FAME-2 યોજનાના 90 ટકાથી વધુ ભંડોળનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં
- સરકારે ૫-વર્ષીય યોજના માટે ફાળવેલ રૂ. ૧૧,૫૦૦ કરોડમાંથી રૂ. ૧૦,૨૫૩ કરોડનો ઉપયોગ કર્યો
નવી દિલ્હી : દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ફેમ-૨ યોજના હેઠળના લગભગ ૯૦ ટકા ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના આંકડા છે, જે યોજના માટે નિર્ધારિત છેલ્લી તારીખ છે. ભારે ઉદ્યોગ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે કેન્દ્ર સરકારે ૫-વર્ષીય યોજના માટે ફાળવેલ રૂ. ૧૧,૫૦૦ કરોડમાંથી રૂ. ૧૦,૨૫૩ કરોડનો ઉપયોગ કર્યો છે. આ નાણાંનો ઉપયોગ છેલ્લા ૫ વર્ષમાં ૧૫ લાખ વાહનોને ટેકો આપવા માટે કરવામાં આવ્યો છે.
આ વધારાના પૈસામાંથી કેટલાકનો ઉપયોગ ૩૧ માર્ચ પહેલા વેચાયેલા વાહનો માટે થઈ શકે છે, પરંતુ પ્રોત્સાહન માટેની અરજીઓ હજુ સુધી દાખલ કરવામાં આવી નથી.
જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક નાણાં એવા ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે ફાળવવામાં આવશે જેમણે પાછલા નાણાકીય વર્ષમાં તેમના વાહનોનું વેચાણ કર્યું હતું પરંતુ ત્યારબાદ પ્રોત્સાહન માટે અરજી કરી હતી.
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર કેટેગરીમાં ભંડોળનો સૌથી વધુ ઉપયોગ જોવા મળ્યો છે અને તેના માટે ફાળવવામાં આવેલા ૯૯૧ કરોડ રૂપિયાનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
બસ કેટેગરી માટે ફાળવવામાં આવેલા રૂ. ૯૯૧ કરોડમાંથી ૯૪ ટકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ફાળવવામાં આવેલા રૂ. ૪,૭૫૬ કરોડમાંથી ૯૦ ટકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભંડોળનો સૌથી ઓછો ઉપયોગ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલરમાં થયો છે. આ કેટેગરી માટે ફાળવવામાં આવેલા ભંડોળમાંથી માત્ર ૬૪ ટકાનો જ ઉપયોગ થયો છે.