Get The App

રિટર્નમાં કમાણી છુપાવવા પર હવે કુલ આવકના 60 ટકા ટેક્સ ચૂકવવો પડશે, વ્યાજ-પેનલ્ટીમાંથી મુક્તિ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
penalty On Tax Evasion

Image: Enavato


Income Tax Return New Guidlines: હવે તમારા પર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા હશે તો અને તમે જાહેર ન કરેલી આવક ઇમાનદારીથી જાહેર કરી દેશો તો માત્ર મહત્તમ 60 ટકાના દરે ટેક્સ લગાવવામાં આવશે. હવે દરોડો પડે તો બ્લોક ઍસેસમેન્ટમાં 60 ટકાના દરે છ વર્ષના હિસાબો પર થતો વેરો વસૂલવામાં આવશે. તેના પર કલમ 234(એ), 234(બી) અને કલમ 234(સી) હેઠળ લગાવવામાં આવતું વ્યાજ વસૂલવામાં આવશે નહિ. કલમ 270 હેઠળ લાગુ કરવામાં આવતી પેનલ્ટી પણ લગાવવામાં આવશે નહિ. માત્ર છ વર્ષના હિસાબો પર એટલે કે બિનહિસાબી આવકો કે છુપાવેલી આવક પર 60 ટકાના દરે ટેક્સ ચૂકવવાનો રહેશે. કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના રજૂ કરેલા બજેટના માઘ્યમથી આ જોગવાઈ રજૂ કરી છે.

વ્યાજ અને પેનલ્ટીમાં માફી

છ વર્ષની કુલ આવકના 60 ટકા પેટે વેરાની નક્કી થયેલી રકમ પર વ્યાજ અને પેનલ્ટીની સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે કરદાતા પર દરોડો પડ્યો હોય તેને છ વર્ષના રિટર્ન ફરીથી ભરવા નિર્દેશ કરવામાં આવશે. આ રિટર્નમાં કરદાતાએ તમામ બિનહિસાબી આવકો જાહેર કરી દેવાની રહેશે. કરદાતા સંપૂર્ણ બિનહિસાબી આવક જાહેર કરી દેશે તો 60 ટકાના દરે આવકવેરો વસૂલીને કેસ રદ કરવામાં આવશે. અલબત્ત કરદાતાએ છ વર્ષની કુલ આવક પર 60 ટકાના દરે આવકવેરો ભરવો પડશે. 

દરોડા બાદ ખોટા રિટર્ન પર 30 ટકા પેનલ્ટી

પરંતુ જો રિટર્નમાં સંપૂર્ણ બિનહિસાબી આવક ન દર્શાવે તો 60 ટકાના ટેક્સ ઉપરાંત 30 ટકા પેનલ્ટી પણ ચૂકવવી પડશે. આમ કુલ આવકના 90 ટકા ટેક્સ ચૂકવવો પડશે. દરોડા પછી કરદાતાને નવા રિટર્ન ભરવા જણાવવામાં આવશે. ધારો કે, નવા રિટર્નમાં કરદાતા છ વર્ષની આવકમાં રૂ. 10 કરોડનો વધારો બતાવશે તો તેના પર 60 ટકાના દરે આવકવેરો ચૂકવવો પડશે. તેના પર વ્યાજ કે દંડ લાગુ થશે નહિ. પરંતુ કરદાતાએ રજૂ કરેલા નવા છ વર્ષના રિટર્નની આકારણી અધિકારી નવા રિટર્નની ચકાસણી કરે અને તેને લાગે કે કરદાતાએ રૂ.15 કરોડની આવક પર ટેક્સ ભરવાનો થાય છે તો કરદાતાએ જાહેર ન કરેલી આવક રૂ. 15 કરોડ હોવાનું જણાશે તો તફાવતની 5 કરોડની આવક પર તેના પર 60 ટકા ટેક્સ ઉપરાંત પેનલ્ટી પણ વઘુ ચૂકવવી પડશે. તેના પર 50 ટકા પેનલ્ટી પણ ચૂકવવી પડશે. 

આ પણ વાંચોઃ Sovereign Gold Bond: શું સરકાર બંધ કરી દેશે સસ્તામાં સોનું ખરીદવાની આ યોજના? જાણો શું છે કારણ

જો કે, આ નવી આકારણી સામે અપીલમાં જવાનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે. નવી આકારણી કરવામાં આવે તેવા કેસમાં જૂની આકારણીને સાવ જ પડતી મૂકી દેવામાં આવશે. નવી આકારણીને જ ફાઇનલ ગણીને તેના પર ટેક્સ લેવામાં આવશે. અત્યાર સુધીની વ્યવસ્થા હેઠળ છ વર્ષના રિઍસેસમેન્ટ ચાલતા હોય તો તેવા સંજોગોમાં બાર મહિનાનો ટાઇમ થવા આવતા હોય તે વર્ષ માટે નોટિસ ઇશ્યૂ કરી દેવામાં આવતી હતી. હવે તમામ છ વર્ષની સાથે જ આકારણી કરવામાં આવશે. 

હવે દર વર્ષે રિટર્ન સંદર્ભે નોટિસ નહીં આવે

એક એક વર્ષના રિટર્નના સંદર્ભમાં નોટિસ આપી દેવાની સિસ્ટમ કાઢી નાખવામાં આવી છે. આકારણી અધિકારી છ વર્ષના રિટર્નની એટલે કે કુલ આવકના રિટર્નની ચકાસણી કરશે. દરોડા હેઠળના કરદાતાના ઘરેથી અન્ય કોઈના નાણા, દાગીના, સોનું કે અન્ય અસ્ક્યામત મળી આવે તો તેને માટે કલમ 158 (બીડી) લાગુ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હોવાનું ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે બજેટમાં ડાયરેક્ટ ટેક્સની જોગવાઈ અંગે વક્તવ્ય આપતા ઇન્કમ ટેક્સ એક્ટ ઘડનારી કમિટીના સભ્ય ગિરીશ આહૂજાએ જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે આ માટે જ દરોડા પૂરા થયાની તારીખથી બાર મહિનાનો જ સમયગાળો નક્કી કરી દેવામાં આવ્યો છે. 

દરોડાની તારીખનો મહિનો પૂરો થયા પછી બાર મહિનાના ગાળામાં આકારણી કરી તમારી પાસેનો ટેક્સ વસૂલી લેવાની જોગવાઈ પણ નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં દાખલ કરી દીધી છે. તેની સાથે જ કલમ 148(એ) હેઠળની ઇન્ક્વાયરી અને નોટિસ આપવાની પ્રક્રિયા કાઢી જ નાખી છે. તેમાં આકારણી અધિકારી તપાસ કરે, ત્યારબાદ કારણ આપે, ત્યારબાદ કરદાતાને રિટર્ન ફાઈલ કરવા જણાવે, ત્યારબાદ તમને રજૂઆત કરવાની તક આપશે અને તે પછી નિર્ણય લઈને ઓર્ડર કરતાં હતા. આ પ્રક્રિયા કાઢી નાખી છે. કલમ 148ની પેટા કલમ 1માં જણાવી દેવામાં આવ્યું છે કે કોઈપણ તેનું રિઍસેસમેન્ટ કરશે નહિ.

આકારણી અધિકારીને લાગશે કે તમારી આવક વધારે છે તો તે તમને નોટિસ આપશે. ઍસેસમેન્ટમાં વધારાની ઇન્કમ જોવા મળે તો તે અધિકારી કરદાતાને નોટિસ આપશે. તેમ જ તેણે શોધી કાઢેલી વધારાની આવક અંગે કરદાતાને પૂછશે. આ સંદર્ભમમાં કરદાતા જે રજૂઆત કરશે તે સાંભળશે. ત્યારબાદ પોતાનો નિર્ણય કરશે અને ઓર્ડર પણ આપી દેશે. કરચોરી કરી છે કે નહિ. આ ઓર્ડર 148(એ)ની પેટા કલમ 3 હેઠળ ઓર્ડર આપશે. ઓર્ડર આપ્યા પછી 148ની નોટિસ આપશે અને ત્યારબાદ 147ની કલમ લાગુ કરી દેશે. પુનઃઆકારણી હવે છ વર્ષને બદલે પાંચ વર્ષની જ કરશે.

આ પણ વાંચોઃ શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોની મૂડી 3 લાખ કરોડથી વધુ ઘટી, જાણો કારણ


Google NewsGoogle News