અદાણી ગ્રૂપ વિરુદ્ધ લાંચના આરોપો નિરાધાર, મુકુલ રોહતગી અને જેઠમલાણીની સ્પષ્ટતા
Gautam Adani Bribery Case: અદાણી ગ્રૂપે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના આરોપોને ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપે તેમના વકીલો થકી એક નિવેદનમાં કહ્યું છે કે, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનિત જૈન વિરુદ્ધ કોઈ લાંચ કે છેતરપિંડીનો આરોપ મૂકાયો નથી. આ ત્રણેય લોકો પર સિક્યુરિટીઝ ફ્રોડ અને વાયર ફ્રોડ સંબંધિત આરોપો છે, જેમાં સંભવિત પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વિવિધ મીડિયા હાઉસ દ્વારા આરોપ મૂકાયા છે કે, અદાણી ગ્રૂપના ઉપરોક્ત વ્યક્તિઓએ ભારતીય અધિકારીઓને 26.5 કરોડ ડોલરની લાંચ આપી હતી, પરંતુ અમેરિકન સરકાર દ્વારા દાખલ ચાર્જશીટમાં એવો ઉલ્લેખ નથી.
ગૌતમ અદાણી અને ભત્રીજા પર લાંચના આરોપ નહીં હોવાનો દાવો
પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણી સાથે મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ અમે વાંચી છે. તેમાં કુલ પાંચ કાઉન્ટ (વ્યક્તિગત આરોપ) છે. તૈ પૈકી પ્રથમ અને પાંચમો આરોપ લાંચ અને છેતરપિંડી મામલે છે. તે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ આરોપમાં ક્યાંય ગૌતમ અદાણી કે તેમના ભત્રીજા સાગર અદાણી કે વિનિત જૈનનું નામ નથી.
આ પણ વાંચોઃ 43,000 કરોડની સંપત્તિ ઠુકરાવી, દિગ્ગજ ટેલીકોમ કંપનીના પૂર્વ માલિકના દીકરાએ લીધો સંન્યાસ
અદાણી ગ્રૂપના પ્રવક્તા નહીં, વકીલ તરીકે કહું છુંઃ મુકુલ રોહતગી
મુકુલ રોહતગીએ વધુમાં કહ્યું કે, ‘હું અદાણી ગ્રૂપના પ્રવક્તા નહીં, પણ વકીલ તરીકે સ્પષ્ટતા કરી રહ્યો છું. આ ચાર્જશીટનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું છે કે, પ્રથમ આરોપમાં ગૌતમ અદાણી નહીં પરંતુ અન્ય અમુક અધિકારીઓના નામ સામેલ છે. તેમણે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ ઍક્ટ(FCPA)નો ઉલ્લંઘન કર્યો હોવાનો આરોપ છે. તેમાં પણ અદાણી ગ્રૂપના અધિકારીઓના નામ સામેલ નથી. એ બાબતમાં એઝયોર પાવરના અમુક અધિકારીઓ અને એક વિદેશી રોકાણકાર સામેલ છે.
ચાર્જશીટમાં કુલ પાંચ આરોપનો ઉલ્લેખ છે
અમેરિકન સરકારની ચાર્જશીટમાં કુલ પાંચ આરોપ મૂકવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નંબરે ગૌતમ અદાણી અને સાગર અદાણીને બાદ કરતાં અન્ય અધિકારીઓ પર ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ ઍક્ટના ઉલ્લંઘનનો આરોપ છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર અને લાંચના આરોપ છે, જેમાં એઝયોર પાવર અને સીડીપીક્યુના રણજિત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલના નામ સામેલ છે.
આ સિવાય બીજા અને ત્રીજા આરોપમાં સિક્યુરિટીઝ અને બૉન્ડના નિયમોનું ઉલ્લંઘન છે. તેમાં ગૌતમ અદાણી અને સાગર અદાણીનું નામ છે. પાંચમા આરોપમાં પાવરના સપ્લાય અને ખરીદી સંબંધિત સરકારી કંપનીઓના અધિકારીઓને લાંચ સામેલ છે, પરંતુ તેમાં પણ ક્યાંય લાંચના આરોપીઓના નામનો ઉલ્લેખ નથી. આ અંગે ચાર્જશીટમાં કોઈ સ્પષ્ટતા નથી કે, કોને લાંચ આપી, ક્યારે લાંચ આપી અને કયા કોન્ટ્રાક્ટ માટે આપી. ચાર્જશીટમાં લાંચની રકમનો પણ ઉલ્લેખ નથી.
મહેશ જેઠમલાણીએ વિપક્ષ પર કર્યા પ્રહાર
મહેશ જેઠમલાણીએ અદાણી ગ્રૂપને રાજકીય મુદ્દો બનાવવા બદલ વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘અદાણીને સ્પષ્ટપણે રાજકીય હાથો બનાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અને તેનું ગઠબંધન લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. તેઓ સતત વિદેશ સાથે જોડાયેલી સમસ્યાઓ, જેવી કે અદાણી ગ્રૂપ અને મણિપુર હિંસા પર ભાર મૂકી રહ્યા છે, જે દેશના હિતની વિરુદ્ધ છે.