MSCI ઈન્ડિયા ઈન્ડેક્સમાંથી પેટીએમ સહિત 3 કંપનીઓ બહાર, અન્ય 13 સામેલ થઈ
MSCI India Index: MSCI ઈન્ડિયા ઈન્ડેક્સના મે રિવ્યૂમાં કુલ 13 નવી કંપનીઓ સામેલ કરવામાં આવી છે, જ્યારે 3ને બહાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય ફેરફારોના પગલે પેટીએમ આ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે ઈન્ડસ ટાવર્સ, પીબી ફિનટેક, ફોનિક્સ મીલ્સની એન્ટ્રી થઈ છે.
31મેથી લાગૂ આ ફેરફારોમાં એફઆઈઆઈ પેસિવ ફ્લોમાં 2.5 અબજ ડોલરનો રોકાણ પ્રવાહ નોંધાવાનો આશાવાદ નુવામા અલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ આપી રહ્યો છે.
આ 13 શેરો સામેલ થયાં
MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં પીબી ફિનટેક સૌથી વધુ 283 મિલિયન ડોલર સાથે સામેલ થયો છે. સુંદરમ ફાઈનાન્સ (243 મિલિયન ડોલર), ફોનિક્સ મીલ્સ, ઈન્ડસ ટાવર્સ (216-234 મિલિયન ડોલર) સમાવિષ્ટ થયા છે. તદુપરાંત 154-185 મિલિયન ડોલરની રેન્જમાં કેનેરા બેન્ક, જિંદાલ સ્ટેનલેસ, જેએસડબ્લ્યૂ એનર્જી, મેનકાઈન્ડ ફાર્મા, સોલાર ઈન્ડસ્ટ્રીઝ, થર્મેક્સ અને ટોરેન્ટ પાવર સામેલ થયા છે.
આ શેરોની એક્ઝિટ
MSCI ઈન્ડેક્સમાંથી પેટીએમ 70 મિલિયન ડોલરના આઉટફ્લો સાથે બહાર થયો છે. આ સિવાય બર્જર પેઈન્ટ્સ (117 મિલિયન ડોલર), ઈન્દ્રપ્રસ્થ ગેસ (113 મિલિયન ડોલર)એ પણ એક્ઝિટ લીધી છે.
MSCI સ્મોલકેપ ઈન્ડેક્સમાં આ શેરો સામેલ
MSCI ઈન્ડિયા સ્મોલકેપ ઈન્ડેક્સમાં 29 કંપનીઓ સામેલ થઈ છે, જ્યારે 15 કંપનીઓ બહાર થઈ છે. આદિત્ય બિરલા સન લાઈફ, ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ, આરઆર કેબલ, વા ટેક વાબગ, ટીપ્સ ઈન્ડસ્ટ્રીઝ, જિલેટ ઈન્ડિયા, હુડકોની એન્ટ્રી જ્યારે ઈન્ડોકો રેમેડિઝ, પોલિપ્લેક્સ કોર્પ, આલોક ઈન્ડસ્ટ્રીઝ, ડ્રીમફ્લોક્સ સર્વિસિઝની એક્ઝિટ થઈ છે.
MSCI ઈન્ડેક્સ શું છે?
MSCI અર્થાત મોર્ગન સ્ટેન્લી કેપિટલ ઈન્ટરનેશનલ એ ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે. જે સંસ્થાકીય રોકાણકારો અને હેજ ફંડ્સને સ્ટોક ઈન્ડેક્સ, પોર્ટફોલિયો રિસ્ક તથા પર્ફોર્મન્સ એનાલિટિક્સ અને અનુપાલન માટે ટુલ પૂરૂ પાડે છે. MSCI ગ્લોબલ ઈન્ડેક્સમાં વિશ્વના વિકસિત શેર બજારોના સ્ટોક્સની યાદી છે. જેની મદદથી જે-તે સેગમેન્ટ તથા તે સેગમેન્ટના શેરોના પર્ફોર્મન્સ વિશે મૂલ્યાંકન મેળવી શકો છો.