MDH અને એવરેસ્ટ મસાલા પર સંકટના વાદળ ઘેરાયા, વધુ એક દેશે વૉચ લિસ્ટમાં નાંખ્યું
Image: FreePik |
MDH And Everest Masala Banned: એમડીએચ અને એવરેસ્ટના અમુક મસાલાઓમાં કેન્સજન્ય તત્વોનું પ્રમાણ વધુ હોવાના અહેવાલોએ કંપનીઓને વિવાદમાં મુકી છે. સિંગાપોર અને હોંગકોંગમાં પ્રતિબંધ મૂકાયા બાદ હવે વધુ એક દેશ ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે. અને જો સંદિગ્ધ તત્વો સાબિત થયા તો તે ઓસ્ટ્રેલિયામાંથી આ પ્રોડક્ટ્સના વેચાણો બંધ કરી શકે છે.
ફૂડ સ્ટાન્ડર્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડે મંગળવારે જાહેરાત કરી હતી કે, તે ભારતીય કંપની એમડીએચ અને એવરેસ્ટના મસાલાઓમાં સામેલ તત્વો અને પદાર્થોના આરોપોની તપાસ કરી રહી છે. જો આરોપો સાબિત થયા તો તે હોંગકોંગ અને સિંગાપોરની જેમ આ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાદશે.
હોંગકોંગે વેચાણ બંધ કર્યું
હોંગકોંગે બજારમાં એમડીએચ અને એવરેસ્ટના મસાલાઓનું વેચાણ બંધ કર્યું છે. તેમજ સિંગાપોરે પણ એવેરેસ્ટ મિક્સની પ્રોડક્ટ બજારમાંથી પાછી ખેંચી છે. બંને દેશોએ આરોપ મૂક્યો છે કે, આ મસાલાઓમાં કેન્સજન્ય કેમિકલ એથેલિન ઓક્સાઈડનું વધુ પડતુ પ્રમાણ મળ્યું છે. ઓસ્ટ્રેલિયાની ફેડરલ સ્ટેટ આ મામલે તપાસ કરી રહી છે.
ઓસ્ટ્રેલિયામાં એથેલિન ઓક્સાઈડ માન્ય નહીં
ઓસ્ટ્રેલિયામાં ખાદ્ય ચીજો માટે એથેલિન ઓક્સાઈડનો ઉપયોગ કરવો મંજૂર નથી. જેથી જો ઓસ્ટ્રેલિયામાં આ બંને કંપનીઓની વેચાતી પ્રોડક્ટમાં એથેલિન ઓક્સાઈડ મળી આવ્યું તો તેઓ તેના પર પ્રતિબંધ લાદશે. ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધો મૂકાયા તો તેની અસર ન્યૂઝીલેન્ડના બજાર પર પણ થશે.
આ દેશોમાં પણ તપાસ શરૂ
ભારતના એફએસએસઆઈ દ્વારા પણ એમડીએચ અને એવરેસ્ટના વિવિધ મસાલાઓના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. એમડીએચ અને એવરેસ્ટ ભારતની અગ્રણી મસાલા બ્રાન્ડ છે. જે યુરોપ, એશિયા, અને ઉત્તર અમેરિકામાં ઉપસ્થિતિ ધરાવે છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.