'મેં કર્યું તેવું બધા કરે તેવું જરૂરી નથી': 70 કલાક કામ કરવાના નિવેદન મુદ્દે નારાયણ મૂર્તિની સ્પષ્ટતા
Infosys Co Founder Narayana Murthy: ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. આર. નારાયણ મૂર્તિએ પોતાના 70 કલાક કામ કરવાના વિવાદિત નિવેદન પર અંતે સ્પષ્ટતા આપી છે. તેમણે યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપવા મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, ‘આ મારો અંગત વિચાર છે. હું કોઈને મારા જેવું કરવા મજબૂર નથી કરી રહ્યો.’
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. આર. નારાયણ મૂર્તિએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં યુવાનોને સલાહ આપી હતી કે, 'યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ.’ જેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.
આ મુદ્દે સ્પષ્ટતા કરતાં નારાયણ મૂર્તિએ જણાવ્યું છે કે, 'મારો ઉદ્દેશ કોઈને પણ દબાણપૂર્વક કામ કરવા માટે મજબૂર કરવાનો ન હતો. મારી આ વાતને સલાહ સ્વરૂપે સ્વીકારી લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.'
40 વર્ષ સુધી સપ્તાહમાં 70 કલાક કામ
નારાયણ મૂર્તિએ મુંબઈમાં આયોજિત કિલાચંદ સ્મૃતિ વ્યાખ્યાનમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'મેં મારી કારકિર્દીમાં 40 વર્ષ સુધી સપ્તાહમાં 70 કલાકથી વધુ કામ કર્યું છે. આ મારી વ્યક્તિગત બાબત છે. તેનો અર્થ એ નથી કે, દરેક લોકો તેને અનુસરે, દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ અને જરૂરિયાતોના આધારે નિર્ણયો લેવા જોઈએ. આ કોઈ નિયમ નથી, માત્ર મારો અનુભવ છે. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અને પરિસ્થિતિઓના આધારે કામ કરવું જોઈએ. કામના કલાકો વધવા જરૂરી નથી, પરંતુ આપણું કામ સમાજ માટે કેટલું લાભદાયી છે, તે અત્યંત મહત્ત્વનું છે.'
આત્મનિરીક્ષણ કરવાની જરૂર
આ ઉપરાંત નારાયણ મૂર્તિએ જણાવ્યું કે, 'આ મુદ્દે ચર્ચા અને વાદ-વિવાદના બદલે લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. મેં જે સલાહ આપી છે, તેના પર આટલી બધી ચર્ચા કરવાની જરૂર નથી. તેના બદલે તમે પોતે જ તેના પર વિચાર કરો અને સમજો કે, તમારા માટે શું યોગ્ય છે.'