ભારતની જાણીતી એરલાઇન્સ બની જશે ઈતિહાસ, એર ઈન્ડિયામાં થઈ જશે મર્જર
Vistara Air India deal: આજે વિસ્તારાનું એર ઈન્ડિયા ગ્રૂપમાં મર્જર થવા જઈ રહ્યું છે. હવેથી વિસ્તારાની સેવા મેળવવા માટે એરઈન્ડિયાની વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આ મર્જર સાથે દેશમાં ફૂલ સર્વિસ એરલાઈનમાં એર ઈન્ડિયા એક માત્ર કંપની રહેશે. છેલ્લા 17 વર્ષમાં ભારતીય એરલાઈન સેક્ટરમાં ફૂલ સર્વિસ એરલાઈન કંપનીઓની સંખ્યા પાંચથી ઘટી એક થઈ છે.
વિદેશી રોકાણ (એફડીઆઈ)માં ઉદારીકરણની નીતિના કારણે વિદેશી એરલાઈન કંપનીઓનું વર્ચસ્વ વધ્યું છે. વિસ્તારામાં સિંગાપોર એરલાઈન્સ 49 ટકા હિસ્સો ધરાવે છે. આ મર્જર બાદ એર ઈન્ડિયામાં તેનો હિસ્સો ઘટી 25.1 ટકા થશે. ફૂલ સર્વિસ એરલાઈન કંપનીમાં ટિકિટ ભાડામાં જ સહાય સેવાઓ સામેલ હોય છે.
એફડીઆઈમાં છૂટથી અનેક એરલાઈન્સ બંધ થઈ
વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે વિદેશી એરલાઈન કંપનીઓને સ્થાનિક કંપનીમાં 49 ટકા સુધી હિસ્સો ખરીદવાની મંજૂરી આપી હતી. જેના લીધે અબુધાબીની એતિહાદ એરવેઝે જેટ એરવેઝમાં 24 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ સિવાય એરએશિયા ઈન્ડિયા અને વિસ્તારાનો જન્મ થયો હતો. છેલ્લા 10 વર્ષમાં ફૂલ સર્વિસ કરિયર તરીકે પાંચ ભારતીય એરલાઈન કાર્યરત હતી. પરંતુ દેવાના બોજા હેઠળ અને મર્જરના ભાગરૂપે તેની સંખ્યા ઘટીને બે થઈ હતી. હવે વિસ્તારાના મર્જર બાદ એકમાત્ર એર ઈન્ડિયા ફૂલ સર્વિસ કરિયર તરીકે સેવા આપશે.
ભારતીય એરલાઈનનો ઈતિહાસ
2012માં કિંગફિશર બંધ થઈ, એર સહારાએ જેટ એરવેઝ હસ્તગત કરી અને તેનું નામ બદલી જેટલાઈટ રાખ્યું. પરંતુ તે ચાલી શકી નહીં. 2019માં જેટ એરવેઝ ફડચામાં જતાં તેને તાળા વાગ્યા. અન્ય એક એફએસસી પણ જેટ એરવેઝની નાણાકીય ગેરરીતિઓમાં ફસાતાં એપ્રિલ, 2019માં તે પણ બંધ થઈ.
સસ્તા દરે સેવા આપતી એરલાઈન કંપનીઓ
હવાઈ મુસાફરીના વધતા વલણ સાથે ઓછા અને સસ્તા દરે સેવા આપતી એરલાઈન કંપનીઓનો દબદબો વધ્યો છે. ઈન્ડિગો ભારતના માર્કેટમાં 60 ટકા હિસ્સો ધરાવે છે અકસા એર, સ્પાઈસજેટ, એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ સસ્તા દરે સેવા આપતી એરલાઈન કંપનીઓ છે. જેમાં ટ્રાફિક વધુ રહે છે.