મુકેશ અંબાણી હવે 'પાન પસંદ', કોફી-ટોફી પણ વેચશે! રિલાયન્સે 82 વર્ષ જૂની કંપની ખરીદી
નવી દિલ્હી,તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર
ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીને વધુ એક કંપની ખરીદી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સની એફએમસીજી કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રાવલગાંવ સુગર ફાર્મનો કન્ફેક્શનરી બિઝનેસ ખરીદ્યો છે. આ ડીલ 27 કરોડ રૂપિયામાં થઈ છે. ડીલ મુજબ આ કંપનીના ટ્રેડમાર્ક, રેસિપી અને ઈન્ટએક્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ હવે રિલાયન્સ પાસે આવી ગયા છે.
ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદે 1933માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં ખાંડની મિલની સ્થાપના કરી હતી. 1942માં આ કંપનીએ રાવલગાંવ બ્રાન્ડ હેઠળ ટોફી એટલેકે ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું હતુ. આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી કુલ નવ બ્રાન્ડ્સ છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એક્વિઝિશન અને ભાગીદારી દ્વારા ઝડપથી વિસ્તરી રહી છે. રાવલગાંવનું અધિગ્રહણ તેના એફએમસીજી પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરશે. કંપનીમાં પહેલેથી જ કેમ્પા, ટોફીમેન અને રસ્કિક જેવી બ્રાન્ડ સામેલ છે. અંબાણીએ અગાઉ ગુજરાત સ્થિત કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસ ઉત્પાદક સોસ્યો હઝુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. કન્ઝ્યુમર માર્કેટમાં મહત્તમ હિસ્સો મેળવવા માટે એફએમસીજી કંપનીઓ વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે. વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે તેઓ અન્ય કંપનીઓને હસ્તગત કરી રહ્યા છે.