શેરબજારની આકર્ષક તેજી સાથે આગેકૂચ, સેન્સેક્સ-નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા
Sensex Nifty All Time High: ભારતીય શેરબજાર આજે ફરી ફ્લેટ શરૂઆત બાદ રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ ઓગસ્ટ મહિનામાં બીજી વખત ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અગાઉ 1 ઓગસ્ટે સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. આજે બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 500.27 પોઈન્ટ ઉછળી 82285.83ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. 3.00 વાગ્યે 460 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી સળંગ બીજા દિવસે રેકોર્ડ ટોચે
નિફ્ટી50એ સળંગ બીજા દિવસે નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. નિફ્ટી આજે 100 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 25192.50ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જે 3.00 વાગ્યે 123.15 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આઈટી અને એફએમસીજી શેરોમાં તેજીના પગલે માર્કેટમાં તેજીનું જોર વધ્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.
277 શેર્સ નવી ટોચે, 263માં અપર સર્કિટ
બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 277 શેર્સ વર્ષની નવી ટોચે અને 20 શેર્સ વાર્ષિક તળિયે પહોંચ્યા હતા. 263 શેર્સમાં અપર સર્કિટ અને 280 શેર્સમાં લોઅર સર્કિટ જોવા મળી હતી. બીએસઈ માર્કેટ કેપ 462.19 લાખ કરોડ થયુ હતું.
એનએસઈ ખાતે શેર્સની સ્થિતિ
(નોંધઃ ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)
સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં વેચવાલીનું પ્રેશર
લાર્જ કેપથી વિપરિત મીડકેપ શેર્સમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. મીડકેપ ઈન્ડેક્સ 0.57 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.66 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આકર્ષક તેજીના પગલે હવે રોકાણકારો વેચવાલી કરી પ્રોફિટ બુક કરી રહ્યા છે.
શું કહે છે નિષ્ણાત
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિઝના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમાર માને છે કે નબળા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક બજારમાં ખરીદીની તકો જોવા મળી છે, જે ચાલુ રહેવાની શક્યતા છે. લાર્જકેપ વેલ્યુએશનમાં તીવ્ર વધારો નજીકના ગાળાના બજારની સ્થિરતા દર્શાવે છે. અમેરિકામાં ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની શક્યતા અને અર્થતંત્રમાં સુધારાના સંકેત સાથે આઈટી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. બીજી બાજુ એસએમઈ, સ્મોલકેપ શેર્સ જોખમી બન્યા છે.