Stock Market Today: નિફ્ટી આજે ફરી નવી રેકોર્ડ ટોચે, 227 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા
Stock Market Today: શેરબજારમાં આજે સુધારા તરફી ખૂલ્યાં બાદ પ્રોફિટ બુકિંગ અને સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલના પગલે સળંગ બીજા દિવસે શુષ્ક માહોલ સર્જાયો છે. નિફ્ટી50 નવી સર્વોચ્ચ ટોચ બનાવી છે, જ્યારે સેન્સેક્સ નવી ઐતિહાસિક ટોચ નજીક પહોંચ્યા બાદ વેચવાલીનું પ્રેશર વધ્યું હતું. બીજી તરફ બીએસઈ ખાતે 10.36 વાગ્યા સુધીમાં 227 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 209 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી.
સેન્સેક્સ આજે 250.55 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ વધી રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યો હતો. પરંતુ પ્રોફિટ બુકિંગના કારણે 83.11 પોઈન્ટ ઘટ્યો હતો. 10.45 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 412.63 પોઈન્ટની વોલેટિલિટી સાથે 217 પોઈન્ટ ઘટાડે 73261.93 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી નવી રેકોર્ડ ટોચે
નિફ્ટી 50 આજે સુધારા સાથે ખૂલ્યા બાદ 23667.10ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 10.45 વાગ્યે 24.30 પોઈન્ટ ઘટી 23543.70 પર કારોબાર થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યા બાદ 0.57 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ફાઈનાન્સિયલ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, રિયાલ્ટી સેગમેન્ટમાં પણ વેચવાલીનું પ્રેશર વધતાં ઈન્ડેક્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
રોકાણકારોની મૂડી 1.32 લાખ કરોડ વધી
સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે આજે બીએસઈ ખાતે 10.45 વાગ્યા સુધીમાં રોકાણકારોની મૂડી રૂ. 1.32 લાખ કરોડ વધી છે. નિફ્ટી 50 ખાતે ભારતી એરટેલ, લાર્સન એન્ડ ટ્રુબો, ઈન્ફોસિસ, હિરો મોટોકોર્પ, હિન્દાલ્કોના શેર્સ 3 ટકા સુધી ઉછાળા સાથે ટોપ ગેનર્સમાં સામેલ છે, જ્યારે હિન્દુસ્તાન યુનિલીવર, એચડીએફસી બેન્ક, નેસ્લે, બીપીસીએલ, અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર્સ 1.44 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
આઈટી શેરોમાં તેજી
આઈટી સેક્ટરના મોટાભાગના શેર્સમાં સુધારો જોવા મળ્યો છે. એલટીઆઈ માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને ટીસીએસમાં ઉછાળો જોવા મળ્યો છે. આગામી મહિને રજૂ થનારા બજેટમાં સરકાર તમામ વર્ગને ખુશ કરવાના મૂડમાં હોવાનો અંદાજ અર્થશાસ્ત્રીઓ આપી રહ્યા છે. અપેક્ષા છે કે સરકાર એકંદર આર્થિક વૃદ્ધિની તરફેણમાં નિર્ણયો લેવાનું ચાલુ રાખશે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.