ સાથે પૂર્ણ કરી શકે છે. જેનેસિસ ભારતમાં મોબાઈલ મેપિંગ સર્વેક્ષણો પ્રદાન કરવામાં અગ્રેસર છે અને તે મોબાઈલ મેપિંગ એકમોનો દેશનો સૌથી મોટો કાફલો ધરાવે છે. જેમાં મોટી સંખ્યામાં હાઈ ડેફિનેશન (લીડાર) સ્કેનિંગ સિસ્ટમનો સમાવેશ છે. જેમાં ટેરેસ્ટ્રીયલ, બેકપેક, મોબાઈલ અને એરિયલ લિડાર સ્કેનર્સ સામેલ છે. કંપની ફિક્સ્ડ-વિગ/અનમેન્ડ એરિયલ વ્હિકલ્સ/હેલીકોપ્ટરનો ઉપયોગ કરીને એરબોર્ન લિડાર સર્વેક્ષણ માટે અગ્રણી ફ્લાઈંગ ઓપરેટર્સ સાથે ભાગીદારી વિકસાવી છે.

(સી) બિલ્ડિંગ ઈન્ફોર્મેશન મોડેલિંગ : કંપની મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો માટે બીઆઈએમ અને જિયોડાટાબેઝ મોડલનો સંકલિત અભિગમ પ્રોજેક્ટસની ગુણવતા, સમય અને ખર્ચને સુધારવા મદદ કરે છે. ઓછા સમયમાં વધુ સારા કામની માંગને પહોંચી વળવા માટે, આર્કિટેક્ચર, એન્જિનિયરીંગ અને કન્સ્ટ્રકશનના હિસ્સેદારો સચોટ મકાન માહિતી ઈચ્છે છે. બીઆઈએમ એ માત્ર થ્રીડી વિઝયુલાઈઝેશન કરતાં ઘણું વધારે છે. જે બિલ્ડિંગ નિર્માણ અને સંચાલન માટે સંપૂર્ણ પ્રોસેસ પૂરી પાડે છે.

(ડી) એપ્લિકેશન ડેવલપમેન્ટ : વન-સ્ટોપ જીઆઈએસ સર્વિસ પ્રોવાઈડર, જેનેસિસ ડેસ્કટોપ, વેબ અને મોબાઈલ પ્લેટફોર્મ્સ માટે ઈન-પ્રિમાઈસિસ અને ઓવર-ધ-ક્લાઉડ હોસ્ટિંગ વિકલ્પો સાથે લોકેશન આધારિત સોલ્યુશન્સનું નિર્માણ કરવાની ઓફર કરે છે. કંપની ઓપન-સોર્સ અને ઉદ્યોગમાં પોપ્યુલર બન્ને પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રોજેક્ટસ માટે કસ્ટમાઈઝ્ડ જીઆઈએસ (જીઆઈએસ) એપ્લિકેશન્સ વિકસાવવાનો બહોળો અનુભવ ધરાવે છે. કમર્શિયલ ઓફ-ધ-શેલ્ફ સોલ્યુશન ડેવલપમેન્ટ હોય કે કસ્ટમ-બિલ્ટ પ્રોડક્ટ હોય જિનેસિસ એન્ડ ટુ એન્ડ એપ્લિકેશન ડેવલપમેન્ટ સર્વિસ પૂરી પાડે છે.

(ઈ) બિઝનેસ કન્સલ્ટિંગ : કંપની વર્ષ ૧૯૯૫થી વિશ્વભરમાં ઓર્ગેનાઈઝેશનોને જીઆઈએસ ટેકનોલોજી અને સર્વિસિઝના અમલીકરણમાં સપોર્ટ પૂરા પાડે છે. જેમાં એનાલિસીસ જરૂરીયાત, પ્રોજેક્ટ ડિઝાઈન અને પ્લાનીંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, જીઆઈએસ ઓરિએન્ટેશન સેમીનારો અને વર્કશોપ્સ, સિસ્ટમ ઈન્ટીગ્રેશન સાથે ડાટાબેઝ અને  એપ્લિકેશન ડિઝાઈનનો સમાવેશ છે.

કંપનીના ગ્રાહક ઉદ્યોગો : કંપનીના ગ્રાહક વપરાશકાર ઉદ્યોગોમાં ઓટોમોબાઈલ્સ, અર્બન ડેવલપમેન્ટ (રાજ્ય સરકાર), ટેલીકોમ, ઈલેક્ટ્રિક, ગેસ, વોટર સપ્લાય એન્ડ સેનીટાઈઝેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર, નેવીગેશનનો સમાવેશ છે.

નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :

ચોખ્ખી આવક  ૫૮ ટકા વધીને રૂ.૨૦૪  કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૦.૬૩ ટકા થકી ચોખ્ખો નફો ૪૩ ટકા વધીને રૂ.૨૧.૬૧  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૭૪ હાંસલ કરી છે.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪ જૂન ૨૦૨૪ :

ચોખ્ખી આવક ૬૧  ટકા વધીને રૂ.૫૬.૬૭કરોડ મેળવી એનપીએમ ૨૦.૪૭ ટકા થકી ચોખ્ખો નફો ૩૧૫૦ ટકા વધીને રૂ.૧૧.૬૦ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૨.૯૦ નોંધાવી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૪ થી સપ્ટેમ્બર ૨૦૨૪ :

અપેક્ષિત ચોખ્ખી આવક ૧૧૩ ટકા વધીને રૂ.૭૩.૦૨ કરોડ મેળવી એનપીએમ ૧૫.૧૯ ટકા થકી ગત વર્ષના સમાનગાળાની રૂ.૩.૪૩ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ આ વખતે રૂ.૧૧.૦૯ કરોડ ચોખ્ખો નફો નોંધાવી શેર દીઠ આવક રૂ.૨.૭૭ અપેક્ષિત  છે.

(૪) અપેક્ષિત અર્ધવાર્ષિક ઓકટોબર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

અર્ધવાર્ષિક અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૬૦ કરોડ થકી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૬ ટકા મેળવી ચોખ્ખો નફો રૂ.૨૫.૬૦ કરોડ નોંધાવી શેર દીઠ છમાસિક આવક રૂ.૬.૪૫ અપેક્ષિત છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૯૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૪૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૨ કરોડ નોંધાવી, શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦.૫૭ અપેક્ષિત છે.

(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૪૬૫ કરોડ થકી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૫.૦૫ ટકા અપેક્ષિત મેળવી ચોખ્ખો નફો રૂ.૭૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૭.૬૦ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૭.૬૦ સામે રૂ.૫ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૮૬૨.૫૫ ભાવે ૪૯ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો  છે.

Tags :
NiftySensexBusiness-News

Google News
Google News