બજેટના દિવસે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નજીવી રાહત, રાંધણ ગેસમાં કોઈ ફેરફાર નહીં
LPG Cylinder Price Cut: સામાન્ય બજેટ રજૂ થવાની તૈયારીમાં છે ત્યારે તેના પહેલા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 કિ.ગ્રા.વાળા કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયા સુધીના ઘટાડાની જાહેરાત કરી છે.
ઘરેલુ રાંધણ ગેસનામાં ભાવમાં કોઈ ફેરફાર નહીં!
આ ભાવ ઘટાડા બાદ આજથી દિલ્હીમાં એક કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1804 રૂપિયાથી ઘટીને 1797 રૂપિયામાં વેચાશે. જોકે ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરાયા નથી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર ઓઈલ માર્કેટિંગ કંપનીએ 19 કિ.ગ્રાના ગેસ સિલિન્ડરના નવા ભાવ રજૂ કરી દીધા છે. દેશના ચાર મોટા શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 1797, કોલકાતામાં 1907, મુંબઈમાં 1756 અને ચેન્નઈમાં 1966 રૂપિયામાં મળશે. દરેક જગ્યાએ ભાવમાં 7 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
નવા વર્ષે આ બીજી વખત રાહત અપાઈ
આ પહેલા 2025 ની શરૂઆતમાં એટલે કે 1 જાન્યુઆરીએ, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો. નવા વર્ષ નિમિત્તે ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હીથી મુંબઈ સુધીના LPG સિલિન્ડરના ભાવમાં 14-16 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરના છેલ્લા મહિનામાં 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થયો હતો.