3000 કર્મચારીઓનું લિસ્ટ તૈયાર... ગૂગલ-એમેઝોન બાદ ફેસબુકમાં આજથી મોટાપાયે છટણી શરુ
Meta Layoffs: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટામાં મોટાપાયે છટણીની શરુઆત થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મેટા લગભગ 3,000 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે. ગત શુક્રવારે કંપનીએ ઇન્ટરનલ મેમો મારફત કર્મચારીઓને છટણી અંગે માહિતી આપી હતી. આજથી છટણી પ્રક્રિયા શરુ થશે.
મેટાની છટણી પ્રક્રિયાના ભાગરૂપે કંપની 11 ફેબ્રુઆરીએ કર્મચારીઓને ટર્મિનેશનની નોટિસ મોકલશે. મેટાના એચઆરના વાઇસ પ્રેસિડન્ટ જેનેલ ગેલેએ છટણી અંગેની વિગતો વર્કપ્લેસ ફોરમ પર રજૂ કરી હતી.
ગયા મહિને જ આપ્યા હતા સંકેત
મેટાએ ગયા મહિને જ છટણી અંગેની વિગતો કર્મચારીઓને આપી હતી. જેમાં કુલ સ્ટાફમાંથી 5 ટકા લોકો છટણીનો ભોગ બનશે તેવું જણાવ્યું હતું. અર્થાત્ કંપનીના કુલ વર્કફોર્સના આધારે લગભગ 3,000 લોકોની છટણી થવાનો સંકેત છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ કયા વિભાગ અને કયા કર્મચારીઓની છટણી કરશે તેની વિગતો જાહેર કરી નથી.
છટણી પાછળનું કારણ
આ છટણી પાછળના કારણો અંગે કંપની દ્વારા હજી સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી. અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટા મશીન લર્નિંગ એન્જિનિયર્સ અને અન્ય AI સંચાલિત ભૂમિકાઓ માટે ભરતી પ્રક્રિયાઓને વેગ આપવાના હેતુ સાથે છટણી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ રોકાણકારોનો મોહ તૂટી રહ્યો છે નવા ડીમેટ એકાઉન્ટની સંખ્યા ઘટી
આ પહેલાં પણ થઈ ચૂકી છે મોટી છટણી
વિશ્વની મોટી ટેક કંપનીઓમાં વર્ષ 2022થી સતત છટણી ચાલુ છે. આ પહેલીવાર નથી કે જ્યારે મેટાએ છટણીની જાહેરાત કરી હોય. જણાવી દઈએ કે ઝૂકરબર્ગે વર્ષ 2023ને કંપનીનું 'યર ઑફ એફિશિયન્સી' જાહેર કર્યું હતું અને ત્યારબાદ મેટાએ 10 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. મેટાએ વર્ષ 2022થી લગભગ 21 હજાર નોકરીઓ પર કાપ મૂક્યો છે.
દિગ્ગજ કંપનીઓ કરી રહી છે છટણી
મેટા જ માત્ર છટણી કરી રહ્યું નથી. ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને સ્ટ્રાઇપ જેવા અન્ય ટેક જાયન્ટ્સે પણ 2025માં તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. એમેઝોને તેના ફેશન અને ફિટનેસ વિભાગોમાં લગભગ 200 નોકરીઓ દૂર કરી છે. અહેવાલો અનુસાર, એક તરફ, સ્ટ્રાઇપે 2025ના અંત સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો કરવાની યોજના તૈયાર કરી છે, તો બીજી તરફ, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ઓપરેશન્સ સાથે સંબંધિત લગભગ 300 કર્મચારીઓને તાજેતરમાં જ હાંકી કાઢ્યા હતા. રોબિનહુડના મીડિયા ડિપાર્ટમેન્ટે પણ શેરવુડની પુનઃરચનાનો ઉલ્લેખ કરીને ઘણા કર્મચારીઓને છૂટા કર્યા હતા.