Get The App

રોકાણકારોની સંપતિમાંથી રૂ. 8.50 લાખ કરોડનું થયેલું જંગી ધોવાણ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
રોકાણકારોની સંપતિમાંથી રૂ. 8.50 લાખ કરોડનું થયેલું જંગી ધોવાણ 1 - image


- વિદેશી રોકાણકારોની રૂ. 3115 કરોડની વેચવાલી

- કામકાજના અંતે સેન્સેક્સ 1053 પોઈન્ટ તુટી 70370, નિફટી 333 તુટી 21239

અમદાવાદ : માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા વિદેશી રોકાણકારો માટે આગામી તા. ૧ ફેબ્રુઆરીથી આકરા બેનિફિશયરી ધોરણો અમલી બનાવવાની તૈયારીના અહેવાલો સહિત અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ આજે બીએસઈ સેન્સેક્સમાં ૧૦૫૩ જ્યારે એનએસઈ નિફટીમાં ૩૩૩ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૫૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.

વિદેશી રોકાણકારો માટે અમલી બનનાર નવા નિયમોના અહેવાલ પાછળ બજારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તો બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રર્વતતી વોલેટીલારી તેમજ યુએસ બોન્ડની ચીલ્ડ ઊંચી રહેવાના અહેવાલો પણ પ્રતિકૂળ પૂરવાર થયા હતા. આ ઉપરાંત પરિણામોની જાહેરાત બાદ એચડીએફસી બેંકમાં વેચવાલીનું દબાણ જારી રહેતા આજે સ્ટેટ બેંક, એક્સિસ બેંક અને ઈન્ડુસઇન્ડ બેંકમાં પણ ઝડપી પીછેહઠ જોવા મળી હતી.

આજે શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ મજબૂત ટોને થયા બાદ સેન્સેક્સ ઈન્ટ્રાડે ૬૧૫ પોઈન્ટ વધી ૭૨૦૩૯ અને નિફ્ટી પણ ઈન્ટ્રાડે ૧૭૮ પોઈન્ટ ઉછળી ૨૧૭૫૦ પહોંચ્યો હતો. આ ઊંચા મથાળે બજારમાં તેજીને બ્રેક વાગી હતી અને પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા પ્રારંભિક તેજી ભુંસાવા સાથે ઝડપી પીછેહઠ નોંધાઈ હતી.

વિદેશી રોકાણકારોની સાથે ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા સેન્સેકસ ઝડપથી તુટીને પાછો ફર્યો હવે અને કામકાજના અંતે ૧૦૫૩.૧૦ પોઈન્ટ તુટીને ૭૦૩૭૦.૫૫ની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૩૩ પોઈન્ટ તુટીને ૨૧૨૩૮.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે પ્રારંભિક તેજી બાદ વધ્યા મથાળેથી સેન્સેક્સ ૧૬૬૮ અને નિફટી ૫૧૧ પોઈન્ટ તુટયો હતો.

આજે વિવિધ ક્ષેત્રના શેરોમાં પીછેહઠ થવા સાથે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ મોટાપાયે ગાબડા નોંધાયા હતા. જેના પગલે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧૨૪૫ અને મિડકેપ ઈન્ડેક્સમાં ૧૧૩૩ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે ટ્રેડિંગ થયેલી ૪૦૬૭ સ્ક્રિપોમાંથી ૩૦૪૯ નેગેટીવ બંધ રહી હતી.

સેન્સેકસમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં રૂ. ૮.૪૩ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૩૬૫.૯૭ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારોની આજે રૂ. ૩૧૧૫ કરોડની વેચવાલી રહી હતી.


Google NewsGoogle News