VIDEO: પરિવાર સાથે મહાકુંભમાં પહોંચ્યા મુકેશ અંબાણી, પવિત્ર સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mukesh Ambani at Mahakumbh: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંગળવારે (11 ફેબ્રુઆરી, 2025) મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. તેમની સાથે ચાર પેઢીઓ પણ કુંભ નગરી પ્રયાગરાજ પહોંચી હતી. જેમાં મુકેશ અંબાણીની સાથે તેમના માતા કોકિલા બેન, પુત્ર-પુત્રવધૂ આકાશ-શ્લોકા અને અનંત-રાધિકા, પૌત્ર-પૌત્રી પૃથ્વી અને વેદા પણ પ્રયાગરાજ પહોંચ્યા. સંગમમાં ડૂબકી બાદ અંબાણી પરિવારે નિરંજની અખાડાના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનન્દ ગિરીજી મહારાજની હાજરીમાં મા-ગંગાની પૂજા-અર્ચના કરી.
ગંગા પૂજન બાદ પહોંચ્યા પરમાર્થ નિકેતન આશ્રમ
ત્રિવેણીમાં સ્નાન બાદ અંબાણી પરિવાર મહાકુંભમાં બનેલા પરમાર્થ નિકેતન આશ્રમ પહોંચ્યા. પરિવારે આશ્રમમાં સફાઈકર્મચારીઓ, બોટ ચલાવનારા અને તીર્થયાત્રીઓને મિઠાઈ વહેંચી. પરિવારના સભ્ય શ્રદ્ધાળુઓને ભોજન પીરસતા પણ નજરે પડ્યા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરી રહી છે તીર્થયાત્રીઓની સેવા
જણાવી દઈએ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પરમાર્થ નિકેતન આશ્રમ, શારદા પીઠ મઠ ટ્રસ્ટ દ્વારકા, શ્રી શંકરાચાર્ય ઉત્સવ સેવાલય ફાઉન્ડેશન, નિરંજની અખાડા અને પ્રભુ પ્રેમી સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ સહિત પ્રસિદ્ધ આધ્યાત્મિક સંગઠનોની સાથે મળીને કુંભમાં અન્ન સેવા કરી રહ્યા છે.
અન્ન સેવાની સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હેલ્થકેરથી લઈને સારી કનેક્ટિવિટી માટે સેફ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અંબાણી પરિવારે બોટ-ચાલકોને તેમની અને તીર્થયાત્રીઓની સુરક્ષા માટે લાઈફ જેકેટ પણ આપ્યા.