રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનું થયેલું જંગી ધોવાણ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનું થયેલું જંગી ધોવાણ 1 - image


- સેબીની સુચના બાદ શેરબજારમાં ધબકડો

- કામકાજના અંતે સેન્સેક્સ 790 પોઈન્ટ તૂટી 72305 અને નિફ્ટી 247 પોઈન્ટ ગબડી 21951ના તળિયે

- સ્થાનિક સંસ્થાઓની રૂ. 1827 કરોડની ખરીદી સામે વિદેશી રોકાણકારોની રૂ. 1879 કરોડની વેચવાલી

અમદાવાદ : માર્કેટ રેગ્યુલેટર સેબીએ અગમચેતીના પગલા તરીકે સ્મોલ અને મીડકેપ ફંડોના એસેટ મેનેજરોને ફંડ સાથે સંકળાયેલા જોખમોની વધુ માહિતી જાહેર કરવાની સુચના આપ્યા ના અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. ચોમેરથી આવેલા વેચવાલીના દબાણ પાછળ આજે બીએસઈ સેન્સેક્સમાં ૭૯૦ પોઈન્ટનો તો બીજી તરફ એનએસઈના નિફ્ટી ઈન્ડેક્સમાં ૨૪૭ પોઈન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના કડાકો પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ) રૂ. ૬ લાખ કરોડનું જંગી ધોવાણ થવા પામ્યું હતું. 

છેલ્લા કેટલાક સમયમાં અનેક સ્મોલ મીડકેપ શેરોમાં વાસ્તવિક ભાવથી ઉચા ભાવે ટ્રેડિંગ થતા એનાલિસ્ટોએ ચેતવણી જાહેર કર્યા બાદ સેબીએ પણ અગમચેતીના પગલા તરીકે સ્મોલ અને મીડકેપ ફંડોના એસેટ મેનેજરોને ફંડ સાથે સંકળાયેલા જોખમોની વધુ માહિતી જાહેર કરવાની સુચના આપી હતી. આ અહેવાલોની આજે શેરબજારો ઉપર પ્રતિકુળ અસર જોવા મળી હતી. ચોમેરથી આવેલા વેચવાલીના ભારે દબાણ પાછળ આજે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાતા માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ થવા પામી હતી. આજે બીએસઈ ખાતે ૩૯૨૧ શેરોમાંથી ઘટનાર શેરોની સંખ્યા ૩૦૦૨ હતી. જ્યારે ૮૪૪ શેરો સુધારા તરફી હતા. બીજી તરફ આજે વિદેશી રોકાણકારો દ્વારા રૂ. ૧૮૭૯ કરોડની વેચવાલી હાથ ધરવામાં આવી હતી. જ્યારે સંસ્થાનીક સંસ્થાઓએ રૂ. ૧૮૨૭ કરોડની નવી ખરીદી કરી હતી. 

વેચવાલીના એકધારા દબાણ પાછળ આજે કામકાજના અંતે સેન્સેક્સ ૭૯૦.૩૪ના ગાબડા સાથે ૭૨૩૦૪.૮૮ના મથાળે ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૪૭.૨૦ પોઈન્ટના ગાબડા સાથે ૨૧૯૫૧.૧૫ની સપાટીએ ઉતરી આવ્યો હતો. આજે વેચવાલીના ભારે દબાણ પાછળ સ્મોલકેપ ઈન્ડેક્સ ૮૯૦ પોઈન્ટ તૂટી ૪૪૯૯૮ની સપાટીએ નરમ રહ્યો હતો. જ્યારે મિડકેપ ઈન્ડેક્સ ૭૨૪ પોઈન્ટ તૂટીને ૩૯૦૧૯ની સપાટીએ નરમ રહ્યો હતો. 

સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ) રૂ. ૬.૦૨ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૩૮૫.૯૭ લાખ કરોડ રહ્યું હતું. 


Google NewsGoogle News