નવા ઘઉંની આવક ધીમી ગતિએ શરૂ પરંતુ ભાવ હજુપણ એમએસપીથી ઊંચા
મિલરો તથા ટ્રેડરો પાસે નીચા સ્ટોકસને કારણે આવક ખપી જતી હોવાનો દાવો
મુંબઈ:૨૦૨૩-૨૪ની માર્કેટિંગ મોસમના નવા ઘઉંની આવક ધીમી ગતિએ શરૂ થયાનું જણાવાઈ રહ્યું છે. ગુજરાત તથા મધ્ય પ્રદેશની મંડીઓમાં નવા ઘઉંની આવક શરૂ થઈ છે, પરંતુ ધીમી ગતિએ એમ સ્થાનિક બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
નવી મોસમના ઘઉં સારી સ્થિતિમાં છે પરંતુ માલની અછતને કારણે ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૫૦૦થી રૂપિયા ૩૦૦૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે. જ્યારે એપ્રિલથી શરૂ થનારી ૨૦૨૩-૨૪ની માર્કેટિંગ મોસમ માટે લઘુત્તમ ટેકાનો ભાવ (એમએસપી) રૂપિયા ૨૧૨૫ નિશ્ચિત કરાયો છે.
આગામી મહિનામાં નવા માલની આવકમાં જોરદાર વધારો થવાની અપેક્ષા છે, પરંતુ ફલોર મિલો તથા ટ્રેડરો પાસે માલનો સ્ટોકસ નહીં હોવાથી ભાવ ઘટાડો મર્યાદિત રહેવાની શકયતા નકારાતી નથી એમ વર્તુળોએ વધુમાં જણાવ્યું હતું.
ઊંચા તાપમાનને કારણે ૨૦૨૨માં ઘઉંની ઉપજ પર અસર પડતા સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી મર્યાદિત રહી હતી. વર્તમાન વર્ષમાં પણ ખુલ્લા બજારમાં ઘઉંની ઊંચી માગ રહેવાની શકયતાને જોતા સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી નીચી રહી શકે છે.
દેશમાં નવા ઘઉંની આવક ગુજરાત તથા મધ્યપ્રદેશમાં વહેલી શરૂ થાય છે ત્યારબાદ પંજાબ તથા હરિયાણામાં નવા ઘઉં આવવાનું શરૂ થાય છે.