રોકાણકારોની સંપત્તિમાં રૂ 9 લાખ કરોડનું જંગી ધોવાણ
- શેરબજારમાં કડાકો : સેન્સેક્સ- નિફ્ટીની વિક્રમી મથાળેથી પીછેહઠ
- સેન્સેક્સ 71,913ને સ્પર્શી 930 પોઇન્ટ તૂટી 70,506 : નિફ્ટી 21,593ને સ્પર્શી 303 પોઇન્ટ તૂટી 21,150
- મિડ-કેપ શેરોમાં મોટા પાયે વેચવાલી : નિફ્ટી મિડ-કેપ ઇન્ડેક્સમાં 1487.50નું અને બીએસઇ મિડ-કેપ ઇન્ડેક્સમાં 1130 પોઇન્ટનું ગાબડું
અમદાવાદ : શેરબજાર ખાતે આજે ફંડોની ચાલુ રહેલી નવી લેવાલી પાછળ બેઉ આગેવાન ઇન્ડેક્સ આજે નવી વિક્રમી સપાટીને સ્પર્શી ગયા હતા. જો કે, દેશમાં નવેસરથી કોરોનાના વધી રહેલા કેસના અહેવાલો તેમજ ઉંચા મથાળે ટ્રેડરોના જંગી પ્રોફિટ બુકિંગના પગલે પ્રારંભિક તબક્કામાં નોંધાયેલો ઉછાળો ધોવાઈ ગયો હતો અને કામકાજના અંતે સેન્સેક્સમાં ૯૩૦ અને નિફ્ટીમાં ૩૦૩ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૯.૧૦ લાખ કરોડનું જંગી ધોવાણ જોવાયું હતું.
ફંડોની આગેવાની હેઠળ નીકળેલી ચોમેરની લેવાલી પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થયા બાદ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધીને ૭૧,૯૧૩.૦૭ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી પણ આજે ઉંચા ગેપથી ખૂલ્યા બાદ નવી લેવાલી પાછળ ઝડપથી વધીને ઇન્ટ્રા-ડે ૨૧,૫૯૩ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોચી ગયો હતો.
આ ઉંચા મથાળે ટ્રેડરો દ્વારા જંગી પ્રોફિટ બુક કરાયો હતો તો બીજી તરફ દેશમાં નવેસરથી કોરોનાના કેસ વધતા ગભરાટભરી વેચવાલીનું દબાણ પણ જોવા મળ્યું હતું. આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સ તેમજ નિફ્ટીમાં ઝડપી પીછેહઠ જોવા મળી હતી.
જેના પગલે કામકાજના અંતે સેન્સેક્સ ૯૩૦.૮૮ પોઇન્ટ તૂટીને ૭૦,૫૦૬.૩૧ના મથાળે ઉતરી આવ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ ૩૦૨.૯૫ પોઇન્ટ તૂટીને ૨૧,૧૫૦.૧૫ના મથાળે બંધ રહ્યો હતો.વેચવાલીના ભારે દબાણે આજે મિડ-કેપ શેરોમાં મોટા પાયે વેચવાલી નીકળતા નિફ્ટી મિડ-કેપ ઇન્ડેક્સમાં ૧૪૮૭.૫૦નું ગાબડું નોંધાયું હતું. જ્યારે બીએસઇ મિડ-કેપ ઇન્ડેક્સમાં ૧૧૩૦ પોઇન્ટનું ગાબડું નોધાયું હતું. સેન્સેક્સમાં નોંધાયેલ કડાકાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૯.૧૦ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે ૩૫૦.૦૧ લાખ કરોડ રહ્યું હતું. બીએસઇ પર આજે ૩૧૭૭ શેરના ભાવો તૂટતા માર્કેટ બ્રિડ્થ નેગેટિવ રહી હતી.