મ્યુચ્યુઅલ ફંડો દ્વારા NFO થકી એકત્ર કરાયેલું રૂ. 63,854 કરોડનું ભંડોળ
- ફંડોએ ૨૦૨૧માં એનએફઓ મારફતે રૂ. ૯૯,૭૦૪ કરોડ અને ૨૦૨૦માં રૂ. ૫૩,૭૦૩ કરોડ એકત્ર કર્યા હતા
અમદાવાદ : એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (એએમસી) એ ૨૦૨૩ માં ૨૧૨ નવા ફંડ આફરિંગ (એનએફઓ) દ્વારા કુલ રૂ. ૬૩,૮૫૪ કરોડ એકત્ર કર્યા હતા, જે એક વર્ષ અગાઉના બજારની તેજીના વાતાવરણ વચ્ચે સહેજ વધારે છે. ૨૦૨૨માં ૨૨૮ એનએફઓ દ્વારા રૂ. ૬૨,૧૮૭ કરોડ એકત્ર કરાયા હતા.
મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓનું સંચાલન કરતી એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ વર્ષ ૨૦૨૨માં ૨૨૮ એનએફઓ દ્વારા રૂ. ૬૨,૧૮૭ કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે ૨૦૨૧માં એનએફઓ મારફતે રૂ. ૯૯,૭૦૪ કરોડ અને ૨૦૨૦માં રૂ. ૫૩,૭૦૩ કરોડ એકત્ર કર્યા હતા.
ગ્રાહકના બદલાતા વર્તન અને ઉચ્ચ જીવનધોરણની જરૂરિયાતો સાથે, રોકાણકારો લાંબા ગાળાના રોકાણનું મહત્વ જાણે છે. રોગચાળાએ નાણાકીય આયોજનની જરૂરિયાત પર પ્રકાશ પાડયો છે અને લોકો કટોકટીનો સામનો કરવા અને સંપત્તિ બનાવવા માટે રોકડ સંપત્તિ પર ભાર મૂકે છે.
મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ, સ્થિર જીએસટી સંગ્રહ અને સરકારના સુધારા અને નીતિઓમાં વિશ્વાસને કારણે વર્ષ ૨૦૨૩માં શેરબજાર મજબૂત રહ્યું હતું, પરંતુ ૨૦૨૪માં આ કામગીરીના પુનરાવર્તનની અપેક્ષા રાખવી ગેરવાજબી છે. ઊંચા બજાર મૂલ્યોને જોતાં, ટૂંકા ગાળામાં ઇક્વિટીમાં રોકાણ અંગે સાવચેતી જરૂરી છે.
જાન્યુઆરી-માર્ચ ૨૦૨૩માં મહત્તમ ૫૭ એનએફઓ જારી કરવામાં આવ્યા હતા પરંતુ જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં એનએફઓમાંથી મહત્તમ રૂ. ૨૨,૦૪૯ કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ સિવાય ૨૯ ક્ષેત્ર આધારિત ફંડોએ ગયા વર્ષે કુલ રૂ. ૧૭,૯૪૬ કરોડ એકત્ર કર્યા હતા. ઇક્વિટીમાં એક્સ્પોઝર વધવાથી અને પ્રોડક્ટ્સ અને આફરિંગ પ્રત્યેની જાગરૂકતા વધવાથી રિટેલ રોકાણકારોએ અન્ય પ્રોડક્ટ્સ કરતાં આ ફંડ્સને પ્રાધાન્ય આપ્યું હતું.