વિશ્વમાં સૌથી વધુ 35 ટકા વિજળી કોલસા દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે

2022માં વિશ્વમાં 85.6 ટકા વિજળી પૂનઃઅપ્રાપ્ય સ્રોત દ્વારા વિજળી ઉત્પન્ન થઈ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
વિશ્વમાં સૌથી વધુ 35 ટકા વિજળી કોલસા દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે 1 - image


Explain Sources Of Electricity : દુનિયાભરના દેશો વિજળીનો અધધ ઉપયોગ કરી રહ્યા છે પણ આ વિજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તેના મૂળ સ્રોત કયા છે તે વિશે જાણવું ખરેખર રસપ્રદ છે. આપણે એક તરફ વધી રહેલા પ્રદુષણ અને વધતા જળવાયુ પ્રદુષણ અંગે ચર્ચા કરીએ છીએ, G-20 જેવા બેઠકોમાં તેના વિશે વિગતે ચર્ચા થાય છે ઉકેલ શોધવામાં આવે છે પણ તેનું મૂળ શું છે તે જાણવું વધારે જરૂરી છે. વિજળી ઉત્પન્ન કરવા માટે આજે પણ દુનિયાના દેશો સૌથી વધુ પૂનઃઅપ્રાપ્ય ઊર્જા સ્રોત ઉપર જ આધારિત છે. આ અંગે રજૂ થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, 2022માં દુનિયામાં 29,165.2 ટેરવોટ અવર (TWH) વિજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું જેના થકી દુનિયા ઝળહળતી અને અન્ય સુવિધાઓ મેળવતી રહી. ઉલ્લેખીય છે કે, 2021ની સરખામણીમાં 2022માં 2.3 ટકા વધારે વીજ ઉત્પાદન થયું હતું. હવે આ વિજળી ઉત્પાદનના મૂળમાં જઈએ તો ખ્યાલ આવે કે દુનિયા દ્વારા વિજળીના ઉત્પાદન માટે સૌથી વધારે કોલસાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગત વર્ષ વિશ્વમાં ઉત્પાદિત થયેલી કુલ વિજળીમાંથી 35 ટકા વિજળી કોલસા દ્વારા ઉત્પાદિત થઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, 2022માં વિસ્વ દ્વારા 85.6 ટકા વિજળી પૂનઃઅપ્રાપ્ય સ્રોત દ્વારા ઉત્પન્ન કરવામાં આવી હતી.

કોલસો સૌથી વધારે ડિમાન્ડમાં, સારા વિકલ્પો જરૂરી 

અભ્યાસ કરનારી ટીમે જણાવ્યું કે, વિશ્વમાં વિજળી ઉત્પાદિત કરતા એકમો દ્વારા સૌથી વધારે ભારણ હજી પણ કોલસા ઉપર જ મુકવામાં આવી રહ્યું છે. 2022માં પણ વિશ્વમાં જે વિજળી ઉત્પન્ન કરવામાં આવી તેના માટે 35.4 ટકા જેટલો ઉપયોગ કોલસાનો કરવામાં આવ્યો છે. ત્યારબાદ નેચરલ ગેસ 22.7 ટકા અને હાઈડ્રોઈલેક્ટ્રિક 14.9 ટકા દ્વારા વિજળી ઉત્પન્ન કરવામાં આવી છે. જાણકારોના મતે ત્રીજા ભાગના વિશ્વ દ્વારા કોલસા થકી જે વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે તે માત્ર ત્રણ દેશોની જરૂરી પૂરી કરી શકે છે. તેમાં સૌથી વધારે ચીન દ્વારા 53.3 ટકા કોલસાની ડિમાન્ડ કરવામાં આવે છે. ત્યારબાદ ભારત દ્વારા 13.6 ટકા અને અમેરિકા દ્વારા 8.9 ટકા ડિમાન્ડ કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે, વિજળી ઉત્પાદન, અન્ય ઉદ્યોગો અને સિમેન્ટ બનાવવા માટે સૌથી વધારે કોલસાનો જ ઉપયોગ કરવામાં આવે છે. એક સમય હતો જ્યારે કોલસો જ સૌથી વધારે ડિમાન્ડમાં હતો અને તે વર્ષ હતું 1997નું. 1997માં પહેલી વખત જાપાનના ક્યોટો ખાતે ગ્લોબલ ક્લાઈમેટ એગ્રિમેન્ટ સાઈન કરવામાં આવ્યો. તે વખતે વિશ્વમાં કોલસાનો ઉપયોગ 91.2 ટકા જેટલો થતો હતો.

વિશ્વમાં સૌથી વધુ 35 ટકા વિજળી કોલસા દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે 2 - image

અશ્મિગત ઈંધણનો હજી પણ 82 ટકા ઉપયોગ થાય છે

ફોસિલ ફ્યૂઅલ એટલ કે અશ્મિગત ઈંધણની વાત કરીએ તો આજે પણ વિશ્વના મોટાભાગના દેશો તેની ઉપર આધાર રાખે છે. ગત વર્ષે આ ઈંધણના ઉપયોગ અંગે થયેલા અભ્યાસમાં સામે આવ્યું હતું કે, હાલમાં પણ કોલસો સૌથી વધુ ડિમાન્ડમાં છે. દુનિયાના વિકાસશિલ દેશો દ્વારા કોલસાનો હજી પણ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષની જ વાત કરીએ તો 2022માં વિશ્વમાં કુલ 8 અબજ ટન કરતા વધારે કોલસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચીન અને ભારત કોલસાના ઉપયોગમાં પહેલા અને બીજા ક્રમે રહ્યા હતા જે વિશ્વમાં અત્યાર સુધીમાં કોલસાના ઉપયોગમાં સૌથી વધારે હતે. એનર્જી સોર્સ તરીકે કોલસાની વાત કરીએ તો તનો સૌથી વધારે ઉપયોગ સાઉથ આફ્રિકા દ્વારા કરવામાં આવ્યો હતો. વિશ્વમાં સૌથી વધારે એટલે કે કુલ ઉપયોગમાંથી 69 ટકા કોલસો એકમાત્ર સાઉથ આફ્રિકા દ્વારા એનર્જીના સોર્સ તરીકે ઉપયોગમાં લેવાયો હતો. ત્યારબાદ ચીન અને ભારત દ્વારા ૫૫ ટકા ઉપયોગ કરાયો હતો. નવાઈની વાત એ છે કે, અમેરિકા દ્વારા 2010 બાદ કોલસાનો એનર્જી સોર્સ તરીકે ઉપયોગ કરવામાં ઘટાડો કરવામાં આવ્યો હતો જે હવે 2023 સુધીમાં તો 50 ટકા ઘટાડા ઉપર પહોંચી ગયો છે. અમેરિકા દ્વારા હવે કોલસાનો ઉપયોગ એનર્જી સોર્સ તરીકે માત્ર 10 ટકા જ ઉપયોગ કરવામાં આવે છે. તે ઓઈલ, ગેસ અને અન્ય સોર્સ વધારે ઉપયોગ કરે છે. 

વિશ્વમાં સૌથી વધુ 35 ટકા વિજળી કોલસા દ્વારા જ ઉત્પન્ન કરવામાં આવે છે 3 - image

પૂનઃપ્રપાપ્ય ઊર્જા સ્રોતના ઉપયોગમાં વધારો થયો

આ અહેવાલ સાથે સંકળાયેલા જાણકારો જણાવે છે કે, છેલ્લાં એક દાયકાથી ઊર્જાના સ્વસ્છ, પ્રદુષણ ઓછું કરનારા અથવા તો પ્રદુષણ મુક્ત અને પૂનઃપ્રાપ્ય સ્રોતના ઉપયોગ ઉપર દુનિયાના વિવિધ દેશો દ્વારા વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. 2022માં સોલાર, વિન્ડ, જીયોથર્મલ જેવા પૂનઃપ્રાપ્ય સ્રોત દ્વારા 14.4 ટકા જેટલી વિજળી ઉત્પન્ન કરવામાં આવી હતી. કુલ 14.7 ટકા જેટલો ઉપયગો કરવામાં આવ્યો હતો જેમાં સોલાર અને વિન્ડ એનર્જીનો વધારે મોટો ફાળો છે. સ્ટેટેસ્ટિકલ રિવ્યૂ આપનારા જણાકારો જણાવે છે કે, હવે હાઈડ્રોઈલેક્ટ્રિક ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેને વધારે સારી રીતે તથા આધારભૂત પૂનઃપ્રાપ્ય પાવર ટેક્નોલોજી પણ માનવામાં આવે છે. સંશોધકોના મતે જો હાઈડ્રોઈલેક્ટ્રિકને પણ પૂનઃપ્રાપ્ય સ્રોત સાથે જોડવામાં આવે તો 2022માં કુલ વીજ ઉત્પાદન 29.3 ટકા જેટલું થયું હતું. જે ગત વર્ષની સરખામણીએ 7.4 ટકા વધારે હતું. આ દિશામાં સક્ષમ પ્રયાસ કરવામાં આવે તો પૂનઃઅપ્રાપ્ય સ્રોત ઉપરનું ભારણ ઓછું કરી શકાય તેમ છે.

ફ્રાન્સ માટે ગત વર્ષ ન્યૂક્લિયર એનર્જી મામલે ભયાવહ રહ્યું 

એનર્જી સેક્ટર ઉપર નજર કરવામાં આવે તો ક્લિન એનર્જીના સેગમેન્ટમાં ન્યૂકલિયર એનર્જીની ગણતરી કરવામાં આવે છે. ફ્રાન્સ આ ટેક્નોલોજી દ્વારા વધારે એનર્જી ઉત્પાદિત કરતો દેશ છે. તેના માટે ગત વર્ષ આ દિશામાં ભયાનક સાબિત થયું હતું. યુક્રેનમાં આવેલો ઝેપોરિઝઝિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ રશિયા સાથેના યુદ્ધને પગલે બંધ કરવાની ફરજ પડી હતી. આ પ્લાન્ટના ચારેય રિએક્ટર બંધ કરવાના કારણે વિશ્વને મળતી વીજળીમાં વાર્ષિક 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અહેવાલ જણાવે છે કે, આ પ્લાન્ટ બંધ રહેવાના કારણે ફ્રાન્સમાં વીજ ઉત્પાદન ઘટયું હતું. તેના કારણે 2022માં ન્યૂક્લિયર એનર્જીથી માત્ર 294.7 (TWH) વિજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે 22 ટકા ઘટાડો જણાવે છે. તેની અસર એ થઈ કે ફ્રાન્સ કે જે વિજળીનો નિકાસકાર દેશ હતો તે આયાતકાર બની ગયો. તેને પણ બહારથી વિજળી મગાવી પડી હતી. હવે સ્થિતિ થાળે પડવાથી આ વર્ષે ઉત્પાદન વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 

આગામી સમય માટે વધારે મજબૂત આયોજન કરવું પડશે

આ અભ્યાસ અને અહેવાલના આધારે જાણકારો માને છે કે ભવિષ્યમાં ઊર્જાની માગને પહોંચીવળવા માટે મજબૂત આયોજનો કરવા પડશે. વિજળીના ઉત્પાદન માટે હાલમાં ઉપયોગમાં લેવાઈ રહેલા વિવિધ સ્રોત અને પદ્ધતિઓની પણ કેટલીક નબળાઈઓ અને મુશ્કેલીઓ છે. તેનું નિરાકરણ આવે તેમ નથી. હાલમાં મિકેનિકલથી ઈલેક્ટ્રિકલ એનર્જીના વિકલ્પને વધારે યોગ્ય માનવામાં આવી રહ્યો છે પણ ખરેખર તે કેટલો કારગર અને ઉપયોગી છે તેની કોઈ ગેરન્ટી નથી. જાણકારો કહે છે કે, વર્તમાન સમયમાં ટેક્નોલોજીનો વ્યાપક વિકાસ થયો છે પણ હાલમાં પણ એન્જિનિયરિંગ માર્વેલ ગણાતા જનરેટર પણ 1831માં માઈકલ ફારાડે દ્વારા બનાવવામાં આવેલા પહેલાં જનરેટરના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તેના કારણે તેની પણ કેટલીક મર્યાદાઓ છે. સ્રોતની વાત કરીએ તો કોલસાએ ઊર્જા ક્ષેત્રમાં ક્રાંતિ આણી હતી પણ તેના અત્યાર સુધીના ઉપયોગના કારણે પૃથ્વી ઉપરનું તાપમાન અસહ્ય સ્તરે વધી ગયું છે. પવનઊર્જા સ્વચ્છ અને મફત છે પણ પવનની કોઈ ગેરન્ટી હોતી નથી. તેના ઉપર આધારિત રહી શકાય જ નહીં. ન્યુક્લિયર રિયેક્ટર્સ દ્વારા પણ ક્લિન એનર્જી મળે છે પણ તેમાંથી ન્યુક્લિયર કેમિકલનો સ્ત્રાવ થવાની અને બીજા રેડિયોએક્ટિવ કચરાનો ફેલાવો થવાની શક્યતાઓ રહેલી છે. જાણકારોના મતે સંશોધકો દ્વારા વીજ ઉત્પાદન માટે ઝડપથી આધારભૂત અને લાંબો સમય ઉત્પાદન થઈ શકે તેવા વિકલ્પો બનાવવામાં ઝડપ કરવી પડશે કારણ કે હાલમાં જે સ્રોતનો ઉપયોગ થઈ રહ્યો છે તે જળવાયુ પરિવર્તન, પ્રદુષણ અને ગરમીમાં અસહ્ય વધારો કરી રહ્યા છે. ભવિષ્યમાં ક્લિન એનર્જી મેળવવી દુનિયા માટે કપરી કસોટી સમાન રહેશે.



Google NewsGoogle News