સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચે બંધ, સ્મોલકેપ-મિડકેપ સહિત આ સેગમેન્ટના શેરોમાં તેજી
Stock Market Closing: ત્રણ દિવસની રજા બાદ આજે શેરબજારે આકર્ષક ઉછાળા સપ્તાહની શરૂઆત કરી છે. સેન્સેક્સ અને નિફ્ટી ટ્રેડિંગના અંતે રેકોર્ડ ટોચે બંધ રહ્યા હતા. રોકાણકારોની મૂડી રૂ. 2.39 લાખ કરોડ વધી હતી. બીએસઈ માર્કેટ કેપ સતત વધી રૂ. 437.27 લાખ કરોડની નવી ટોચે પહોંચ્યું છે.
સેન્સેક્સ આજે વધુ 374 પોઈન્ટના ઉછાળા સાથે 77366.77ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 23500નું લેવલ ક્રોસ કરી 23579.05ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. સેન્સેક્સ અંતે 308.37 પોઈન્ટ ઉછળી 77301.14 અને નિફ્ટી 92.30 પોઈન્ટ વધી 23557.90 પર બંધ રહ્યો હતો.
સ્મોલકેપ, મિડકેપ શેરોમાં તેજીનો જુવાળ
સ્મોલકેપ અને મિડકેપ શેર્સ છેલ્લા કેટલાક દિવસથી ઝડપી આગેકૂચ કરી રહ્યા છે. બીએસઈ સ્મોલકેપ ઈનડેક્સ 51758.97ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. જેમાં પારસ ડિફેન્સ, પીએફએસ, એક્સિસકેડ્સ, મેરેથોન, જીઆરએસઈ, સહિત મોટાભાગના શેર્સ 10થી 20 ટકા સુધી ઉછળ્યા હતા. મિડકેપ શેર્સ પણ છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં એવરેજ 25-30 ટકા સુધી ઉછળ્યા છે.
હેલ્થકેર, ટેલિકોમ, ઓટો ઈન્ડેક્સ ટોચે
બીએસઈ ખાતે સેક્ટોરલ ઈન્ડેક્સમાં રિયાલ્ટી 2.11 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.27 ટકા, ટેલિકોમ 1 ટકા ઊછાળા સાથે બંધ રહ્યો છે. જેમાં હેલ્થકેર, ફાઈનાન્સિયલ, ટેલિકોમ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ ફરી નવી ઓલટાઈમ હાઈ બનાવી છે. જ્યારે રિયાલ્ટી ઈન્ડેક્સ વર્ષની ટોચે પહોંચ્યો છે.
"રાજકીય સ્થિરતા, સારા ફંડામેન્ટલ્સ અને સારા મેક્રો-ઈકોનોમિક પરિબળોના પગલે શેરબજારમાં તેજી જોવા મળી હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. 4 જૂનના મોટા કરેક્શનમાં માર્કેટને થયેલા મોટા નુકસાનની ભરપાઈ પાંચ દિવસમાં કર્યા બાદ શેરબજાર અતિવેગે આગળ વધતું નજરે જોવા મળ્યું છે. નિફ્ટીમાં આજે સૌથી વધુ વોલ્યૂમ સાથે શ્રીરામ ફાઇનાન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને વિપ્રોનું યોગદાન રહ્યું હતું.