રૂપિયો 83.34ના નવા તળિયે : આયાત થતી ચીજવસ્તુઓ મોંઘી થશે

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
રૂપિયો 83.34ના નવા તળિયે :  આયાત થતી ચીજવસ્તુઓ મોંઘી થશે 1 - image


- ક્રૂડના ભાવમાં નવેસરથી ઉછાળો આવતાં રૂપિયો દબાણમાં 

- રૂપિયા સામે ડોલર ઉપરાંત બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ પણ ઉછળ્યા : ડોલરમાં દેશી તથા વિદેશી બેન્કોની લેવાલી

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે  રૂપિયા સામે ડોલરના ભાવ ઉછળતાં રૂપિયો નવા તળિયે ઉતરી ગયો હતો. શેરબજારમાં ઘટાડો તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં નવેસરથી ઉછાળો આવતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.

રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૨૭ વાળા જો કે આજે સવારે રૂ.૮૩.૨૬ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૩.૨૨ થયા પછી ભાવ વધી ઉંચામાં રૂ.૮૩.૩૫ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૩.૩૪ની તળિયાની સપાટીએ બંધ રહ્યા હતા.

રૂપિયો આજે વધુ ૦.૦૮ ટકા નબળો પડયો હતો. રૂપિયો તૂટતાં તથા ડોલર ઉંચકાતાં દેશમાં આયાત થતી ક્રૂડતેલ, સોના-ચાંદી સહિતની વિવિધ એગ્રી તથા નોન-એગ્રી ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે, તથા તેના પગલે મોંઘનવારી વધુ વધવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, કરન્સી બજારમાં આજે વિવિદ દેશી તથા વિદેશી બેન્કો ડોલરની ખરીદી કરી રહ્યાની ચર્ચા સંભળાઈ હતી. આ પૂર્વે ૧૦મી નવેમ્બરે આ મહિનામાં આવી તેજી રૂપિયા સામે ડોલરમાં જોવા મળી હતી.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ૦.૪૦ ટકા ઘટી નીચામાં ૧૦૩.૪૭ થઈ ૧૦૩.૫૦ રહ્યો હતો. મુંબઈ બજારમાં રૂપિયા સામે ડોલર ઉપરાંત બ્રિટીશ પાઉન્ડના ભાવ ૯૩ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૪.૨૬ના મથાળે બંધ રહ્યા હતા. પાઉન્ડના ભાવ રૂ.૧૦૪ની સપાટી પાર કરી ગયા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ પણ રૂપિયા સામે ૩૭ પૈસા વધી રૂ.૯૧ની  સપાટી પાર કરી ઉંચામાં ભાવ રૂ.૯૧.૧૮ થઈ છેલ્લે રૂ.૯૧.૧૫  રહ્યા હતા. 

જાપાનની કરન્સી રૂપિયા સામે ૧.૦૮ ટકા ઉછળી હતી જયારે ચીનની કરન્સી ૦.૫૫ ટકા ઉંચકાયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મળેલી છેલ્લી મિટિંગની મિનિટસ આ સપ્તાહમાં બહાર પડવાની છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.


Google NewsGoogle News