પાંચ દિવસમાં વિદેશી રોકાણકારોની રૂ. 16,000 કરોડની જંગી વેચવાલી
- રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 7.78 લાખ કરોડનું ધોવાણ
- ચોમેરની વેચવાલીના દબાણે સેન્સેક્સમાં 984 અને નિફ્ટીમાં 325 પોઇન્ટનું ગાબડું
અમદાવાદ : અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બાદ સરકારના મહત્ત્વના પદ માટે થઈ રહેલી અટકળો તેમજ ચીન સાથે ટ્રેડ-વૉર ઉદ્ભવવાના સંકેતો સાથે આ મુવમેન્ટની વૈશ્વિક નાણાંકીય બજાર પર પ્રતિકૂળ અસર થવાની ગણતરી પાછળ વિશ્વના અન્ય બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ આજે સેન્સેક્સ ૯૮૪ પોઇન્ટનું ગાબડું નોંધાતા રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૭૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
અમેરિકાના પ્રતિકૂળ અહેવાલોની બીજી તરફ જીયો-પોલિટિકલ ટેન્શનના અહેવાલો સહિતના અન્ય પરિબળો પાછળ બજારનું માનસ ખરડાતા મુંબઈ શેરબજાર ખાતે આજે વિદેશી રોકાણકારોની પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાયા હતા. જેમાં આજે સ્મોલ અને મિડ કેપ શેરોમાં મોટા પાયે ધોવાણ થવા પામ્યું હતું.
એકધારી વેચવાલીના દબાણ પાછળ આજે કામકાજના અંતે સેન્સેક્સ ૯૮૪.૨૩ પોઇન્ટ તૂટીને ૭૭,૬૯૦.૯૫ની નીચી સપાટીએ અને નિફ્ટી ૩૨૪.૪૦ પોઇન્ટ તૂટીને ૨૩,૫૫૯.૦૫ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. આજે સ્મોલ, મિડકેપ શેરોમાં પેનિક સેલિંગના પગલે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૧૬૫૧.૬૯ પોઇન્ટનો અને મિડ કેપ ઇન્ડેક્સમાં ૧૧૬૦.૪૪ પોઇન્ટનો પ્રચંડ કડાકો નોંધાયો હતો.ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે રોકાણકારોની સંપત્તિ (બી.એસઇ. માર્કેટ કેપ)માં રૂ. ૭.૭૮ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૪૨૯.૪૬ લાખ કરોડ રહ્યું હતું. આજે વિદેશી રોકાણકારો દ્વારા રૂ. ૨,૫૦૩ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી તો બીજી તરફ સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૬૧૪૫ કરોડની ખરીદી કરી હતી.
છેલ્લા ૫ સત્રમાં વિદેશી રોકાણકારો દ્વારા કુલ રૂ. ૧૬,૧૨૬ કરોડની વેચવાલી હાથ ધરાઈ છે. આ સમયમાં સેન્સેક્સમાં ૨,૬૯૬ પોઈન્ટનો કડાકો બોલ્યો છે.