નિફટી 25334, સેન્સેક્સ 82725 નવી ઊંચાઈએ

- અંતે સેન્સેક્સ ૧૯૪ પોઈન્ટ વધીને ૮૨૫૬૦ : FPIs/FIIની રૂ.૧૭૩૫ કરોડની ચોખ્ખી ખરીદી

- સળંગ ૧૩માં દિવસે નિફટી પોઝિટીવ બંધ : ફાઈ., આઈટીમાં તેજી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
નિફટી 25334, સેન્સેક્સ 82725 નવી ઊંચાઈએ 1 - image


મુંબઈ : ચાઈનાને  જાપાન દ્વારા ચીપ મેન્યુફેકચરીંગ ઈક્વિપમેન્ટના વેચાણ અટકાવવા મામલે તનાવ અને ઈઝરાયેલના બંધકોની હમાસ દ્વારા હત્યાના કારણે ફરી ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણે વૈશ્વિક બજારોમાં સાવચેતીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે નિરંતર નવી ઊંચાઈના રેકોર્ડ સર્જાતા રહ્યા હતા. ભારતીય મૂડીબજારમાં પ્રાઈમરી માર્કેટ સાથે સેકેન્ડરી માર્કેટમાં ફંડોનો રોકાણ ધોધ વહેતો રહ્યો હતો. બજાજ હાઉસીંગ ફાઈનાન્સના આઈપીઓની તૈયારીએ આજે સતત બજાજ ટ્વિન્સ શેરો બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વની આગેવાનીમાં ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરો તેમ જ બેંકિંગ શેરોમાં ફંડોએ તેજી કરી હતી. આ સાથે એચસીએલ ટેકનોલોજીની અગ્રેસરતાં આઈટી શેરોમાં સતત આકર્ષણ રહેતાં અને આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતના એફએમસીજી શેરોમાં લેવાલીએ નિફટીએ સળંગ ૧૩માં દિવસે પોઝિટીવ બંધ આવી નવો રેકોર્ડ બનાવ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ટ્રા-ડે ૨૫૩૩૩.૬૫ની ઊંચાઈનો નવો ઈતિહાસ રચી અંતે ૪૨.૮૦ પોઈન્ટ વધીને ૨૫૨૭૮.૭૦ નવી ટોચે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૮૨૭૨૫.૨૮ નવો વિક્રમ બનાવી અંતે ૧૯૪.૦૭ પોઈન્ટ વધીને ૮૨૫૫૯.૮૪ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

ફાઈ. શેરોમાં આકર્ષણ 

બજાજ ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે ખાસ તેજી જોવાઈ હતી. બજાજ ઓટો રૂ.૧૧,૧૫૧ નવી રેકોર્ડ ટોચ બનાવી અંતે રૂ.૨૨૭.૪૦ ઉછળી રૂ.૧૧,૧૨૩.૫૦ બંધ રહ્યો હતો. ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં આજે ફંડોની બજાજ ટ્વિન્સ શેરોની આગેવાનીએ આકર્ષણ રહ્યું હતું. બજાજ હાઉસીંગ લિમિટેડનો આઈપીઓ ૯, સપ્ટેમ્બરના થવાના અહેવાલે આજે બજાજ ફાઈનાન્સ રૂ.૨૨૯.૫૫ ઉછળીને રૂ.૭૪૩૫.૭૦, બજાજ ફિનસર્વ રૂ.૫૭.૬૫ વધીને રૂ.૧૮૪૦.૧૦ બંધ રહ્યા હતા. બજાજ હોલ્ડિંગ્સ રૂ.૫૬૫.૮૦ વધીને રૂ.૧૦,૬૩૩.૯૫ રહ્યો હતો. જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ રૂ.૨૨.૯૦ વધીને રૂ.૩૪૪.૬૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૩૦.૭૦ વધીને રૂ.૭૫૧.૩૫, એબી કેપિટલ રૂ.૬.૮૫ વધીને રૂ.૨૨૬.૮૦ રહ્યા હતા.

બેંકેક્સ ૧૮૭ પોઈન્ટ વધ્યો 

બેંકિંગ શેરોમાં પણ આજે ફંડોની લેવાલી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૨.૧૦ વધીને રૂ.૧૪૪૮.૬૦, બેંક ઓફ બરોડા રૂ.૩.૭૫ વધીને રૂ.૨૫૩.૯૦, કેનેરા બેંક રૂ.૧.૩૦ વધીને રૂ.૧૧૨.૮૦, એક્સિસ બેંક રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૧૮૮.૬૫, કર્ણાટક બેંક રૂ.૮.૮૦ વધીને રૂ.૨૩૫.૫૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૨૦ વધીને રૂ.૭૫.૦૪  રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૮૬.૭૭ પોઈન્ટ વધીને ૫૮૪૯૮.૨૮ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં વેચવાલી

ચાઈનાના આર્થિક, ઔદ્યોગિક ઉત્પાદનના નબળા આંકડા અને સ્ટીલ ઉદ્યોગના સંકટને લઈ વૈશ્વિક મેટલના ભાવો પર દબાણના પરિણામે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૫૦.૫૫ તૂટીને રૂ.૭૩૯.૫૫, એનએમડીસી રૂ.૬.૩૫ ઘટીને રૂ.૨૧૬.૪૦, હિન્દાલ્કો રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૬૮૩.૮૦, વેદાન્તા રૂ.૪.૯૫ ઘટીને રૂ.૪૬૩.૩૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૮૦ ઘટીને રૂ.૯૬૩.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૮૧.૫૬ પોઈન્ટ ઘટીને ૩૨૦૭૪.૨૫ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરો ગબડયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ઓવરબોટ પોઝિશન મોટી હળવી થતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૫.૨૮ પોઈન્ટ તૂટીને ૭૨૫૭૪.૦૯ બંધ રહ્યો હતો.  સિમેન્સ રૂ.૧૧૯.૮૦ ઘટીને રૂ.૬૭૭૭.૦૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૭૫૫.૨૫, ભારત ફોર્જ રૂ.૨૫ ઘટીને રૂ.૧૫૬૨, શેફલર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૩.૧૫ ઘટીને રૂ.૩૮૭૯ રહ્યા હતા.

આઈટી શેરોમાં આકર્ષણ 

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોનું આજે સતત આકર્ષણ રહ્યું હતું. એચસીએલ ટેકનોલોજી રૂ.૫૪.૯૦ વધીને રૂ.૧૮૦૭.૦૫, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૨.૧૦ વધીને રૂ.૭૮૯.૭૫, ઈન્ફોસીસ રૂ.૨૦.૮૦ વધીને રૂ.૧૯૬૪.૧૦, એક્સિસકેડ્સ રૂ.૧૫.૭૫ વધીને રૂ.૬૬૧.૨૦ રહ્યા હતા.

DIIની રૂ.૩૫૬ કરોડની  ખરીદી

એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૧૭૩૫.૪૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૩૫૬.૩૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. 

રોકાણકારોની સંપતિ વધી

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે વ્યાપક નફારૂપી વેચવાલી નીકળતા માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ રેકોર્ડ તેજી સાથે સંખ્યાબંધ એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ મળીને માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૪૭ હજાર કરોડ વધીને રૂ.૪૬૪.૮૫ લાખ કરોડની નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું.

Sensex

Google NewsGoogle News