Budget 2025: રૂ. 12.76 લાખની આવક પર આટલો જ ટેક્સ ચૂકવવો પડશે, આ રીતે કરો કેલ્ક્યુલેશન
Income Tax New Slab Calculation: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલુ કેન્દ્રીય બજેટને મધ્યમવર્ગને મોટી રાહતો આપનારૂ ઐતિહાસિક બજેટ તરીકે દર્શાવવામાં આવી રહ્યુ છે. રૂ. 12 લાખ સુધીની આવક, તેમાં પણ પગારદારોએ રૂ. 12.75 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ ચૂકવવાનો રહેશે. પરંતુ જેમ રૂ. 12.76ની આવક થાય તો તેમની ગણતરી 15 ટકાના સ્લેબમાં થવા અંગે મૂંઝવણો અને ચિંતા વધી છે. અહીં અમે તમને સામાન્ય ગણતરી મારફત તમારે કેટલો ટેક્સ ચૂકવવાનો થશે તેના વિશે જણાવીશું...
નવા ટેક્સ સ્લેબમાં 12.76 લાખની કમાણી પર ટેક્સ
નવા ટેક્સ સ્લેબમાં રૂ. 12 લાખની આવક અને રૂ. 75000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનના કારણે રૂ. 12.75 લાખની આવક પર ઝીરો ટેક્સ છે. પરંતુ જો આવક રૂ. 12.76 લાખ થઈ તેના પર 15 ટકાના સ્લેબમાં ટેક્સ ચૂકવવો પડશે. જે મુજબ 62556 રૂપિયા ટેક્સ પેટે ચૂકવવા પડશે. પરંતુ માર્જિનલ રિલિફના કારણે ટેક્સેબલ ઈન્કમ રૂ. 1000 પર રૂ. 1000 જ ટેક્સ ચૂકવવો પડશે.
શું છે માર્જિનલ રિલિફ?
સરકારે ટેક્સ ફ્રી ઈન્કમમાં નજીવા વધારાના કારણે લાગુ પડતાં મોટા ટેક્સનો બોજો હળવો કરવા માટે માર્જિનલ રિલિફ રજૂ કર્યું છે. જેમાં કરદાતાઓને ટેક્સેબલ આવકમાં નજીવા વધારાની સામે તેટલો જ ઈન્કમ ટેક્સ ચૂકવવાનો રહે છે. જો કે, તેમાં સીમિત આવક સુધી માર્જિનલ રિલિફનો લાભ મળે છે. અર્થાત રૂ. 12.76 લાખની આવક પર રૂ. 1000 જ ટેક્સ ચૂકવવો પડશે. નવા ફેરફારો મુજબ ટેક્સ ફ્રી આવક બાદ રૂ. 60000 સુધીના વધારા પર તેટલો જ ટેક્સ ચૂકવવાનો રહેશે. ત્યારબાદ સ્લેબ રેટ મુજબ ટેક્સ લાગુ થશે.
ઉદાહરણ પરથી આ રીતે સમજો
જો આવક રૂ. 12.75 લાખથી વધી રૂ. 12.76 લાખ થઈ હોય તો આ 1000 રૂપિયાના વધારા પર માર્જિનલ રિલિફના કારણે રૂ. 1000 જ ટેક્સ ચૂકવવો પડશે. જો આવક રૂ. 13 લાખ હોય તો તેના પર રૂ. 25000, 13.25 લાખ હોય તો તેના પર ટેક્સ ફ્રી આવક રૂ. 12.75 બાદ વધતી આવક રૂ. 50 હજાર પર રૂ. 50000 સુધીનો જ ટેક્સ ચૂકવવો પડશે.
બજારમાં લિક્વિડિટી વધશે
આવકવેરામાં મોટા ફેરફારોથી સરકારી ખજાનામાં વાર્ષિક રૂ. 1 લાખ કરોડનો બોજો વધશે. પરંતુ મધ્યમવર્ગના ખિસ્સામાં આટલા રૂપિયાની બચત થતાં વપરાશ 10 ટકા વધવાની અપેક્ષા છે. જેનાથી સિસ્ટમમાં લિક્વિડિટી વધશે.