Get The App

UPI ટ્રાન્ઝેક્શનમાં નોંધાયો નવો રૅકોર્ડ, ઑક્ટોબરમાં થયા 23.5 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન

Updated: Nov 3rd, 2024


Google NewsGoogle News
UPI ટ્રાન્ઝેક્શનમાં નોંધાયો નવો રૅકોર્ડ, ઑક્ટોબરમાં થયા 23.5 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન 1 - image

UPI Transaction Set New Record : તહેવારોની સિઝન દરમિયાન યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમ(UPI) દ્વારા થતાં નાણાકીય વ્યવહારોમાં ઉછાળો જોવા મળ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઑક્ટોબર મહિનામાં દેશમાં 16.58 બિલિયન UPI વ્યવહારો થયા હતા. જેની કિંમત આશરે રૂ. 23.5 લાખ કરોડની છે. જે ડિજિટલ પેમેન્ટ સેક્ટરના વધતાં જતાં મહત્ત્વને દર્શાવે છે.

વ્યવહારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે 10 ટકાનો વધારો 

ઑક્ટોબરમાં ગત મહિનાની સરખામણીએ વ્યવહારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે 10 ટકાનો વધારો થયો છે. અને તેમના મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિ UPIની સગવડતા અને દેશમાં ઉપલબ્ધ સૌથી સરળ ચુકવણી પ્રક્રિયાઓમાંની એક તરીકેનું સૂચક છે. દૈનિક વ્યવહારના આધારે ઑક્ટોબરમાં રૂ. 75801 કરોડના સરેરાશ ટ્રાન્ઝેક્શન મૂલ્યના 535 મિલિયન વ્યવહારો થયા હતા. જ્યારે સપ્ટેમ્બરમાં રૂ. 68800 કરોડના સરેરાશ વ્યવહાર મૂલ્ય સાથે દૈનિક સરેરાશ 501 મિલિયન વ્યવહારો થયા હતા.

પેમેન્ટ પ્લેટફૉર્મ્સ પર વ્યવહારોમાં જંગી વૃદ્ધિ

અન્ય પેમેન્ટ પ્લેટફૉર્મ્સ જેવા કે IMPS((Immediate Payment Service)માં પણ ઑક્ટોબરમાં વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં 467 મિલિયન વ્યવહારો નોંધાયા હતા. સપ્ટેમ્બરમાં 430 મિલિયન ટ્રાન્ઝેક્શનની સરખામણીમાં આ 9% નો વધારો દર્શાવે છે. IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય અગાઉના મહિનામાં રૂ. 5.65 લાખ કરોડથી 11% વધીને રૂ. 6.29 લાખ કરોડ થયું છે. તેવી જ રીતે ફાસ્ટેગ દ્વારા ટ્રાન્ઝેક્શન સપ્ટેમ્બરમાં 318 મિલિયનથી 8% વધીને 345 મિલિયન થઈ ગયું છે. જે વ્યવહારોનું મૂલ્ય રૂ. 5620 કરોડથી રૂ. 6115 કરોડ થયું.

UPI આધારિત વ્યવહારોમાં 52%નો વધારો

UPI અને IMPS ઉપરાંત Aadhaar Enabled Payment System (AEPS) એ પણ ઑક્ટોબરમાં 126 મિલિયન વ્યવહારો સાથે નોંધપાત્ર ઉછાળો નોંધ્યો છે. જે સપ્ટેમ્બરમાં 100 મિલિયનથી 26 ટકા વધારે છે. વિવિધ ડિજિટલ પેમેન્ટ પ્લેટફૉર્મ્સમાં આ જંગી વૃદ્ધિ ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફના ઝડપી પરિવર્તનને રેખાંકિત કરે છે.

આ વર્ષના પહેલા છ મહિનામાં UPI આધારિત વ્યવહારોમાં 52%નો વધારો થયો છે. આ સમયગાળા દરમ્યાન ગયા વર્ષે આ વ્યવહારો 51.9 અબજ હતા જે વધીને 78.97 અબજ થયા છે. વધુમાં આ વ્યવહારોનું મૂલ્ય રૂ. 83.16 લાખ કરોડથી 40 ટકા વધીને રૂ. 116.63 લાખ કરોડ થયું છે.

UPI ટ્રાન્ઝેક્શનમાં નોંધાયો નવો રૅકોર્ડ, ઑક્ટોબરમાં થયા 23.5 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન 2 - image


Google NewsGoogle News