100થી વધુ વસ્તુઓ સસ્તી થવાની તૈયારીમાં, GSTના 12% સ્લેબમાં મોટા કાપ અંગે ચર્ચા
GST Rates May Change In Upcoming Meeting: GST કાઉન્સિલની આગામી મહિને યોજાનારી બેઠકમાં GSTના રેટમાં ઘટાડો અને 100થી વધુ ચીજ-વસ્તુઓના ભાવમાં ફેરફારો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. GST રેટમાં ફેરફારો મુદ્દે સામાન્ય પ્રજાને રાહત આપવા અમુક વસ્તુઓ પર GST 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
પશ્ચિમ બંગાળના નાણા મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યાએ 26 સપ્ટેમ્બર, 2024ના રોજ આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, સાયકલ અને બોટલ્ડ વોટર પર ટેક્સ ઘટાડવાની જાહેરાત થઈ શકે છે. GST કાઉન્સિલની આગામી બેઠક 20 ઑક્ટોબરે યોજાશે.
GST રેટમાં પુનઃવિચારની જરૂર
GST હેઠળ સરેરાશ ટેક્સ રેટ 11.56 ટકા સુધી ઘટ્યો છે. પશ્ચિમ બંગાળે સલાહ આપી છે કે, GST કાઉન્સિલની 23મી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો પર પુનઃવિચાર કરવો જોઈએ. જેમાં 178 વસ્તુઓ પર GST 28 ટકાથી ઘટાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ NRI ફરવા માટે નહી, પણ આ કારણથી આવે છે ગુજરાત, સરકારી ઇવેન્ટમાં આવેલા વિદેશીને પ્રવાસીમાં ખપાવ્યા
ટેક્સ સ્લેબમાં ફેરફાર
ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે, કાઉન્સિલે અમુક જરૂરી ચીજો પર GST ઘટાડી 5 ટકા કરવો જોઈએ, જેથી સામાન્ય પ્રજાને રાહત મળશે. ખાદ્ય ચીજોને 12 ટકાથી ઘટાડી 5 ટકાના સ્લેબમાં આવરી લેવી જોઈએ, બીજી તરફ 18 ટકાના સ્લેબમાં સામેલ હેર ડ્રાયર, હેર કલર, અને સૌંદર્ય પ્રસાધનોને ફરી પાછા 28 ટકાના સ્લેબમાં સામેલ કરી આવકમાં થતું નુકસાન ભરપાઈ કરી શકાશે.
ઇન્સ્યોરન્સ પર GST
છ મંત્રી સભ્યોની GST કાઉન્સિલની બેઠક 25 સપ્ટેમ્બરે થઈ હતી. જેમાં મેડિકલ અને ફાર્મા સંબંધિત વસ્તુઓ પર GST રેટ 12 ટકાથી ઘટાડવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આગામી મહિને યોજાનારી બેઠક પર આ મુદ્દે નિર્ણય જાહેર કરાશે. આ સિવાય હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર લાગુ GST દૂર કે ઘટાડવા મામલે પણ મોટી જાહેરાત થશે.
હાલ GSTના ચાર સ્લેબ
હાલ GST ટેક્સના ચાર 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાનો સ્લેબ છે. જેમાં અમુક ચીજો પર GST ઘટાડવાથી આવકમાં થતાં નુકસાનની ભરપાઈ કરવા માટે અન્ય વસ્તુઓ પર GST રેટ 28 ટકાથી વધારવા ભલામણ કરવામાં આવી છે. GST કાયદા મુજબ, ચીજ-વસ્તુઓ અને સેવાઓ પર 40 ટકા સુધી ટેક્સ વધારવાની જોગવાઈ છે.