બજેટ પહેલાં જ સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, નવી પેન્શન સ્કીમ UPS એક એપ્રિલથી લાગુ કરાશે
Unified Pension Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપતાં સત્તાવાર યુનિફાઈડ પેન્શન સ્કીમ (યુપીએસ) જાહેર કરી છે. આ નવી પેન્શન સ્કીમ 1 એપ્રિલ, 2025થી લાગુ થશે. બજેટ પહેલાં જ આ મોટી જાહેરાતથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ ગેરેન્ટેડ આર્થિક લાભ મળશે.
1 એપ્રિલથી લાગુ થશે યુપીએસ
સરકાર દ્વારા જારી યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેર નોટિફિકેશન અનુસાર, યુપીએસ 1 એપ્રિલથી લાગુ થશે. કેન્દ્ર સરકારે ગતવર્ષે ઓગસ્ટ, 2024માં ઓલ્ડ પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સ્કીમ વચ્ચે સંતુલન સ્થાપિત કરતાં યુપીએસ લોન્ચ કરી હતી. જે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદ ગેરેન્ટેડ પેન્શન પ્રદાન કરે છે. જેમાં નાણાકીય સુરક્ષા વધશે.
આ કર્મચારીઓને મળશે લાભ
એનપીએસ હેઠળ આવરી લેવા કેન્દ્રીય કર્મચારીઓ માટે 25 જાન્યુઆરી, 2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં એનપીએસ હેઠળના તમામ સરકારી કર્મચારીઓને યુપીએસ વિકલ્પ પસંદ કરવાની તક મળે છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, યુપીએસ પસંદ કરનારા લોકોને અન્ય પોલિસીના લાભો, નાણાકીય લાભો મળશે નહીં.
યુપીએસની વિશેષતાઓ
કેન્દ્રના 23 લાખ કર્મચારીઓને યુપીએસનો લાભ મળશે. જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે. આ સેવાનો લાભ લેવા કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપેલી હોવી જરૂરી છે. વધુમાં સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાહતનો લાભ પણ ઉમેરવામાં આવશે. વધુમાં કર્મચારીના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીના પેન્શનના 60 ટકા હિસ્સો મળશે. વધુમાં જે કર્મચારીએ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેને ઓછામાં ઓછુ મહિને રૂ. 10000 સુધીનું પેન્શન મળશે.
ગ્રેજ્યુટી ઉપરાંત રિટાયરમેન્ટ પર એકસામટી રકમ પણ મળશે. તેના કેલ્યુકેશનમાં કર્મચારીઓના દર છ માસના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાનો 10મો ભાગ ધ્યાનમાં લેવામાં આવે છે.
યુપીએસમાં સરકારી યોગદાન વધશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત 24 ઓગસ્ટ, 2024ના રોજ યુપીએસની જાહેરાત કરી હતી. જેમાં કર્મચારીઓએ પોતાના બેઝિક પગારના એનપીએસની જેમ 10 ટકા જ યોગદાન આપવુ પડશે. પરંતુ સરકારનું યોગદાન એનપીએસમાં 14 ટકાથી વધી યુપીએસમાં 18.5 ટકા થશે. જેનાથી સરકારી ખજાના પર પ્રથમ વર્ષે રૂ. 6250 કરોડનો બોજો વધશે.