ડિસેમ્બરનું માસિક જીએસટી કલેકશન 7 ટકા વધીને રૂ. 1.77 લાખ કરોડ
- સૌથી વધુ જીએસટી કલેકશન એપ્રિલ 2024માં 2.10 લાખ કરોડ રૂપિયા હતું
- નવેમ્બર 2024માં જીએસટી કલેકશન રૂ. 1.82 લાખ હતું, માસિક ધોરણે તેમા ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો
નવી દિલ્હી : દેશમાં જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જારી રહી છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના આંકડા મુજબ ડિસેમ્બરમાં જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે ૭.૩ ટકા વધીને વધીને રુ.૧.૭૭ લાખ કરોડ થયું છે. જો કે આ કલેકશન માસિક ધોરણે ત્રણ ટકા ઓછું છે. નવે. ૨૦૨૪માં જીએસટી કલેકશન ૧.૮૨ લાખ કરોડ રુપિયા હતું. ગયા વર્ષે સમાન સમયગાળામાં જીએસટી કલેકશન રુ. ૧.૬૫ લાખ કરોડ હતું.
સેન્ટ્રલ જીએસટી કલેકશન (સીજીએસટી) રુ. ૩૪,૧૪૧ કરોડ રુપિયા, સ્ટેટ જીએસટી કલેકશન (એસજીએસટી) રુ. ૪૩,૦૪૭ કરોડઅને આઇજીએસટી કલેકશન રુ. ૯૧,૯૨૮ કરોડ રહ્યું છે. જ્યારે સેસની આવક રુ. ૧૩,૨૫૩ કરોડ રુપિયા થઈ છે. નવેમ્બરમાં જારી કરવામાં આવેલા રિફંડનું પ્રમાણ રુ. ૧૯,૨૫૯ કરોડ હતું. આ દર્શાવે છે કે રિફંડમાં ગયા વર્ષની તુલનાએ ૮.૯ ટકા ઘટાડો થયો છે.
જીએસટી આવકમાં સ્થિર દરે થયેલી વૃદ્ધિ અગાઉના ક્વાર્ટરમાં ભારતની સુધરેલી આર્થિક સ્થિરતાના પ્રતિબિંબ છે. આર્થિક સ્તરે મોટાપાયા પર પડકારો હોવા છતાં પણ જીએસટી કલેકશનમાં નોંધપાત્ર વૃદ્ધિ જારી રહી છે. ભારતીય અર્થતંત્રએ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં આર્થિક નરમાઈનો સામનો કર્યો હતો.
વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રએ નરમાઈનો સામનો કર્યો હતો અને ફક્ત ૫.૪ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. આમ જીડીપી સાત ક્વાર્ટરના તળિયે પહોંચી ૬.૭ ટકા પર ઉતરી આવ્યો છે. આ પહેલા ઓક્ટોબરમાં બીજા નંબરનું સૌથી વધુ ૧.૮૭ લાખ કરોડ રુપિયાનું જીએસટી કલેકશન થયું હતું. સૌથી વધુ જીએસટી કલેકશન એપ્રિલ ૨૦૨૪માં ૨.૧૦ લાખ કરોડ રુપિયા હતું.
જૂની કરપ્રણાલિના બદલે પહેલી જુલાઈ ૨૦૧૭થી જીએસટી અમલમાં લાવવામાં આવ્યો હતો. જીએસટીને દેશમાં આઝાદી પછીનો સૌથી મોટો કર સુધારો માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર મુજબ સાત વર્ષ પહેલાથી અમલી બનેલા જીએસટીએ દેશના લોકો પર ટેક્સનો બોજ ઘટાડવામાં ઘણી મદદ કરી છે.