'માઈક્રોસોફ્ટ' પર સાયબર હુમલો, મેનેજમેન્ટના ઇમેલ સુધી પહોંચ્યાં હેકર્સ, કંપનીને ત્રીજા મહિને ખબર પડી
માઇક્રોસોફ્ટે આ હુમલા માટે રશિયા સાથે જોડાયેલા જૂથ મિડનાઇટ બ્લિઝાર્ડને (Midnight Blizzard) જવાબદાર ગણાવ્યો
image : Pixabay |
Microsoft Cyber Attack: વિશ્વની અગ્રણી આઈટી કંપની માઈક્રોસોફ્ટ (Microsoft) પર જોરદાર સાઈબર હુમલો (Cyber Attack) થયો છે. હુમલા અંગે માહિતી આપતાં અમેરિકન ટેક્નોલોજી કંપનીએ જણાવ્યું હતું કે સાયબર ગુનેગારોએ કંપની મેનેજમેન્ટના ઈ-મેલ એકાઉન્ટ સુધી ઍક્સેસ મેળવી લીધી હતી. માઇક્રોસોફ્ટે આ હુમલા માટે રશિયા સાથે જોડાયેલા જૂથ મિડનાઇટ બ્લિઝાર્ડને (Midnight Blizzard) જવાબદાર ગણાવ્યો છે.
કંપનીની કોર્પોરેટ ઈ-મેલ સિસ્ટમને નિશાન બનાવાઇ
માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે મિડનાઈટ બ્લિઝાર્ડે કંપનીની કોર્પોરેટ ઈ-મેલ સિસ્ટમને નિશાન બનાવી હતી. કંપની મેનેજમેન્ટ એકાઉન્ટ્સ પણ તેમાં સામેલ હતા. કંપનીએ શુક્રવારે પોતાની વેબસાઇટ પર એક બ્લોગ પોસ્ટમાં આ હુમલાની જાણકારી આપી હતી. માઈક્રોસોફ્ટ અનુસાર, આ હેકિંગ ગ્રુપ નોબેલિયમ, APT29 અને Cozy Bear તરીકે પણ ઓળખાય છે. તેઓએ કેટલાક કોર્પોરેટ ઈ-મેલ એકાઉન્ટ હેક કર્યા હતા. જે એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા તે કંપનીની વરિષ્ઠ નેતૃત્વ ટીમ, સાયબર સુરક્ષા ટીમ, કાયદાકીય અને અન્ય કર્મચારીઓના હતા.
હુમલો નવેમ્બરમાં થયો હતો, જાન્યુઆરીમાં માહિતી મળી
માહિતી મુજબ, આ હુમલો નવેમ્બર 2023ના અંતમાં થયો હતો પરંતુ કંપનીની સાયબર સિક્યોરિટી ટીમને 12 જાન્યુઆરીએ તેની જાણ થઈ હતી. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે સાયબર હુમલાની જાણ થતાં તરત જ સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી હતી. માઇક્રોસોફ્ટે કહ્યું કે હેકર્સે ગ્રાહકોનો ડેટા ચોરી નથી કર્યો. તે તેમના પોતાના વિશે માહિતી મેળવવા માંગતા હતા. તે જાણવા માંગતો હતો કે માઇક્રોસોફ્ટ તેના વિશે શું જાણે છે.
માઈક્રોસોફ્ટ સાયબર સુરક્ષામાં ફેરફાર કરશે
આ સાયબર હુમલા બાદ માઈક્રોસોફ્ટ વધુ સતર્ક થઈ ગઈ છે. કંપનીએ બ્લોગમાં લખ્યું છે કે અમે અમારી તાજેતરની સાયબર સુરક્ષામાં ફેરફાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેના માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે. ભલે તેની અમારા વર્તમાન વ્યવસાય પર પ્રતિકૂળ અસર પડે. જ્યારે આપણે આ નવી વાસ્તવિકતાને અપનાવીએ છીએ, ત્યારે કેટલીક સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. પરંતુ, આ એક જરૂરી પગલું છે.