આ સપ્તાહે સોના કરતાં ચાંદીમાં વધુ રિટર્ન, MCX ચાંદી વાયદો રૂ. 3136 ઉછળ્યો, જાણો અમદાવાદમાં શું ભાવ રહ્યાં
MCX Gold Silver Price: વૈશ્વિક પરિબળોના પગલે કિંમતી ધાતુમાં સાપ્તાહિક ધોરણે તેજી જોવા મળી છે. સપ્તાહ દરમિયાન એમસીએક્સ ચાંદી વાયદો 3.85 ટકા વધ્યો છે. જ્યારે સોનાનો ભાવ રૂ. 903 પ્રતિ 10 ગ્રામ વધ્યો હતો.
અમદાવાદના હાજર બજારમાં સાપ્તાહિક ધોરણે સોનાની કિંમત રૂ. 2000 પ્રતિ 10 ગ્રામ વધી ગઈકાલે રૂ. 75500 થઈ હતી. જ્યારે ચાંદીનો ભાવ રૂ. 4000 પ્રતિ કિગ્રા વધ્યો હતો. શુક્રવારે ચાંદી રૂ. 85000 પ્રતિ 1 કિગ્રા થઈ હતી.
બુલિયન માર્કેટમાં અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની શક્યતા સાથે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવો આ સપ્તાહે ફરી પાછા વધ્યા છે. જેની અસર સ્થાનિક બજારમાં પણ થઈ હતી. તદુપરાંત મધ્ય-પૂર્વમાં પણ તણાવ વધ્યો હોવાના અહેવાલો, ક્રૂડની કિંમતોમાં વૃદ્ધિ સહિતના પરિબળોએ પણ કિંમતી ધાતુમાં તેજી આવી છે. જે જળવાય તેવો આશાવાદ બુલિયન નિષ્ણાતો આપી રહ્યા છે.
એમસીએક્સ સોનું રૂ. 903 વધ્યું
અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોના-ચાંદી વાયદામાં 7,56,848 સોદાઓમાં રૂ.72,711.86 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.70,678ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,708 અને નીચામાં રૂ.70,082ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.903ના ઉછાળા સાથે રૂ.71,639ના ભાવે પહોંચ્યો હતો.
આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.610ની તેજી સાથે રૂ.57,763 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 વધી રૂ.7,053ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.885 વધી રૂ.71,586ના સ્તરે પહોંચ્યો હતો.
એમસીએક્સ ચાંદી રૂ. 3060 ઉછળી
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.81,325ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.84,575 અને નીચામાં રૂ.80,436ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,136ના ઉછાળા સાથે રૂ.84,499ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,055 ઊછળી રૂ.84,368 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,060 ઊછળી રૂ.84,362 બંધ થયો હતો.