RBIના નવા ગવર્નર આજે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરશે તેવી ધારણાં
- ફુગાવામાં ઘટાડો અને મંદ આર્થિક વિકાસ જોતા વ્યાજ દર ઘટાડવા માટે સ્થિતિ સાનુકૂળ
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતમાં આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ગઈકાલથી અહીં શરૂ થયેલી નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં મલ્હોત્રા પોતાની આ પ્રથમ જ બેઠકમાં અંદાજે પાંચ વર્ષના ગાળા બાદ રેપો રેટમાં ઘટાડો કરવાનું શરૂ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
હાલમાં રેપો રેટ જે ૬.૫૦ ટકા છે, તેમાં પા ટકા ઘટાડો કરી ૬.૨૫ ટકા કરાશે. ફુગાવામાં જોવા મળી રહેલો ઘટાડો તથા આર્થિક વિકાસ દર મંદ પડતા રેપો રેટ ઘટાડવા માટે સ્થિતિ સાનુકૂળ બની છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
કોરોનાની મહામારી સમયે રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડી મે ૨૦૨૦માં ૪ ટકા લઈ જવાયો હતો. ત્યારબાદ રેપો રેટમાં સતત વધારો કરીને ફેબુ્રઆરી ૨૦૨૩ સુધીમાં તે ૬.૫૦ ટકા સુધી લવાયો હતો અને ત્યારથી રેપો રેટનું ઊંચુ સ્તર જળવાઈ રહ્યું છે.
ખાધ્ય પદાર્થોના ઊંચા ભાવને કારણે એકંદર ફુગાવો ઊંચો રહેતા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસે સતત બે વર્ષ સુધી રેપો રેટ જાળવી રાખ્યો હતો. દાસની નિવૃત્તી બાદ તેમના સ્થાને આવેલા સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળ પાંચ ફેબુ્રઆરીથી એમપીસીની બેઠક શરૂ થઈ છે અને મલ્હોત્રા આવતી કાલે બેઠકના નિર્ણય જાહેર કરશે.
પડકારરૂપ વૈશ્વિક વાતાવરણ તથા ડોલર સામે રૂપિયાની નરમાઈ ઉપરાંત ફુગાવામાં ઘટાડાને ધ્યાનમાં રાખી મલ્હોત્રા વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને દેશમાં આર્થિક વિકાસને વેગ આપતું બજેટ રજૂ કર્યું છે ત્યારે હવે તેમના પ્રયાસોને ટેકો પૂરો પાડવાની જવાબદારી રિઝર્વ બેન્કની બની રહે છે, એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.આવક વેરાની મુક્તિમર્યાદા વધારીને નાણાં પ્રધાને દેશમાં ઉપભોગ માગ વધારવા પ્રયાસ કર્યા છે. આવી સ્થિતિમાં વપરાશકારોને તથા ઉદ્યોગોને નીચા દરે ધિરાણ ઉપલબ્ધ બની રહે તે જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. રેપો રેટમાં પા ટકાનો ઘટાડો થવાની પોતે અપેક્ષા રાખી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.