સંતાનોના લગ્ન માટે પૈસા ભેગા કરવા માંગો છો? આવી રીતે રૂ.1 કરોડ મેળવી શકશો
વર્તમાન સમયમાં લગ્નમાં ખુબ ખર્ચા કરવામાં છે, માતા-પિતા માટે આટલા મોટા ખર્ચ માટે પૈસા ભેગા કરવા સરળ નથી.
પરંતુ જો તમે તમારા બાળકોની નાની ઉંમરથી જ મ્યુચ્યુઅલ ફંડ SIPમાં દર મહિને નાની રકમનું રોકાણ કરો છો, તો તમે મોટું ફંડ બનાવી શકો છો
SIP Calculator: વર્તમાન સમયમાં ઘર બનાવવા માટે હોમ લોન તો અભ્યાસ માટે એજ્યુકેશન લોન લઇ શકાય છે પણ હાલ જે રીતે લગ્નમાં ખર્ચ કરવામાં આવે છે તે જોઇને લાગે છે કે બાળકોના લગ્ન માટે આટલી મોટી રકમ આ સમયમાં એકઠી કરવી મુશ્કેલ કામ છે. આથી સતત બચત અને રોકાણ દ્વારા જ આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. બાળકોના જન્મ સાથે જ તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે માતાપિતાએ તેમના પગારમાંથી થોડી બચત કરવાનું શરુ કરવું જ પડે છે. બચત કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ SIP એક સારો વિકલ્પ છે. આમાં રોકાણ કરવાથી તમે તમારા બાળકોના લગ્નનો સમય આવે ત્યાં સુધીમાં સારી એવી રકમની બચત કરી શકો છો. SIP એક એવી સુવિધા છે જેમાં તમારે એકસાથે રોકાણ કરવાની જરૂર નથી. તમે SIP દ્વારા દર મહિને તમારા પગારમાંથી અમુક રકમનું રોકાણ કરી શકો છો.
6 વર્ષમાં 21 લાખ રૂપિયા આ રીતે કરી શકાય છે એકઠા
જો તમને 20-21 લાખ રૂપિયાની જરૂર હોય તો તમે 6 વર્ષમાં આ ફંડ તૈયાર કરી શકો છો. SIP કેલ્ક્યુલેટર મુજબ, તમારે તમારા પગારમાંથી દર મહિને 20 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રીતે તમે એક વર્ષમાં 2,40,000 રૂપિયાનું રોકાણ કરશો. તમારે 6 વર્ષ માટે આ રીતે રોકાણ કરવાનું રહેશે. 6 વર્ષમાં તમે SIPમાં કુલ 14.4 લાખ રૂપિયા ચૂકવ્યા હશે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં સરેરાશ 12 ટકા વળતર ગણવામાં આવે છે. જો તમે ચક્રવૃદ્ધિ વ્યાજ દર સાથે વાર્ષિક 12 ટકા વળતરની ગણતરી કરો છો, તો તમને 6 વર્ષમાં કુલ 6.75 લાખ રૂપિયાની વ્યાજની આવક મળશે. આ રીતે, 6 વર્ષમાં તમારી પાસે 14.4 + 6.75 રૂપિયા એટલે કે 21.15 લાખ રૂપિયાનું ફંડ હશે.
1 કરોડનું વળતર મેળવવા કેટલા ટાઇમ સુધી કરવું પડશે રોકાણ?
1 કરોડનું વળતર મેળવવા માટે તમારે તમારી દીકરીના જન્મ સમયથી જ રોકાણ કરવાનું શરુ કરવું પડશે. જેથી તમે 15 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી શકો છો. જેમાં દર મહિને રૂ. 20,000 નું SIP કરવાથી 15 વર્ષમાં તમારું કુલ રોકાણ 36 લાખ થઇ જશે. ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે 12 ટકા વાર્ષિક વ્યાજ લેવાથી તમને 15 વર્ષમાં 64.92 લાખ રૂપિયાની વ્યાજની આવક મળશે. આ રીતે તમારી પાસે કુલ 1.01 કરોડ રૂપિયાનું ફંડ થઇ જશે. જેથી બાળકોના લગ્નની જવાબદારી સારી રીતે નિભાવી શકાશે ને એક સાથે આટલી મોટી રકમ પણ એકઠી કરવાની જરૂરિયાત નહિ રહે.