ઉદ્યોગપતિઓ સત્તા સામે બોલવાથી બચે છે... રાહુલ બજાજને યાદ કરી ઉદય કોટકનું સૂચક નિવેદન
Uday Kotak Praises Rahul Bajaj: દિગ્ગજ બેન્કર ઉદય કોટકે બજાજ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રાહુલ બજાજનું સ્પષ્ટવક્તા તરીકેના વ્યક્તિત્ત્વની પ્રશંસા કરી છે. ઉદય કોટકે કહ્યું છે કે મોટા ભાગના ઉદ્યોગપતિઓ સત્તામાં રહેલા લોકો સાચું બોલવાથી દૂર રહે છે અને સંબંધિત મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરતા નથી. જો કે, રાહુલ બજાજ અલગ હતાં, તેઓ નીડરતાથી પોતાના વિચારો ગમે-તેની સામે રજૂ કરી શકતા હતા.
ઉદય કોટકે શું કહ્યું?
કોટક મહિન્દ્રા બેન્કના ફાઉન્ડર ઉદય કોટકે જણાવ્યું હતું કે, એક સમયે રાહુલ બજાજે નરેન્દ્ર મોદી સરકારના શક્તિશાળી મંત્રીઓ સામે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બીજી બાજુ હાલ ઉદ્યોગપતિઓ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બોલવાથી ડરતાં હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ બજાજના જીવન પર આધારિત પુસ્તક 'હમારા રાહુલ'ના વિમોચન પ્રસંગે ઉદય કોટકે આ નિવેદન આપ્યા હતાં. ઉદય કોટક ઉપરાંત ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ પણ રાહુલ બજાજની પ્રશંસા કરી હતી. તેમણે રાહુલ બજાજને હિંમતવાન અને ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતાં. જે વધુ પ્રમાણિક હતા, અને ખુલ્લા મને પોતાની વાત રજૂ કરતા હતાં.
રાહુલ બજાજે જાહેરમાં ટીકા કરવાની વાત કહી
વર્ષ 2019માં, રાહુલ બજાજે એક કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓને સંભળાવ્યું હતું કે, અમે તમારી જાહેરમાં ટીકા કરીશું, અને મને ખાતરી છે કે, તમે તેને પસંદ નહીં કરો. હું ખોટો હોઈ શકુ છું, પરંતુ અમે બધા એક સમાન જ લાગણી જ અનુભવી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં તેમણે બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલ બજાજે જ્યારે લોકોમાં ડર હોવાની વાત કરી હતી ત્યારે તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે કોઈએ ડરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, બજાજ ગ્રુપના ફાઉન્ડર રાહુલ બજાજનું વર્ષ 2022માં નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા.