Get The App

New Rule 2025: પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે આ 10 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
New rules


Rule Changes from January 1: નવા વર્ષની સાથે પર્સનલ ફાયનાન્સ અને બૅન્કિંગ સંબંધિત અનેક મોટા ફેરફારો થવાના છે. 1 જાન્યુઆરી, 2025થી લાગુ થતાં નવા નિયમોની સીધી અસર રોજિંદા જીવન અને ફાયનાન્સિયલ પ્લાનિંગ પર થશે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતોથી માંડી પેન્શન-યુપીઆઈ સેવાઓ સુધીના નિયમોમાં ફેરફારો સામેલ છે.

1. એલપીજી ગેસના ભાવો યથાવત્

દરમહિને બદલાતાં એલપીજી ગેસના ભાવો જાન્યુઆરી મહિનામાં યથાવત્ રહેવાની જાહેરાત થઈ છે. આ જાહેરાત સાથે નવા વર્ષના પ્રથમ માસમાં લોકોના બજેટ પર કોઈ વધારાનો બોજો પડશે નહીં. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી ગેસના ભાવો સ્થિર રહ્યા છે. જો કે, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધ-ઘટ જોવા મળી છે. 

2. કાર મોંઘી થશે

દર વર્ષે નવા વર્ષની શરુઆતમાં ઓટોમોબાઇલ કંપનીઓ કારની કિંમતોમાં ફેરફારો કરતી હોય છે. વર્તમાન મોંઘવારી તેમજ કોમ્પોનન્ટ્સના ભાવોમાં વૃદ્ધિના પગલે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, અને બીએમડબ્લ્યૂ જેવી કારની કિંમતોમાં 3 ટકા સુધી વૃદ્ધિ જોવા મળી છે. જેથી 1 જાન્યુઆરીથી કાર મોંઘી બનશે.

3. રાશન કાર્ડ માટે ઈ-કેવાયસી જરૂરી

સરકારે રાશન કાર્ડધારકો માટે ઈ-કેવાયસી અનિવાર્ય બનાવ્યું છે. 31 ડિસેમ્બર, 2024 સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરનારા લોકોના રાશન કાર્ડ 1 જાન્યુઆરી, 2025થી રદ થશે.

આ પણ વાંચોઃ UPI યુઝર્સ માટે મહત્વના સમાચાર, પહેલી જાન્યુઆરીથી નિયમોમાં થશે ફેરબદલ

4. પેન્શન ઉપાડ સરળ બન્યો

ઈપીએફઓએ પેન્શનધારકો માટે સરળ નિયમો બનાવ્યા છે. હવે તે દેશની કોઈપણ બેન્કમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકે છે. જેના માટે વધારાના વેરિફિકેશનની જરૂર પડશે નહીં.

5. ઈપીએફઓ માટે એટીએમ સુવિધા

કેન્દ્ર સરકારે ઈપીએફઓ હેઠળ રજિસ્ટર્ડ ખાતેદારો માટે એટીએમ કાર્ડની સુવિધા શરુ કરી છે. જેનાથી કર્મચારી પોતાના પીએફ એકાઉન્ટમાંથી સરળતાથી અને ઝડપથી ઉપાડ કરી શકશે.

6. યુપીઆઈ લિમિટમાં વૃદ્ધિ

UPI 123Pay સર્વિસ હેઠળ ફીચર ફોન યુઝર્સ હવે રૂ. 10000 સુધીની ચૂકવણી કરી શકશે. અગાઉ આ મર્યાદા રૂ. 5000 હતી.

7. ફિક્સ્ડ ડિપોઝિટના નવા નિયમ

આરબીઆઇએ એનબીએફસી અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે અને ડિપોઝિટની સુરક્ષા સુનિશ્ચિત કરાશે.

8. વિઝા નિયમોમાં ફેરફાર

અમેરિકા માટે સ્ટુડન્ટ, વર્ક, ટુરિસ્ટ સહિત નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરતાં અરજદારો પોતાની મરજી મુજબ ઇન્ટરવ્યૂ એપોઇન્ટમેન્ટમાં એકવખત કોઈ વધારાના ચાર્જ વિના રિ-શિડ્યુલ કરાવી શકાશે. 

9. સેન્સેક્સ અને બૅન્કિંગ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની નવી તારીખો

બીએસઈના જણાવ્યા પ્રમાણે, 1 જાન્યુઆરી, 2025થી સેન્સેક્સ અને બૅન્કેક્સના સાપ્તાહિક કોન્ટ્રાક્ટ દર મંગળવારે પૂરા થશે. અગાઉ તેનો એક્સપાયરી ડે શુક્રવાર હતો.

10. જાન્યુઆરીમાં સાત દિવસ બૅન્કો બંધ

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કુલ સાત દિવસ બૅન્કો બંધ રહેશે. જેમાં એક મકરસંક્રાતિની રજા તેમજ ચાર રવિવાર અને બીજો-ચોથો શનિવાર સામેલ છે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં કુલ 15 દિવસ બૅન્ક બંધ રહેવાની છે. જો કે, આરબીઆઇનું સત્તાવાર હોલિડે લિસ્ટ જાહેર થયું નથી.

New Rule 2025: પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે આ 10 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર 2 - image


Google NewsGoogle News